૩જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર અંતર્ગત વિશેષ આયોજન; વિવિધ રાજ્યો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ખેલાડીઓએ વર્લ્ડ હેરિટેજ સિટીનાં ઐતિહાસિક સ્થળો અને સંસ્કૃતિને નજીકથી નિહાળી
અમદાવાદ
રમતગમતની સ્પર્ધાઓની સાથે દેશની સાંસ્કૃતિક વિરાસત અને ઐતિહાસિક ધરોહરનો પરિચય મળે તેવા ઉમદા હેતુ સાથે અમદાવાદમાં યોજાઈ રહેલા ‘૩જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭’ અંતર્ગત આજે વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે યોજાયેલી આ હેરિટેજ વોકમાં દેશભરમાંથી આવેલા પોલીસ ખેલાડીઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને અમદાવાદના સમૃદ્ધ ઐતિહાસિક વારસાનો અનુભવ કર્યો હતો.
અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટ ચાલી રહી છે. તેમાં દેશનાં વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ટૂર્નામેન્ટના વ્યસ્ત રમતગમતના કાર્યક્રમ વચ્ચે ખેલાડીઓને અમદાવાદની ઐતિહાસિક ઓળખ અને સાંસ્કૃતિક વિરાસતથી પરિચિત કરાવવાના હેતુથી આ વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રમતના મેદાનથી ઐતિહાસિક ધરોહર સુધીની યાદગાર સફર
હેરિટેજ વોક દરમિયાન ખેલાડીઓએ અમદાવાદની ઐતિહાસિક ઓળખ, સ્થાપત્યકળા, પરંપરા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને નજીકથી જાણવાનો અવસર મેળવ્યો હતો. વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ધરાવતા અમદાવાદની ઐતિહાસિક ધરોહરથી દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ખેલાડીઓ પ્રભાવિત થયા હતા.
રમતગમતના મેદાનમાં એકબીજાની સામે સ્પર્ધા કરતા ખેલાડીઓ માટે આ હેરિટેજ વોક એક અલગ જ અનુભવ બની રહી હતી. સ્પર્ધાના રોમાંચ અને શારીરિક કસોટી વચ્ચે શહેરના ઐતિહાસિક વાતાવરણમાં વિતાવેલી આ પળોએ ખેલાડીઓમાં નવી તાજગી અને ઉત્સાહનો સંચાર કર્યો હતો.
ગુજરાત પોલીસના આયોજનને ખેલાડીઓએ બિરદાવ્યું
ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા આ વિશેષ આયોજનની અન્ય રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓ અને અધિકારીઓએ પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધાને માત્ર મેડલ અને પ્રદર્શન પૂરતી મર્યાદિત ન રાખીને તેમાં સાંસ્કૃતિક આદાનપ્રદાન અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ હેરિટેજ વોક દ્વારા અલગ-અલગ રાજ્યો અને દળોમાંથી આવેલા પોલીસ કર્મચારીઓને એકબીજાની સાથે જોડાવાની તથા અમદાવાદની વિરાસતને જાણવાની તક મળી હતી. આ પ્રકારનાં આયોજનો રમતગમતની સાથે દેશની વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે પરસ્પર સમજણ અને સૌહાર્દ વધારવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આમ, ‘૩જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭’ અંતર્ગત યોજાયેલી હેરિટેજ વોક ખેલાડીઓ માટે રમતગમતની સ્પર્ધાઓથી અલગ એક યાદગાર અનુભવ બની રહી હતી. આ પહેલે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વધુ મજબૂત બનાવવાની સાથે અમદાવાદના ઐતિહાસિક વારસાને દેશભરના પોલીસ ખેલાડીઓ સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય કર્યું હતું.
