લો, મિડ અને હાઈ હેન્ડિકેપ કેટેગરીમાં જુહી મવાણી, પંકજ સોઢા અને ડૂયુંગ લી વિજેતા બન્યા; ત્રણ કેટેગરીના 38 ગોલ્ફરોને રિવોર્ડ પોઈન્ટ્સ એનાયત
અમદાવાદ:
શહેરની અગ્રણી ગોલ્ફિંગ ટુર્નામેન્ટ્સમાં સ્થાન ધરાવતી ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) ટુર્નામેન્ટનો 11મો અને અંતિમ રાઉન્ડ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ગુલમોહર ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 78 ગોલ્ફરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 30 અને 31 ઓક્ટોબર તેમજ 1 નવેમ્બરના રોજ ગુલમોહર ગ્રીન્સ : ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે આ નિર્ણાયક રાઉન્ડ રમાયો હતો.
ટુર્નામેન્ટની વિવિધ કેટેગરીમાં ગોલ્ફરોએ શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવવા માટે સ્પર્ધા કરી હતી. લો-હેન્ડિકેપ કેટેગરીમાં જુહી મવાણી 86 ગ્રોસ અને 36 (B9-22) પોઈન્ટના સ્કોર સાથે વિજેતા જાહેર થયા હતા. જ્યારે વિશાલ દેસાઈએ 81 ગ્રોસ અને 36 (B9-21) પોઈન્ટ મેળવ્યા હતા અને તેઓ રનર-અપ રહ્યા હતા. બંને ખેલાડીઓના પોઈન્ટ સમાન હોવા છતાં B9 સ્કોરના આધારે વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા.
મિડ-હેન્ડિકેપ કેટેગરીમાં પંકજ સોઢાએ 87 ગ્રોસ અને 41 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. વિકાશ કુમારે 89 ગ્રોસ અને 38 પોઈન્ટ મેળવીને રનર-અપનું સ્થાન મેળવ્યું હતું.
હાઈ-હેન્ડિકેપ કેટેગરીમાં ડૂયુંગ લીએ 96 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિજેતાનો ખિતાબ મેળવ્યો હતો. જ્યારે રાહુલ સૈની 97 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યા હતા.
ત્રણેય કેટેગરીના વિજેતાઓને પ્રત્યેક 3,000 રિવોર્ડ પોઈન્ટ્સ આપવામાં આવ્યા હતા, જ્યારે રનર-અપ રહેલા ગોલ્ફરોને પ્રત્યેક 1,800 રિવોર્ડ પોઈન્ટ્સ એનાયત કરાયા હતા. ખાસ વાત એ રહી હતી કે ત્રણેય કેટેગરીમાં મળીને કુલ 38 ગોલ્ફરો રિવોર્ડ પોઈન્ટ્સ મેળવવામાં સફળ રહ્યા હતા.
સ્કિલ કોમ્પિટિશનમાં પણ ગોલ્ફરોએ બતાવી પ્રતિભા
મુખ્ય સ્પર્ધા ઉપરાંત યોજાયેલી સ્કિલ કોમ્પિટિશનમાં પણ ગોલ્ફરોએ પોતાની ચોકસાઈ અને રમતકૌશલ્યનો પરિચય આપ્યો હતો. હોલ નંબર 3 પર યોજાયેલી ‘ક્લોઝેસ્ટ શોટ ટુ પિન’ સ્પર્ધામાં આર.વી. જ્યોતિ વિજેતા બન્યા હતા. તેમણે બોલને હોલથી માત્ર 20 ફૂટના અંતરે પહોંચાડ્યો હતો.
હોલ નંબર 2 પર યોજાયેલી ‘સ્ટ્રેટ ડ્રાઇવ’ સ્પર્ધામાં ડૉ. બિમલ ઝિંઝુવાડિયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાનો બોલ નિર્ધારિત હોલથી માત્ર 2 ઇંચના અંતરે લેન્ડ કરાવ્યો હતો.
તેવી જ રીતે હોલ નંબર 9 પર યોજાયેલી ‘સેકન્ડ શોટ ક્લોઝેસ્ટ ટુ ધ પિન’ સ્પર્ધામાં હૈદર અલીએ વિજય મેળવ્યો હતો. તેમણે બીજા શોટમાં બોલને હોલથી માત્ર 10.7 ફૂટના અંતરે પહોંચાડીને પોતાની ચોકસાઈ સાબિત કરી હતી.
આ સાથે ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેન્ટનો 11મો અને અંતિમ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. 78 ગોલ્ફરોની ભાગીદારી, વિવિધ કેટેગરીમાં રોમાંચક મુકાબલા અને સ્કિલ કોમ્પિટિશનમાં ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શને આ રાઉન્ડને યાદગાર બનાવ્યો હતો.
