સીમા-સચિન મોટાભાગે રુમમાં જ બંધ રહ્યા હતા, ક્યારેક ક્યારેક સાંજે તેઓ બહાર જતા હતા અને હોટલ બંધ થાય એ પહેલાં રુમમાં આવી જતા હોવાનો હોટલ માલિકનો ખુલાસો

ગ્રેટર નોઈડા
પાકિસ્તાનથી ચાર બાળકોને લઈને ભારત આવેલી સીમા હૈદર હાલ ખૂબ જ ચર્ચામાં છે. સીમા હૈદર ડેરિંગવાળી મહિલા હોવાનું પણ સાબિત થયું છે. કારણ કે તે એકલી ચાર બાળકોને કેવી રીતે લઈને દાખલ થઈ એ હજુ સુધી સામે આવ્યું નથી. કે પછી તેને કોઈએ મદદ કરી હતી? સીમા હૈદરના કેસમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે આજે પણ વધુ એક ઘટસ્ફોટ થયો છે. સીમા હૈદર અને સચિન નેપાળની એક હોટલમાં સાત દિવસ સુધી સાથે રોકાયા હતા. આ દરમિયાન સીમાના બાળકો પણ સાથે નહોતા. હોટલના માલિક ગણેશે ધડાકો કર્યો કે, સીમા અને સચિન માર્ચમાં તેમની હોટલમાં સાત આઠ દિવસ માટે રોકાયા હતા. તેઓએ કહ્યું કે, તેઓ મોટાભાગે રુમમાં જ બંધ રહ્યા હતા. ક્યારેક ક્યારેક સાંજે તેઓ બહાર જતા હતા અને રાત્રે 9-10ની આસપાસ હોટલ બંધ થાય એ પહેલાં રુમમાં આવી જતા હતા.
સીમા જ્યારે ઝડપાઈ ત્યારે તેણે કહ્યું હતું કે, તે નેપાળની એક હોટલમાં સાત દિવસ સુધી રોકાયા હતા. સચિન અને સીમા નામ બદલીને હોટલમાં રોકાયા હતા. હોટલના માલિકે આ મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેઓ રુમમાંથી ખૂબ જ ઓછા બહાર આવતા હતા અને સાંજે આંટો મારવા નીકળતા હતા. સચિને સીમાને તેની પત્ની ગણાવી હતી. તેઓ એક હોટલના રુમ નંબર 204માં રોકાયા હતા.
હોટલના માલિકે કહ્યું કે, સચિને હોટલ બુક કરાવી હતી. હોટલ કર્મચારીઓને સૂચના આપી હતી કે, તેની પત્ની સીમા આગામી દિવસે તેની સાથે આવશે. પ્લાન મુજબ સીમા પહોંચી પણ અને બંને સાથે રહ્યાં. સચિને હોટલમાં રહેવા માટે શિવાંસ નામ આપ્યું હતું. તેણે ઈન્ડિયન કરન્સીમાં રુપિયા ચૂકવ્યા હતા. મહત્વનું છે કે, યુપી એટીએસે સીમા હૈદરની મંગળવારે ફરીથી પૂછપરછ કરી હતી. ભારતમાં દાખલ થવાની તમામ બાજુઓને લઈને 12 કલાક સુધી પૂછપરછ કરી હતી.
તો સચિનના પિતા નેત્રપાલને પણ તેમના ઘરેથી સવારે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં દસ વાગ્યાની આસપાસ નોઈડામાં એટીએસ યૂનિટના કાર્યાલય પર પણ લઈ જવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સીમા હૈદરે સતત કહ્યું કે, તે માત્ર તેના પ્રેમી સચિનને મળવા માટે જ ભારત આવી છે. તો એટીએસ પણ આ નિવેદનોને ક્રોસ ચેક કરી રહી છે.
મહત્વનું છે કે, સીમા હૈદર તેના ચાર બાળકોને નેપાળના રસ્તે થઈને ગ્રેટર નોઈડામાં ઘૂસી હતી. પબજી ગેમ રમતા રમતા 2019માં સીમા અને સચિનનો સંપર્ક થયો હતો. બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા અને નેપાળમાં મળ્યા હતા. સીમા હૈદરે દાવો કર્યો હતો કે, નેપાળના કાઠમાંડુમાં પશુપતિનાથ મંદિરમાં તેઓએ લગ્ન કર્યા હતા. તે તેની સાથે ચાર બાળકોને પણ લઈને આવી છે. હવે સીમા કહી રહી છે કે, તે ભારતમાં સચિન સાથે જ રહેવા માગે છે. પાકિસ્તાન પરત જવા માગતી નથી. જો તે ત્યાં જશે તો તેની હત્યા કરી નાખવામાં આવશે.