તમિલનાડુ કરતાં 20 વધુ ઉત્પાદકો સાથે ગુજરાત મોખરે; વાઇબ્રન્ટ ગુજરાત અને નવી ઔદ્યોગિક નીતિથી ગ્રીન મેન્યુફેક્ચરિંગને વેગ
ગાંધીનગર
પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતે દેશભરમાં અગ્રેસર સ્થાન મેળવ્યું છે. કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક અને તેમાંથી બનતી વસ્તુઓના નોંધાયેલા ઉત્પાદકોની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના રાજ્યવાર આંકડા મુજબ, ગુજરાતમાં કુલ 62 ઉત્પાદકો નોંધાયેલા છે. દેશભરમાં નોંધાયેલા અંદાજે 400 ઉત્પાદકોમાંથી ગુજરાતનો હિસ્સો આશરે 16 ટકા જેટલો છે.
આ યાદીમાં ગુજરાત બાદ તમિલનાડુ 42 ઉત્પાદકો સાથે બીજા, મહારાષ્ટ્ર 41 સાથે ત્રીજા, તેલંગાણા 33 સાથે ચોથા અને મધ્યપ્રદેશ 26 ઉત્પાદકો સાથે પાંચમા ક્રમે છે. આમ, ગુજરાતમાં બીજા ક્રમે રહેલા તમિલનાડુ કરતાં 20 વધુ ઉત્પાદકો કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પર્યાવરણલક્ષી ઉત્પાદન અને ગ્રીન ઇન્ડસ્ટ્રીને મળી રહેલા પ્રોત્સાહનનું આ પરિણામ માનવામાં આવે છે.
વાઇબ્રન્ટ ગુજરાતથી ગ્રીન ઉદ્યોગોને નવી દિશા
ગુજરાતમાં કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રની આ પ્રગતિ પાછળ રાજ્ય સરકારના રોકાણલક્ષી પ્રયાસો અને પર્યાવરણલક્ષી ઔદ્યોગિક અભિગમ મહત્વપૂર્ણ છે. વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મ પર ટકાઉ વિકાસ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ સંરક્ષણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
જાન્યુઆરીમાં રાજકોટ ખાતે યોજાયેલી કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની શરૂઆત પણ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ સંરક્ષણ અંગેના સેમિનારથી કરવામાં આવી હતી. આ સેમિનારમાં CIPET અમદાવાદ દ્વારા ઉદ્યોગસાહસિકો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના નિર્ધારિત ધોરણો તેમજ CPCBના સર્ટિફિકેશનની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં યોજાયેલી પ્રાદેશિક પરિષદો દરમિયાન MSME સહિતના ઉદ્યોગો સાથે સમજૂતી કરારો (MoUs) પણ કરવામાં આવ્યા છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 પહેલાં આ પ્રવૃત્તિઓથી કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક સહિતના ગ્રીન ઉદ્યોગોમાં રોકાણની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.
નવી ઔદ્યોગિક નીતિમાં સસ્ટેનેબિલિટીને પ્રાધાન્ય
રાજ્ય સરકારની જૂન મહિનામાં જાહેર થયેલી ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’માં સસ્ટેનેબિલિટીને ચાર મુખ્ય સ્તંભોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સર્ક્યુલર ઇકોનોમી આધારિત પ્રવૃત્તિઓને થ્રસ્ટ સેક્ટર તરીકે સામેલ કરવામાં આવી છે.
આ નીતિ અંતર્ગત ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સ્વચ્છ ઉત્પાદન ટેકનોલોજી અને પર્યાવરણને અનુકૂળ ઔદ્યોગિક પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના કારણે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદકોને રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને રોકાણ આયોજનમાં વધુ સારી તકો મળી રહી છે.
કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક એકમોને ત્રણ દિવસમાં મંજૂરીનો નિર્ણય
ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મંજૂરી પ્રક્રિયા પણ ઝડપી બનાવી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદન એકમોની સ્થાપના અને સંચાલન માટે જરૂરી ‘કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ’ (CTE) તથા ‘કન્સેન્ટ ટુ ઓપરેટ’ (CTO) અરજીઓ પર નિર્ણય લેવા માટે મહત્તમ ત્રણ કાર્યકારી દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
GPCB દ્વારા 30 જુલાઈ, 2026ના પરિપત્ર ક્રમાંક GPCB/0153/07/2026થી આ સમયમર્યાદા લાગુ કરવામાં આવી છે. જોકે, અરજીઓનું મૂલ્યાંકન લાગુ પડતી પર્યાવરણીય આવશ્યકતાઓ અને નિયમો અનુસાર કરવામાં આવે છે.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, આ પહેલ રાજ્યના વ્યાપક પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. તેમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનો અમલ, પ્લાસ્ટિકના પુનઃઉપયોગ અને રિસાઇકલિંગને પ્રોત્સાહન તેમજ કચરાના સંગ્રહ અને અલગીકરણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે સંકલન જેવા પ્રયાસોનો સમાવેશ થાય છે.
ઉત્પાદકો અને ઉત્પાદનોની વિગતો GPCBની વેબસાઇટ પર ઉપલબ્ધ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના નોંધાયેલા ઉત્પાદકો અને તેમના ઉત્પાદનોની વિગતો જાહેર કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થાથી ઉત્પાદકોને પોતાના ઉત્પાદનો રજૂ કરવા માટે સરકારી પ્લેટફોર્મ મળે છે, જ્યારે ઉદ્યોગો, સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ગ્રાહકોને યોગ્ય ઉત્પાદનો તથા સપ્લાયર્સ શોધવામાં સરળતા રહે છે.
આ યાદી આગામી સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ભાગ લેનારા રોકાણકારો માટે પણ ઉપયોગી બની શકે છે. તેના માધ્યમથી ગુજરાતમાં આ ક્ષેત્રની ઉત્પાદન ક્ષમતા, ઉપલબ્ધ ઉત્પાદકો અને સંભવિત સપ્લાયર્સની માહિતી મેળવી શકાશે.
કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક માટે CPCBનું સર્ટિફિકેશન ફરજિયાત
કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના ઉત્પાદન અને વેચાણ માટે કેન્દ્ર સરકારના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. સુધારેલા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2016 મુજબ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકની કેરી બેગ અને સંબંધિત વસ્તુઓએ ભારતીય માનક IS/ISO 17088:2021નું પાલન કરવું પડે છે. ઉત્પાદકોએ આવા ઉત્પાદનોનું માર્કેટિંગ કે વેચાણ કરતાં પહેલાં CPCBનું સર્ટિફિકેશન મેળવવું જરૂરી છે.
આ ઉપરાંત કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક પેકેજિંગ અને અન્ય વસ્તુઓ પર ‘Compostable Only Under Industrial Composting’ એટલે કે ‘માત્ર ઔદ્યોગિક કમ્પોસ્ટિંગ હેઠળ જ વિઘટન પામે છે’ એવું લેબલ લગાવવું ફરજિયાત છે.
કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક નિયંત્રિત ઔદ્યોગિક કમ્પોસ્ટિંગની પરિસ્થિતિમાં જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામે તે રીતે તૈયાર કરવામાં આવે છે. તેથી તેનો ઉપયોગ કરતી સંસ્થાઓએ પણ ખાસ તકેદારી રાખવી જરૂરી છે. ખાસ કરીને અલગ કરેલા ખાદ્ય કચરા માટે કમ્પોસ્ટેબલ લાઇનરનો ઉપયોગ કરવાની યોજના હોય તો સંબંધિત કમ્પોસ્ટિંગ સુવિધા આ લાઇનર સ્વીકારતી હોવાની ખાતરી કરવી જોઈએ. ઉપયોગ બાદ આવા લાઇનરને અલગથી એકત્રિત કરવાની વ્યવસ્થા પણ જરૂરી છે.
આમ, કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદનમાં 62 ઉત્પાદકો સાથે ગુજરાતે મેળવેલું પ્રથમ સ્થાન માત્ર ઔદ્યોગિક સિદ્ધિ નથી, પરંતુ પરંપરાગત પ્લાસ્ટિકના વિકલ્પો વિકસાવવા, સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણલક્ષી ઉત્પાદન ક્ષેત્રે રોકાણ વધારવાની દિશામાં રાજ્યની મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે.
