મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનું ભવ્ય લોકાર્પણ, 25 હજાર ભાવિકો ઉમટ્યા

Spread the love

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શરદપૂર્ણિમા ઉત્સવની દિવ્ય ઉજવણી; આઠ એકરમાં પથરાયેલું ભવ્ય શિખરબદ્ધ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું

મોરબી:

ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય દિન નિમિત્તે મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતા અને ભક્તિભાવ સાથે સંપન્ન થયો હતો. આ પવિત્ર અવસરના ઉત્તરાર્ધમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નૂતન શિખરબદ્ધ મંદિરનો લોકાર્પણ સમારોહ તથા શરદપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે આશરે 25 હજાર ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

ધૂન-કીર્તન અને આરતી સાથે ઉત્સવનો પ્રારંભ

સાંજે 4:30થી રાત્રે 8 વાગ્યા સુધી યોજાયેલા સમારોહની શરૂઆત ધૂન, કીર્તન અને આરતી સાથે થઈ હતી. પૂજ્ય આદર્શજીવન સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીના મૂળ અક્ષર સ્વરૂપ અને મંદિર પ્રતિષ્ઠાના મહાત્મ્ય વિશે વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ભક્તોએ છેલ્લા બે દિવસના ઉત્સવોની ઝલક દર્શાવતી વીડિયો પ્રસ્તુતિ નિહાળી હતી. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ મંદિર દ્વારા સેવા, સંસ્કાર અને શ્રદ્ધાના સિંચન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મંદિરનું લોકાર્પણ

સાંજે 5:30 વાગ્યે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંચ પર પધારતાં જ મંદિરને વિધિવત્ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો, રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો અને સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ મંદિર નિર્માણમાં યોગદાન આપનાર સૌની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સનાતન સંસ્કૃતિના જતન અને સમાજ ઉત્કર્ષમાં રહેલા યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે મોરબીના આ ભવ્ય મંદિરની પ્રશંસા કરી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

મહંતસ્વામી મહારાજના આશીર્વચન

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરતાં સૌને આશીર્વાદ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ મંદિર તમારા બધાનું છે. અહીં જે કોઈ દર્શન કરવા આવે તે તને, મને અને ધને સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના.”

ઉત્સવ દરમિયાન પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામીએ મંદિરના ઇતિહાસ વિશે, જ્યારે પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ ગુણાતીત સંતના અખંડ પ્રાગટ્ય વિશે વક્તવ્ય આપ્યું હતું. બાળકોએ અને યુવાનોએ ભક્તિનૃત્ય દ્વારા ગુરુહરિ પ્રત્યે ભક્તિ અર્પણ કરી હતી. પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ મંદિર નિર્માણમાં સહયોગ આપનાર ભક્તોને યાદ કર્યા હતા. ચુડાસમા પરિવાર સહિતના સહયોગીઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.

આઠ એકરમાં પથરાયેલું ભવ્ય મંદિર

મંદિરની લંબાઈ 203 ફૂટ, પહોળાઈ 130 ફૂટ અને ઊંચાઈ 83 ફૂટ છે. આઠ એકરમાં પથરાયેલા મંદિરના નિર્માણમાં બંસી પહાડપુરના ગુલાબી અને લાલ પથ્થર તેમજ અંબાજીના સફેદ માર્બલ સહિત કુલ 75,600 ઘનફૂટ પથ્થરનો ઉપયોગ થયો છે. મંદિરનાં પાંચ ગર્ભગૃહમાં 17 મૂર્તિઓ બિરાજમાન છે, જ્યારે સમગ્ર મંદિર પરિસરમાં અવતારો, દેવી-દેવતાઓ, ભક્તો અને સંતોની કુલ 1,007 મૂર્તિઓ દર્શનાર્થે મૂકવામાં આવી છે.

મંદિરના વિવિધ ખંડોમાં રાધા-કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, શ્રીરામ-સીતા-હનુમાનજી તથા ભગવાન શિવ-માતા પાર્વતી અને ગણપતિજી બિરાજમાન છે. પોડિયમમાં નીલકંઠવર્ણી મહારાજ અને ગુણાતીત ગુરુપરંપરાનાં સંતોની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.

સમારોહના અંતે 25 હજાર દિવડાઓ સાથે સામૂહિક પંચમ આરતી ઉતારવામાં આવી હતી. ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિકતાના સંગમ સમાન આ ભવ્ય ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *