આઠ વર્ષ બાદ અમદાવાદમાં અમ્માનું આગમન, હજારો ભક્તોએ કર્યા દર્શન, 300 જરૂરિયાતમંદ મહિલાઓ માટે પેન્શન સહાય યોજનાનો પ્રારંભ, નશામુક્ત ભારતનો સંકલ્પ અને ‘અમૃતા ગંગા ગુજરાતી’ ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ
અમદાવાદ
વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી નેતા માતા અમૃતાનંદમયી દેવી (અમ્મા) આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ અમદાવાદ પધારતાં શહેરમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. તેમની ભારત યાત્રા-2026ના ભાગરૂપે સોલા સ્થિત શ્રી ભગવત વિદ્યાપીઠ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી હજારો ભક્તો, યુવાનો, સમાજના અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમ્માએ સેવા, કરુણા અને માનવતાનો સંદેશ આપતાં જણાવ્યું હતું કે સારાં કર્મો જ જીવનને સાચો અર્થ અને ઉદ્દેશ્ય આપે છે.
અમ્માએ પોતાના પ્રવચનમાં સમજાવ્યું હતું કે પ્રકૃતિ, મનુષ્યમાત્ર અને તમામ જીવજંતુઓ પ્રત્યેની આપણી જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું એ જ સાચું સદ્કર્મ છે. જીવનમાં આધ્યાત્મિકતાનું મહત્ત્વ માત્ર ધાર્મિક વિધિઓ કે ઉપાસના પૂરતું સીમિત નથી, પરંતુ આપણા વર્તન, કર્મ અને અન્ય પ્રત્યેની સંવેદનામાં તેનું સાચું પ્રતિબિંબ જોવા મળે છે. નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવતી સેવા અને બીજાના જીવનમાં ખુશી લાવવાનો પ્રયાસ જ માનવજીવનને સાર્થક બનાવે છે.
‘વિકસિત ભારત’ના નિર્માણમાં સેવાનું મહત્ત્વ
કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમ્માની નિઃસ્વાર્થ સેવા અને માનવકલ્યાણનાં કાર્યોને વિકસિત ભારતના નિર્માણ માટે પ્રેરણારૂપ ગણાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારતનું સ્વપ્ન માત્ર આર્થિક પ્રગતિ, ટેક્નોલોજી અને આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજના છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવું પણ એટલું જ જરૂરી છે. અમ્માની સેવાપ્રવૃત્તિઓ આ દિશામાં પ્રેરણાદાયી ઉદાહરણ છે.
300 મહિલાઓ માટે પેન્શન સહાય યોજનાનો પ્રારંભ
આ કાર્યક્રમની વિશેષતા તરીકે આર્થિક રીતે નબળી સ્થિતિમાં જીવતી 300 મહિલાઓ માટે પેન્શન સહાય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહિલાઓના ગૌરવ, આર્થિક સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી આ પહેલને ઉપસ્થિતોએ આવકારી હતી.
આ ઉપરાંત અમૃતાશ્રી (AmritaSREE) યોજનાના સભ્યોને આર્થિક સહાય અને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને તેમના જીવનમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
‘અમૃતા ગંગા ગુજરાતી’ ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ
ગુજરાતી ભાષી સમાજ સુધી અમ્માના આધ્યાત્મિક વિચારો, ઉપદેશો, ભજનો અને સેવાકાર્યોની માહિતી સરળતાથી પહોંચે તે હેતુથી ‘અમૃતા ગંગા ગુજરાતી’ ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ માધ્યમ દ્વારા અમ્માના સંદેશાઓ ગુજરાતી ભાષામાં વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચશે.
આ પ્રસંગે વિશેષ સ્મૃતિગ્રંથ અને પ્રકાશનનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. અમ્માના વિચારોને સ્થાનિક ભાષા અને સંસ્કૃતિ સાથે જોડવાનો આ પ્રયાસ આધ્યાત્મિક જાગૃતિના પ્રસાર માટે મહત્ત્વપૂર્ણ બનશે.
યુવાનોને નશામુક્ત ભારતના નિર્માણનો સંકલ્પ
કાર્યક્રમમાં અમ્માના આંતરરાષ્ટ્રીય યુવા સંગઠન AYUDHના સ્વયંસેવકોએ વિશેષ ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વ હેઠળ ઉપસ્થિત યુવાનો, મહાનુભાવો અને નાગરિકોએ ‘નશામુક્ત યુવા, વિકસિત ભારત’નો સંકલ્પ લીધો હતો.
વર્ષ 1985માં સ્થાપિત AYUDH આજે ભારત સહિત 50થી વધુ દેશોમાં સક્રિય છે. આ સંગઠન યુવાનોને સામાજિક સેવા, પર્યાવરણ સંરક્ષણ, વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિઓ સાથે જોડે છે. યુવાનોમાં જવાબદારી, સંવેદનશીલતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા વિકસાવવાના પ્રયાસો આ સંગઠન દ્વારા કરવામાં આવે છે.
ગુજરાત સાથે અમ્માનો વર્ષો જૂનો સેવાસંબંધ
અમ્માની આ મુલાકાતે ગુજરાત સાથેના તેમના વર્ષો જૂના સેવાસંબંધોને ફરી યાદ કરાવ્યા હતા. વર્ષ 2001ના કચ્છ ભૂકંપ બાદ તેમના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા પુનર્વસન કાર્યમાં અસરગ્રસ્ત પરિવારો માટે આવાસ, શાળાઓ અને સામૂહિક માળખાકીય સુવિધાઓનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. સુરતના પૂર દરમિયાન રાહતકાર્યો ઉપરાંત અમૃતા વિદ્યાલયમ જેવી સંસ્થાઓ મારફતે ગુજરાતમાં વિવિધ સેવાપ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી છે.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત
કાર્યક્રમ દરમિયાન અમ્માનું પુષ્પહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરમતીના ધારાસભ્ય ડૉ. હર્ષદ પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ, મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ કમલેશ પટેલ, અમદાવાદનાં કલેક્ટર ભવ્યા વર્મા, IIM અમદાવાદના ડિરેક્ટર પ્રો. ભરત ભાસ્કર, રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ તથા ભુવનેશ્વરી પીઠના ડૉ. રવિદર્શનજી વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે અમ્માએ ભજન અને ધ્યાનનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ હજારો ભક્તોએ તેમનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આઠ વર્ષ બાદ અમદાવાદમાં યોજાયેલો આ આધ્યાત્મિક સમાગમ માત્ર ધાર્મિક કાર્યક્રમ બનીને રહ્યો નહોતો, પરંતુ સેવા, કરુણા, મહિલા સશક્તિકરણ, યુવા જાગૃતિ અને સામાજિક જવાબદારીના સંદેશ સાથે પૂર્ણ થયો હતો.
