ગુજરાત સ્ટેટ ફૂટબોલની યુથ લીગ ચેમ્પિયનશિપમાં 73 ટીમોની વિક્રમી સહભાગિતા

Spread the love

સિનિયર મેન્સ સહિત અંડર-13, અંડર-15 અને અંડર-17 કેટેગરીમાં 31 મુકાબલા રમાયા; ARA FC અને કર્ણાવતી FCની શાનદાર જીત, અંડર-17માં કહાની FCએ 19-0થી નોંધાવ્યો વિજય

અમદાવાદ:

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ તથા અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યુથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ 2026 અંતર્ગત આજે અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે વિવિધ કેટેગરીના મુકાબલા રમાયા હતા. ચારેય કેટેગરીમાં મળીને કુલ 31 મેચો રમાઈ હતી, જેમાં રાજ્યની વિવિધ ફૂટબોલ ક્લબોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ચેમ્પિયનશિપમાં આ વખતે કુલ 73 ટીમોની ભાગીદારી નોંધાઈ છે, જે ગુજરાત ફૂટબોલના ઇતિહાસમાં અત્યાર સુધીની રેકોર્ડબ્રેક ભાગીદારી છે. સ્પર્ધામાં સિનિયર મેન્સ કેટેગરીમાં 13, અંડર-13માં 23, અંડર-15માં 23 અને અંડર-17માં 14 ટીમો મેદાનમાં ઉતરી છે. આટલી મોટી સંખ્યામાં ક્લબો અને ખેલાડીઓની ભાગીદારી રાજ્યમાં ફૂટબોલ રમતના વધતા વ્યાપ અને યુવા પ્રતિભાઓને મળી રહેલા પ્લેટફોર્મનું પ્રતિબિંબ છે.

આ ચેમ્પિયનશિપની અંડર-13, અંડર-15 અને અંડર-17 કેટેગરીમાં ચેમ્પિયન બનનારી ટીમોને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત યુથ લીગમાં ભાગ લેવાની તક મળશે. પરિણામે યુવા ખેલાડીઓ માટે રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો આ મહત્વપૂર્ણ અવસર બનશે.

સિનિયર મેન્સમાં ARA FCનો સાત ગોલથી વિજય

સિનિયર મેન્સ કેટેગરીમાં સૂર્યવંશી FCએ કાવી ચૌહાણના એકમાત્ર ગોલની મદદથી કર્ણાવતી FCને 1-0થી હરાવ્યું હતું. ARA FCએ શાનદાર પ્રદર્શન કરતાં દ્વિવેદી બ્રધર્સને 7-1થી પરાજય આપ્યો હતો. આ મેચમાં ARA FCના થોમસ જોને ચાર ગોલ નોંધાવી ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ટીમે વંડર્સ FCને 4-1થી હરાવી હતી, જ્યારે CVM FCએ ગોધરા FC સામે 8-0થી એકતરફી જીત મેળવી હતી.

અંડર-13માં બ્લૂ ટાઇગર FCનો 9-0થી દબદબો

અંડર-13 કેટેગરીમાં બ્લૂ ટાઇગર FCએ સૂર્યવંશી FCને 9-0થી હરાવી પ્રભાવશાળી વિજય મેળવ્યો હતો. બરોડા FAએ BFA યુનાઇટેડને 5-3થી અને BSPFA સુરતે કહાની FCને 5-3થી હરાવ્યું હતું. લીવે સ્પોર્ટ્સે OMM FCને 4-2થી પરાજય આપ્યો હતો. કર્ણાવતી FC અને રેન્જર FAએ અનુક્રમે SGVP FA અને SGVP FCને 3-0થી હરાવ્યાં હતાં. અનસ્ટોપેબલ FCએ માસ્ટર FCને 3-0થી, SAG FAએ નવરચના SAને 2-0થી હરાવ્યું હતું. જ્યારે CVM FC અને શાર્પ શૂટર FC વચ્ચેનો મુકાબલો 2-2થી ડ્રો રહ્યો હતો.

અંડર-15માં કર્ણાવતી FC અને ARA FCના ગોલનો વરસાદ

અંડર-15 કેટેગરીમાં સૌથી વધુ ગોલના મુકાબલામાં કર્ણાવતી FCએ SGVP FAને 17-0થી અને ARA FCએ અનસ્ટોપેબલ FCને 16-0થી હરાવી મોટી જીત નોંધાવી હતી. SGVP FCએ રેન્જર FAને 12-0થી જ્યારે શાર્પ શૂટર FCએ SAG FAને 11-3થી પરાજય આપ્યો હતો. ગાંધીનગર FCએ બ્લૂ ટાઇગર FCને 7-3થી અને SK યુનાઇટેડ FCએ માસ્ટર FCને 6-0થી હરાવ્યું હતું.

અન્ય મુકાબલામાં બરોડા FAએ NCD FCને 5-0થી, લીવે સ્પોર્ટ્સે કાસા FCને 4-2થી, CVM FCએ સેવી સ્વરાજ FCને 3-1થી અને નવરચના SAએ અમદાવાદ યુનાઇટેડ FCને 1-0થી હરાવ્યું હતું.

અંડર-17માં કહાની FCનો 19-0થી સૌથી મોટો વિજય

અંડર-17 કેટેગરીમાં કહાની FCએ કાસા FC સામે 19-0થી ભવ્ય વિજય મેળવી દિવસનો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો. SAG FAએ SGFA રાજકોટને 15-1થી હરાવી પોતાની તાકાત દર્શાવી હતી. SK યુનાઇટેડ FCએ પાનોલી FCને 7-3થી જ્યારે બરોડા FAએ યુએસઆઇ FC સુરતને 2-0થી પરાજય આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *