દિવાળી વેકેશનમાં સિંહ દર્શન માટે સફારી પાર્કમાં પ્રવાસીઓનો ધસારો: 80 હજારથી વધુ લોકોએ માણ્યું એશિયાઈ સિંહોનું દર્શન

Spread the love

ગીર, દેવળિયા સહિત સૌરાષ્ટ્રના પાંચ સફારી સ્થળોએ વન વિભાગને રૂ.1.59 કરોડથી વધુની આવક; ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓની સંખ્યામાં 68.13 ટકાનો ઉછાળો

અમદાવાદ/જૂનાગઢ:

ગુજરાતના ગૌરવ અને વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતા એશિયાઈ સિંહોના દર્શન માટે વર્ષ 2026ના દિવાળી વેકેશન દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ સફારી પાર્કમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ગીરના જંગલથી લઈને ગિરનાર, આંબરડી અને બરડા સુધીના સફારી સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. વન વિભાગના આંકડા મુજબ, 9થી 15 નવેમ્બર, 2026 દરમિયાન રાજ્યના વિવિધ સફારી પાર્કમાં 80 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લઈને એશિયાઈ સિંહોનું દર્શન કર્યું હતું. પ્રવાસીઓની આ વધતી સંખ્યાના પરિણામે ગુજરાત વન વિભાગને રૂ.1.59 કરોડથી વધુની આવક થઈ છે. સાથે જ સફારી પાર્કની આસપાસના વિસ્તારોમાં પ્રવાસન આધારિત સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળ્યો છે.

દિવાળીના વેકેશન દરમિયાન સિંહ દર્શન માટે સૌથી વધુ પ્રવાસીઓનો પ્રવાહ ગીર અને દેવળિયા સફારી પાર્કમાં જોવા મળ્યો હતો. અહીં જીપ્સી અને બસ સફારી મારફતે કુલ 60,661 પ્રવાસીઓએ સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો. આ મુલાકાતોના પરિણામે વન વિભાગને આશરે રૂ.1.21 કરોડની આવક થઈ હતી. નોંધનીય છે કે વર્ષ 2025ના દિવાળી વેકેશન દરમિયાન ગીર અને દેવળિયા સફારીમાંથી આશરે રૂ.1.15 કરોડની આવક થઈ હતી. તેની સરખામણીએ વર્ષ 2026માં આવક વધીને રૂ.1.21 કરોડ પર પહોંચી છે. આમ, પ્રવાસીઓની સંખ્યામાં વધારા સાથે વન વિભાગની આવકમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે.

ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓનો 68.13 ટકા ઉછાળો

ગીર અને દેવળિયા ઉપરાંત જૂનાગઢના ગિરનાર નેચર સફારી, અમરેલીના આંબરડી સફારી પાર્ક અને પોરબંદરના બરડા સફારીમાં પણ પ્રવાસીઓનો ઉત્સાહ વધ્યો છે. આ ત્રણેય સ્થળોએ 9થી 15 નવેમ્બર, 2026 દરમિયાન કુલ 20,282 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જ્યારે વર્ષ 2025ના દિવાળી વેકેશનમાં આ સ્થળોએ 18,114 પ્રવાસીઓ નોંધાયા હતા. આમ, એક જ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં 11.97 ટકાનો વધારો થયો છે.

પ્રવાસીઓની વધતી અવરજવરની સીધી અસર વન વિભાગની આવકમાં પણ જોવા મળી છે. વર્ષ 2025ના દિવાળી વેકેશન દરમિયાન આ ત્રણ સફારી સ્થળોએથી રૂ.34 લાખની આવક થઈ હતી, જે વર્ષ 2026માં વધીને રૂ.38 લાખ થઈ છે. એટલે કે આવકમાં અંદાજે 11.10 ટકાનો વધારો નોંધાયો છે. ખાસ કરીને ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓની સંખ્યામાં 68.13 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જે ગુજરાતમાં વન્યજીવ પ્રવાસન અને ઈકો-ટુરિઝમ તરફ વધતા આકર્ષણનું સૂચક છે.

વૈકલ્પિક સફારી સ્થળો પણ પ્રવાસીઓની પસંદગી બન્યાં

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તથા વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીના નેતૃત્વમાં વન્યજીવ સંરક્ષણની સાથે પ્રવાસન સુવિધાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાસણગીર અને દેવળિયા ઉપરાંત ગિરનાર નેચર સફારી, અમરેલીનું આંબરડી અને પોરબંદરનું બરડા સફારી પણ પ્રવાસીઓ માટે મહત્વનાં આકર્ષણો બની રહ્યાં છે.

આ સ્થળોની વધતી લોકપ્રિયતા દર્શાવે છે કે પ્રવાસીઓ હવે માત્ર સાસણગીર સુધી સીમિત રહેવાને બદલે સૌરાષ્ટ્રનાં અન્ય વન્યજીવ અને કુદરતી પ્રવાસન સ્થળો તરફ પણ વળી રહ્યા છે. આ પરિવર્તનથી એક તરફ મુખ્ય સફારી સ્થળો પર પ્રવાસીઓનું ભારણ વહેંચવામાં મદદ મળી રહી છે, તો બીજી તરફ નવા વિસ્તારોમાં પ્રવાસન પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

સફારી પ્રવાસનથી સ્થાનિક પરિવારોની આવકમાં વધારો

સફારી પાર્કમાં પ્રવાસીઓની વધતી સંખ્યાનો લાભ માત્ર વન વિભાગની આવક પૂરતો મર્યાદિત રહ્યો નથી. તેની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે. જીપ્સી ડ્રાઇવર્સ, નેચર ગાઇડ્સ, હોટલ-રિસોર્ટ સંચાલકો, હોમ-સ્ટે વ્યવસાય સાથે જોડાયેલા લોકો, સ્થાનિક હસ્તકલાના કારીગરો તેમજ ખાણીપીણી અને પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોને રોજગારીની વધુ તકો મળી રહી છે.

ખાસ કરીને દિવાળી જેવા તહેવારોના વેકેશન દરમિયાન પ્રવાસીઓની સંખ્યા વધવાથી સ્થાનિક વેપારીઓ અને નાના વ્યવસાયકારો માટે આવકની નવી તકો ઊભી થાય છે. આમ, વન્યજીવ પ્રવાસન ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

વન્યજીવ સંરક્ષણ સાથે ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન

સફારી પાર્કના માધ્યમથી પ્રવાસીઓને પ્રકૃતિ અને વન્યજીવોને નજીકથી જાણવાની તક મળી રહી છે. આ સાથે વન્યજીવોના સંરક્ષણ, જૈવવિવિધતા અને પર્યાવરણ જાળવણી અંગે લોકજાગૃતિ પણ વધી રહી છે. વન વિભાગને પ્રવાસન પ્રવૃત્તિઓમાંથી પ્રાપ્ત થતી આવકનો ઉપયોગ વન્યજીવોના સંવર્ધન, જંગલ વિસ્તારના સંરક્ષણ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓના વિકાસમાં થઈ રહ્યો છે.

આમ, દિવાળી વેકેશન દરમિયાન 80 હજારથી વધુ પ્રવાસીઓની મુલાકાત અને રૂ.1.59 કરોડથી વધુની આવક એ દર્શાવે છે કે ગુજરાતમાં એશિયાઈ સિંહોનું આકર્ષણ યથાવત્ છે. સાથે જ ગીરની ઓળખને કેન્દ્રમાં રાખીને સૌરાષ્ટ્રમાં વિકસતું વૈકલ્પિક સફારી પ્રવાસન વન્યજીવ સંરક્ષણ, સ્થાનિક રોજગારી અને પ્રવાસન આધારિત અર્થતંત્ર માટે નવી તકો ઊભી કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *