વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 19થી 24 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાશે; રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા કરશે અને પોતે પણ બેડમિન્ટન તથા ટેબલ ટેનિસમાં ભાગ લેશે
અમદાવાદ:
દેશભરના પોલીસ દળો અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓ તથા જવાનોમાં ખેલદિલી, શારીરિક સક્ષમતા, ટીમ ભાવના અને પરસ્પર ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી અમદાવાદમાં તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસની યજમાનીમાં યોજાનારી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશના 38 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને વિવિધ પોલીસ યુનિટ્સના કુલ 1,152 અધિકારીઓ અને જવાનો ભાગ લેશે.
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 19 નવેમ્બરથી 24 નવેમ્બર દરમિયાન યોજાનારી આ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ 19 નવેમ્બરે ગુજરાતના રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસ એમ બે રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
1,152 ખેલાડીઓ વચ્ચે રમતગમતનો રોમાંચક જંગ
આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 890 પુરુષ અને 272 મહિલા ખેલાડીઓ પોતાની રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કરશે. ખાસ વાત એ છે કે, આ સ્પર્ધામાં 463 ગેઝેટેડ અધિકારીઓ અને 699 નોન-ગેઝેટેડ અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે. આમ, પોલીસ વિભાગમાં હોદ્દાના ભેદભાવથી ઉપર ઊઠીને અધિકારીઓ અને કર્મચારીઓ રમતના મેદાનમાં એકસાથે પોતાની પ્રતિભા દર્શાવશે.
ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા સહિતનાં વિવિધ રાજ્યોની ટીમો આ સ્પર્ધામાં ભાગ લેશે. આ ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) જેવા કેન્દ્રીય પોલીસ અને અર્ધલશ્કરી દળોની ટીમો પણ સ્પર્ધામાં જોડાશે.
પોલીસ કર્મચારીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી પર ભાર
રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ટુર્નામેન્ટ અંગે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની યજમાનીમાં યોજાનારી આ રાષ્ટ્રીય સ્પર્ધાને દેશભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આવી સ્પર્ધાઓ માત્ર રમતગમતની હરીફાઈ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પોલીસ કર્મચારીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવા માટેનું પણ ઉત્તમ માધ્યમ છે.
પોલીસ કર્મચારીઓ સતત ફરજની વ્યસ્તતા અને પડકારજનક જવાબદારીઓ વચ્ચે કાર્યરત હોય છે. આવી સ્થિતિમાં રમતગમત તેમને તણાવમુક્ત થવાની સાથે પોતાની શારીરિક ક્ષમતા અને રમતગમતના કૌશલ્યને વધુ વિકસાવવાની તક પૂરી પાડે છે.
રાજ્ય પોલીસ વડા પોતે પણ રમતમાં ઉતરશે
આ ટુર્નામેન્ટનું એક વિશેષ આકર્ષણ એ પણ છે કે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક સ્વયં બેડમિન્ટન અને ટેબલ ટેનિસની રમતોમાં સહભાગી થશે. તેમના આ સહભાગિતાથી પોલીસ અધિકારીઓ અને જવાનોમાં રમતગમત પ્રત્યે વધુ ઉત્સાહ અને પ્રેરણા મળે તેવી અપેક્ષા છે.
જ્ઞાનેન્દ્રસિંહ મલિકે વધુમાં જણાવ્યું હતું કે, આવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓથી દેશભરના પોલીસ દળો વચ્ચે પરસ્પર સંકલન, ટીમ ભાવના અને ઉત્સાહમાં નવો સંચાર થાય છે. વિવિધ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના અધિકારીઓ તથા જવાનોને એક મંચ પર મળવાની અને પરસ્પર અનુભવની આપ-લે કરવાની પણ તક મળે છે.
આમ, 19થી 24 નવેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાનાર તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026 રમતગમતની સ્પર્ધા ઉપરાંત દેશના વિવિધ પોલીસ દળો વચ્ચે એકતા, ભાઈચારો અને સંગઠનભાવનાને વધુ મજબૂત બનાવતું રાષ્ટ્રીય મંચ બનશે.
