પોલીસ અધિકારીઓ 26 અને 27 નવેમ્બરે કચ્છ, વાવ-થરાદ અને પાટણનાં સરહદી ગામોની મુલાકાત લેશે ; સ્થાનિકોના ઘરે રોકાઈ ગ્રામજનો અને પોલીસ જવાનોની સમસ્યાઓ સાંભળશે
સરકારના ‘ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ’ના વિઝનને સાકાર કરવા ગુજરાત પોલીસની વિશેષ પહેલ; બોર્ડર પેટ્રોલિંગ, સુરક્ષા માળખા અને એજન્સીઓની સજ્જતાનું ગ્રાઉન્ડ લેવલ પર નિરીક્ષણ કરાશે
અમદાવાદ:
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા રાજ્ય પોલીસ દ્વારા વિશેષ ફિલ્ડ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગુજરાત પોલીસના 10 વરિષ્ઠ IPS અધિકારીઓ આગામી 26 અને 27 નવેમ્બર, 2026ના રોજ કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના 20 સરહદી ગામોની મુલાકાત લેશે. આ મુલાકાતની વિશેષતા એ છે કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સરહદી ગામોમાં સ્થાનિક રહીશોના ઘરે રાત્રિરોકાણ કરશે અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને સુરક્ષા વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવશે.
સરકારના ‘ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ’ના વિઝનને સાકાર કરવા આ પહેલ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકોમાં સરહદી સુરક્ષાને અભેદ્ય બનાવવા અંગે આપવામાં આવેલા દિશાનિર્દેશોના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ટેકનોલોજી આધારિત ફેન્સિંગ સહિતની વ્યવસ્થાઓ દ્વારા સરહદી વિસ્તારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસોને પણ આ અભિયાન વધુ વેગ આપશે.
આ બે દિવસીય ફિલ્ડ એક્સરસાઇઝ યોજાશે. તેનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય તેમજ આંતરરાજ્ય સરહદોની સુરક્ષા વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવાની સાથે સરહદના છેવાડે વસતા નાગરિકોની સુરક્ષા અને કલ્યાણને પ્રાથમિકતા આપવાનો છે.
રાત્રિરોકાણ દરમિયાન સુરક્ષાની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવશે
આ મુલાકાત દરમિયાન IPS અધિકારીઓ સરહદી વિસ્તારોમાં ઉપલબ્ધ સુરક્ષા માળખા, સુરક્ષા એજન્સીઓની સજ્જતા અને બોર્ડર પેટ્રોલિંગની વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે. ખાસ કરીને દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને પડતી મુશ્કેલીઓ, સંસાધનોની ઉપલબ્ધતા અને કામગીરી દરમિયાન ઊભા થતા પડકારો અંગે માહિતી મેળવશે.
અધિકારીઓ સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ કરશે અને તેમની સમસ્યાઓ તથા સરહદી સુરક્ષા અંગેના સૂચનો સાંભળશે. રાત્રિરોકાણ દરમિયાન સમીક્ષા બેઠકો પણ યોજવામાં આવશે. આ બેઠકોમાંથી મળતાં તારણો ભવિષ્યમાં સરહદી વિસ્તારોના સુરક્ષા આયોજન અને વિકાસલક્ષી કામગીરી માટે ઉપયોગી બનશે.
કયા IPS અધિકારીને કયા ગામની જવાબદારી?
આ વિશેષ અભિયાન અંતર્ગત 10 વરિષ્ઠ પોલીસ અધિકારીઓને અલગ-અલગ સરહદી ગામોની જવાબદારી સોંપવામાં આવી છે.
પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લો:
- કલ્યાણપર અને બાંભણકા ગામે વડોદરા રેન્જના IGP સંદીપ સિંઘ રાત્રિરોકાણ કરશે.
- વરસારા અને ધબડા ગામે જામનગરના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની મુલાકાત લેશે.
પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લો:
- સુમરાપોર અને મોટા પૈયા ગામે અમદાવાદ શહેર ક્રાઈમના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ જશે.
- અટાડા અને લાખાપર ગામે ગાંધીનગર ઇન્ટેલિજન્સ-2ના IGP એન. એન. ચૌધરી મુલાકાત લેશે.
- મીઠડી અને ભગડિયા ગામે ગાંધીનગર કાયદો અને વ્યવસ્થાના IGP મકરંદ ગોવિંદભાઈ ચૌહાણ રહેશે.
- રતાડિયા અને રોહતલ ગામે ભરૂચના પોલીસ અધિક્ષક અક્ષય રાજ જશે.
વાવ-થરાદ જિલ્લો:
- કારેલી અને બારડવી ગામે પંચમહાલ-ગોધરા રેન્જના DIGP વિધિ ચૌધરી મુલાકાત લેશે.
- બુકણા અને નડોદર ગામે અમદાવાદ પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા જશે.
- બોરુ અને નેસડા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિક્ષક એમ. જે. ચાવડા ઉપસ્થિત રહેશે.
પાટણ જિલ્લો:
– દાત્રાણા અને બરારા ગામે અમદાવાદ શહેર ઝોન-8ના નાયબ પોલીસ કમિશનર મયુર ગુલાબરાવ પાટીલ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
સરહદના અંતિમ ગામ સુધી સુરક્ષાનું માળખું મજબૂત કરવાનો પ્રયાસ
ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા માત્ર સરહદ પર તૈનાત સુરક્ષા દળો પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ સરહદી ગામોમાં વસતા નાગરિકો પણ સુરક્ષા વ્યવસ્થાનો સક્રિય હિસ્સો બને તે દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગામડાંમાં જ રહીને કરવામાં આવતી સમીક્ષા થકી સરહદી વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ, સ્થાનિક લોકોની અપેક્ષાઓ અને પોલીસ તંત્રની જરૂરિયાતો અંગે સીધી માહિતી મળી શકશે. આ રીતે ગુજરાત પોલીસ સરહદના છેવાડાના ગામ સુધી સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાની દિશામાં પ્રયાસ કરી રહી છે.
