‘એવરી ડ્રોપ મેટર્સ’ થીમ હેઠળ બે દિવસીય પરિષદનું આયોજન: દર્દી-કેન્દ્રિત ઇન્ફ્યુઝન કેર, નર્સિંગની કુશળતા અને દર્દીની સલામતી પર વિશેષ ભાર
અમદાવાદ
દર્દીની સલામતી, ગુણવત્તાયુક્ત સારવાર અને આધુનિક ઇન્ફ્યુઝન કેરને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઇન્ફ્યુઝન નર્સિસ સોસાયટી (INS) ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં બે દિવસીય ‘INS ગુજરાત 2026 – 14મી રાષ્ટ્રીય વાર્ષિક નર્સિંગ પરિષદ’નો પ્રારંભ થયો છે.
‘એવરી ડ્રોપ મેટર્સ: એલિવેટેડ પેશન્ટ-સેન્ટર્ડ ઇન્ફ્યુઝન કેર’ થીમ પર યોજાઈ રહેલી આ પરિષદમાં દેશભરના નર્સિંગ નિષ્ણાતો, તબીબી વ્યાવસાયિકો, શિક્ષણવિદો, નર્સિંગ લીડર્સ અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.
પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્ફ્યુઝન થેરાપીમાં સલામતીનાં ધોરણો સુધારવા, આધુનિક ક્લિનિકલ પદ્ધતિઓનું જ્ઞાન આપવું અને દર્દી-કેન્દ્રિત સારવારને વધુ અસરકારક બનાવવાનો છે. ઇન્ફ્યુઝન થેરાપીમાં નસ વાટે પ્રવાહી, દવાઓ અને અન્ય સારવાર આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં ચોકસાઈ, સતત દેખરેખ અને સલામતીનાં નિયમોનું પાલન અત્યંત મહત્ત્વનું હોવાથી નર્સિંગ સ્ટાફની ભૂમિકા નિર્ણાયક બને છે.
નર્સિંગ ક્ષેત્રના શિક્ષણ અને પ્રેક્ટિસ વચ્ચે સેતુ બનશે પરિષદ
પરિષદનું વિશેષ આકર્ષણ એ છે કે ગુજરાતમાં પ્રથમ વખત નર્સિંગ ક્ષેત્રના વિવિધ સ્તરના નિષ્ણાતો, અનુભવી લીડર્સ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેના માધ્યમથી ક્લિનિકલ અનુભવો, સંશોધન અને આધુનિક સારવાર પદ્ધતિઓનું આદાન-પ્રદાન થશે. સાથે જ નર્સિંગ વિદ્યાર્થીઓને અનુભવી નિષ્ણાતો પાસેથી શીખવાની અને ભવિષ્યમાં નેતૃત્વની જવાબદારીઓ માટે તૈયાર થવાની તક મળશે.
આ પ્રસંગે INS ઇન્ડિયાના CEO કર્નલ બિનુ શર્મા, પ્રમુખ કેપ્ટન મધુકર્ય રે અને ગવર્નિંગ કાઉન્સિલે જણાવ્યું હતું કે, નર્સો સુરક્ષિત અને અસરકારક આરોગ્યસંભાળ વ્યવસ્થાનો આધારસ્તંભ છે. નર્સોની ક્લિનિકલ કુશળતા, સતર્કતા અને દર્દીઓ પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ સારવારનાં પરિણામોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષણ, સહયોગ અને નેતૃત્વ વિકાસ દ્વારા નર્સિંગ કાર્યબળને સશક્ત બનાવવું જરૂરી છે.
પરિષદનાં ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન શર્મિષ્ઠા નાયીએ જણાવ્યું હતું કે, બદલાતા આરોગ્યસંભાળ ક્ષેત્રમાં નર્સિંગ વ્યાવસાયિકો માટે સતત તાલીમ અને જ્ઞાનનું નવીનીકરણ જરૂરી છે. આ પરિષદ ખાસ કરીને નર્સિંગ વિદ્યાર્થીઓ અને કારકિર્દીની શરૂઆત કરી રહેલા વ્યાવસાયિકોને આધુનિક સારવાર પદ્ધતિઓ સમજવા, અનુભવી નિષ્ણાતો સાથે સંવાદ કરવા અને પોતાની ક્ષમતાઓ વિકસાવવાની તક પૂરી પાડશે.
પરિષદમાં સરકારી નર્સિંગ કોલેજો, નર્સિંગ સ્કૂલો, શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ આરોગ્યસંભાળ સંસ્થાઓની ભાગીદારીને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પુરાવા-આધારિત સારવાર પદ્ધતિઓ, દર્દી-કેન્દ્રિત સંભાળ અને નર્સિંગ ક્ષેત્રની બદલાતી જવાબદારીઓ અંગેના જ્ઞાનના આદાન-પ્રદાનથી નર્સિંગ વ્યવસાયના વિકાસને નવી દિશા મળશે.
આમ, INS ગુજરાત 2026 માત્ર નર્સિંગ ક્ષેત્રની શૈક્ષણિક પરિષદ નહીં, પરંતુ દર્દીની સલામતીને પ્રાથમિકતા આપતી ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ વ્યવસ્થા ઊભી કરવા અને ભાવિ નર્સિંગ લીડર્સ તૈયાર કરવા માટેનું મહત્ત્વપૂર્ણ મંચ બની રહેશે.
