સંયુક્ત રાષ્ટ્રસંઘના વિયેના મુખ્યાલયમાં BAPS દ્વારા દિવાળીની ભવ્ય ઉજવણી

Spread the love

60થી વધુ દેશોના 1,000થી વધુ મહાનુભાવો સહભાગી બન્યા; ભારતીય સંસ્કૃતિ, વૈશ્વિક શાંતિ અને માનવતાના સંદેશનો અનોખો સંગમ

વિયેના (ઓસ્ટ્રિયા):

ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને દિવાળીના પ્રકાશપર્વનો સંદેશ હવે વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક બની રહ્યો છે. ઓસ્ટ્રિયાના વિયેના ખાતે આવેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલયમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા અને VIC ઇન્ડિયન ક્લબના સંયુક્ત ઉપક્રમે દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક કાર્યક્રમમાં 60થી વધુ દેશોના 1,000થી વધુ સંયુક્ત રાષ્ટ્રસંઘના અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

યુનેસ્કો દ્વારા દિવાળીને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે સ્થાન આપવામાં આવ્યા બાદ આ પ્રથમ દિવાળી ઉજવણી હોવાથી કાર્યક્રમનું વિશેષ મહત્ત્વ રહ્યું હતું. વિવિધ દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉત્સવમાં ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાનું સુંદર પ્રદર્શન થયું હતું.

ભારતીય નૃત્ય, સંગીત અને અન્નકૂટે મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા

કાર્યક્રમમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યો, લોકનૃત્યો અને જીવંત સંગીતની પ્રસ્તુતિઓ દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. પરંપરાગત અન્નકૂટનાં ભવ્ય દર્શન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. વિવિધ દેશોમાંથી આવેલા મહેમાનોએ ભારતીય કલા, સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓને નજીકથી નિહાળી હતી.

આ ઉપરાંત, વિશેષ પ્રદર્શન કક્ષોમાં ભારતીય સંગીતનાં પરંપરાગત વાદ્યો, વિવિધ વસ્ત્રકલાઓ અને હસ્તકલાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. રંગોળીમાં દીપ પ્રગટાવીને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રકાશ, એકતા અને સદભાવનાનો સંદેશ આપ્યો હતો.

BAPSની માનવસેવા અને ટકાઉ વિકાસમાં યોગદાનની પ્રસ્તુતિ

દિવાળીની ઉજવણી સાથે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વભરમાં આરોગ્ય, શિક્ષણ, માનવસેવા અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની પણ માહિતી આપવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘના ટકાઉ વિકાસના લક્ષ્યો (SDGs)ને અનુરૂપ સંસ્થાના યોગદાનને પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તુતિ દ્વારા ભારતીય આધ્યાત્મિક મૂલ્યો અને નિઃસ્વાર્થ સેવાની ભાવના સમાજના સર્વાંગી વિકાસમાં કેવી રીતે ઉપયોગી બની શકે છે તે દર્શાવાયું હતું.

‘પીસ વોલ’ દ્વારા વિશ્વને શાંતિનો સંદેશ

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ ‘પીસ વોલ’ (શાંતિ દીવાલ) રહી હતી. આ દીવાલ પર વિશ્વની વિવિધ ભાષાઓમાં ‘શાંતિ’ શબ્દ લખીને વૈશ્વિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘના આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ નિમિત્તે અર્પણ કરવામાં આવેલી ‘A Pilgrim’s Poem for Peace’ કવિતાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમમાં વિવિધ દેશો, સંસ્કૃતિઓ અને પરંપરાઓના પ્રતિનિધિઓ એક મંચ પર આવ્યા હતા. દિવાળીના પ્રકાશપર્વને માધ્યમ બનાવીને શાંતિ, કરુણા, માનવ ગૌરવ, પરસ્પર સન્માન અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવામાં આવ્યા હતા.

આ ઉજવણીએ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકૃતિ અને તેના માનવીય મૂલ્યોની પ્રસ્તુતતા દર્શાવી હતી. ‘વસુધૈવ કુટુંબકમ્’ એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે, એ ભારતીય વિચારધારાને સાકાર કરતી આ ઉજવણી આંતરરાષ્ટ્રીય સમુદાય વચ્ચે સાંસ્કૃતિક સંવાદિતા અને વૈશ્વિક શાંતિનો સંદેશ આપનારી બની રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *