મુંબઈ ઈન્ડિયન્સની ઐતિહાસિક 20મી સિઝનમાં રોહિતને ફરી કેપ્ટનશિપની જવાબદારી | પાંચ IPL ટાઇટલ અપાવનાર રોહિતના નેતૃત્વમાં નવી સિઝન રમશે MI
મુંબઈ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ની સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં રોહિત શર્માને ટીમના નવા સુકાની તરીકે નિયુક્ત કર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની ઐતિહાસિક 20મી સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે ફ્રેન્ચાઇઝીએ ફરી એકવાર પોતાના સૌથી સફળ અને લોકપ્રિય કેપ્ટન રોહિત શર્મા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાંચ વખત IPL ચેમ્પિયન બનાવનાર રોહિત હવે ફરી બ્લુ એન્ડ ગોલ્ડ જર્સીમાં ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે.
રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સનો સંબંધ લાંબા સમયથી સફળતા અને વિશ્વાસનું પ્રતીક રહ્યો છે. વર્ષ 2011માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા બાદ રોહિત ટીમની સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા આવ્યા છે. તેમના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત IPLનો ખિતાબ જીત્યો હતો. યુવા ખેલાડીઓ પર વિશ્વાસ મૂકવાની તેમની ક્ષમતા, ટીમને એકજૂથ રાખવાની કુશળતા અને નિર્ણાયક સમયે યોગ્ય નિર્ણય લેવાની તેમની આવડતને કારણે તેઓ મુંબઈ ઈન્ડિયન્સના સૌથી સફળ નેતાઓમાં સ્થાન ધરાવે છે.
નીતા અંબાણીએ વ્યક્ત કર્યો આનંદ, રોહિત સાથેના જૂના સંબંધોને યાદ કર્યા
મુંબઈ ઈન્ડિયન્સની માલિક અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા એમ. અંબાણીએ રોહિત શર્માની પુનઃનિયુક્તિ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 2011માં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત માટે બોલી લગાવી હતી અને ત્યારથી જ તેઓ પરિવારનો અભિન્ન હિસ્સો બની ગયા છે.
તેમણે કહ્યું કે, યુવા રોહિતને એક ક્રિકેટર તરીકે વિકસતા, ચેમ્પિયન બનતા અને સફળ નેતૃત્વકર્તા તરીકે આગળ વધતા જોવાનો અનુભવ આનંદ અને ગૌરવની વાત રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની 20મી સિઝનમાં રોહિત ફરી ટીમનું નેતૃત્વ કરશે તે તમામ માટે ખાસ ક્ષણ છે.
નીતા અંબાણીએ વધુમાં જણાવ્યું કે, રોહિતે વર્ષોથી ટીમ અને તેના ચાહકોને અનેક યાદગાર ક્ષણો આપી છે. આગામી સિઝન તેમના માટે, ટીમ માટે અને લાખો ચાહકો માટે ગૌરવની નવી ક્ષણો લઈને આવશે તેવી તેમને આશા છે.
આકાશ અંબાણીને રોહિતના નેતૃત્વ પર વિશ્વાસ
મુંબઈ ઈન્ડિયન્સના આકાશ અંબાણીએ પણ રોહિત શર્માની કેપ્ટન તરીકે વાપસી અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઐતિહાસિક 20મી સિઝનમાં રોહિત બ્લુ એન્ડ ગોલ્ડ જર્સીનું નેતૃત્વ કરશે તે આનંદની વાત છે. મુંબઈ ઈન્ડિયન્સ અને તેની પલટન સાથે રોહિતનો સંબંધ અનોખો છે.
આગામી સિઝન અંગે રોહિત સાથે થયેલી ચર્ચામાં ટીમની મહત્ત્વાકાંક્ષા અને સાથે મળીને નવી સિદ્ધિઓ હાંસલ કરવાનો ઉત્સાહ જોવા મળ્યો છે. રોહિતના અનુભવ અને નેતૃત્વ સાથે નવી ટીમનું સંયોજન મુંબઈ ઈન્ડિયન્સ માટે સફળતાની નવી તકો ઊભી કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
રોહિત શર્મા નવી જવાબદારી માટે ઉત્સાહિત
ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ સંભાળવા જઈ રહેલા રોહિત શર્માએ જણાવ્યું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સ તેમના જીવનનો મોટો હિસ્સો છે અને આ ટીમનું નેતૃત્વ કરવું હંમેશાં તેમના માટે ગૌરવની બાબત રહી છે.
નીતા અંબાણી અને આકાશ અંબાણી સાથે આગામી સિઝન અંગે થયેલી વાતચીત ખૂબ જ ઉત્સાહજનક રહી હોવાનું જણાવતાં રોહિતે કહ્યું કે, ટીમ તરીકે હજી ઘણું હાંસલ કરવાનું બાકી છે અને તેઓ તેના માટે સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સની 20મી સિઝન અને આવનારા પડકારો માટે તેઓ ઉત્સુક છે. ટીમ પોતાની આગવી શૈલીમાં ક્રિકેટ રમશે, મેદાન પર સ્પર્ધાત્મક ભાવના સાથે ઉતરશે અને રમતનો આનંદ માણવાની સાથે ચાહકો માટે અનેક યાદગાર ક્ષણો સર્જવાનો પ્રયાસ કરશે.
20મી સિઝનમાં નવી આશા અને નવા પડકારો
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2027ની સિઝન અનેક રીતે વિશેષ બની રહેશે. ફ્રેન્ચાઇઝીની 20મી સિઝનમાં પાંચ વખતની ચેમ્પિયન ટીમ ફરી રોહિત શર્માના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. રોહિતનો અનુભવ, તેમની સફળ કેપ્ટનશિપ અને ટીમ સાથેનો લાંબો સંબંધ મુંબઈ ઈન્ડિયન્સની આગામી સફર માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
હવે મુંબઈ ઈન્ડિયન્સના લાખો ચાહકોની નજર 2027ની સિઝન પર રહેશે. પાંચ વખત ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ફરી સુકાની બનતાં ટીમ છઠ્ઠા IPL ખિતાબ તરફ આગળ વધશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
