શ્રી ભાગવત વિદ્યાપીઠ ગ્રાઉન્ડ ખાતે યોજાશે ભવ્ય આધ્યાત્મિક સત્સંગ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે
અમદાવાદ
વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી માતા અમૃતાનંદમયી દેવી (અમ્મા) આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર અમદાવાદની પાવન ધરતી પર પધારી રહ્યાં છે. અમ્માના આગમનને લઈને અમદાવાદ સહિત ગુજરાતભરના ભક્તોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. અમ્મા ભારત યાત્રા-2026 અંતર્ગત 21 નવેમ્બરે અમદાવાદમાં ભક્તોને દર્શન અને આશીર્વાદ આપશે. આ પ્રસંગે આધ્યાત્મિક સત્સંગ, ભજન, ધ્યાન અને સેવાકીય પ્રવૃત્તિઓ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના એસ.જી. હાઈવે પર સોલા સ્થિત શ્રી ભાગવત વિદ્યાપીઠ ગ્રાઉન્ડ, કૃષ્ણધામ ખાતે 21 નવેમ્બરે સાંજે 6 વાગ્યાથી આ ભવ્ય જાહેર કાર્યક્રમનો પ્રારંભ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમ આખી રાત ચાલશે અને 22 નવેમ્બરની વહેલી સવાર સુધી ભક્તોને અમ્માનાં વ્યક્તિગત દર્શનનો લાભ મળી રહે ત્યાં સુધી ચાલુ રહેશે. કાર્યક્રમની શરૂઆત અમ્મા દ્વારા સંચાલિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી સાથે થશે. ત્યારબાદ અમ્માનો આધ્યાત્મિક સત્સંગ, ભાવપૂર્ણ ભજનો, માર્ગદર્શિત ધ્યાન અને વ્યક્તિગત દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
સેવાકીય પ્રકલ્પોનું લોકાર્પણ અને જરૂરિયાતમંદ મહિલાઓને સહાય
આધ્યાત્મિક કાર્યક્રમની સાથે માનવસેવાને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ પ્રસંગે અમ્મા દ્વારા નવા સેવાકીય પ્રકલ્પોનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં જરૂરિયાતમંદ મહિલાઓને સાડીઓ અને પેન્શનનું વિતરણ કરવામાં આવશે. આ પહેલનો હેતુ આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને સહાય પૂરી પાડવાની સાથે તેમના જીવનમાં આત્મસન્માન અને આર્થિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે.
આ ઉપરાંત અમ્મા દ્વારા ‘અમૃત ગંગા’ નામની બહુભાષી આધ્યાત્મિક ટેલિવિઝન અને સ્ટ્રીમિંગ શ્રેણીનો પણ પ્રારંભ કરવામાં આવશે. આ શ્રેણીમાં અમ્માના સત્સંગો, ભજનો તેમજ વિશ્વના વિવિધ દેશોમાં ચાલી રહેલી તેમની માનવસેવા અને સમાજકલ્યાણની પ્રવૃત્તિઓની ઝલક રજૂ કરવામાં આવશે. આ માધ્યમ દ્વારા અમ્માના આધ્યાત્મિક વિચારો અને માનવતાના સંદેશને વધુ વ્યાપક સ્તરે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
2001ના ભૂકંપ બાદ કચ્છમાં પુનર્વસનનું ઐતિહાસિક કાર્ય
અમ્માનો ગુજરાત સાથેનો નાતો માત્ર આધ્યાત્મિક જ નહીં, પરંતુ માનવસેવા અને સમાજકલ્યાણના કાર્યો સાથે પણ જોડાયેલો છે. ગુજરાતમાં આવેલા કુદરતી આફતોના સમયમાં માતા અમૃતાનંદમયી મઠે અસરગ્રસ્ત લોકોની મદદ માટે નોંધપાત્ર કામગીરી કરી છે.
વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં મઠ દ્વારા વ્યાપક પુનર્વસન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત મોડસર, મોખાણા અને ડગાળા ગામોના પુનર્નિર્માણનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પ હેઠળ 1,200થી વધુ મકાનોનું નિર્માણ કરવા ઉપરાંત શાળાઓ, દવાખાનાં, સમુદાય ભવનો, રસ્તાઓ તેમજ પીવાના પાણી અને સ્વચ્છતાની જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી.
એ જ રીતે વર્ષ 2006માં સુરતમાં આવેલા વિનાશક પૂર દરમિયાન પણ મઠ દ્વારા અસરગ્રસ્ત પરિવારોની સહાય માટે તબીબી ટીમો અને આવશ્યક દવાઓ મોકલવામાં આવી હતી. આ કામગીરીએ આપત્તિના સમયે માનવતાની સેવા માટે અમ્માની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી હતી.
અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે પણ અમ્માનું યોગદાન
અમ્માના સેવાકાર્યોનો વ્યાપ શિક્ષણ ક્ષેત્રે પણ જોવા મળે છે. વર્ષ 2003માં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થાપિત અમૃત વિદ્યાલયમ્ આજે પણ અમ્માના આધ્યાત્મિક અને માનવતાવાદી વિચારોમાંથી પ્રેરણા લઈને કાર્યરત છે. અહીં વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ સંસ્કાર, નૈતિક મૂલ્યો અને માનવતાની ભાવના સાથે સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આધ્યાત્મિકતા સાથે માનવસેવાનો સંદેશ આપશે અમ્મા
આઠ વર્ષ બાદ અમ્માની અમદાવાદ મુલાકાતને માત્ર એક ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ ગુજરાત સાથેના તેમના દાયકાઓ જૂના આત્મીય સંબંધના પુનઃમિલન તરીકે પણ જોવામાં આવી રહી છે. પ્રેમ, શાંતિ, કરુણા અને નિઃસ્વાર્થ સેવાનો સંદેશ આપતાં અમ્માની ઉપસ્થિતિ ભક્તો માટે વિશેષ આધ્યાત્મિક અનુભવ બની રહેશે.
21 નવેમ્બરની આ મુલાકાત દરમિયાન સત્સંગ, ભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી અમ્મા ફરી એકવાર માનવતાને સર્વોપરી રાખવાનો અને સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો સંદેશ આપશે. અમદાવાદમાં આઠ વર્ષ બાદ યોજાનારા આ કાર્યક્રમને લઈને ભક્તોમાં ભારે ઉત્સુકતા છે.
