‘Transforming Survey Ecosystem Web Portal’થી દરખાસ્તથી લઈને અંતિમ અહેવાલ સુધીની કામગીરી બનશે પેપરલેસ અને પારદર્શક; દરેક તબક્કાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે
ગાંધીનગર:
ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે વધુ એક મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની સમગ્ર પ્રક્રિયાને હવે ઓનલાઇન કરવામાં આવશે. આ માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના ટેકનિકલ સહયોગથી ‘Transforming Survey Ecosystem Web Portal’ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલના અમલીકરણથી સરકારી યોજનાઓના મૂલ્યાંકન સંબંધિત કામગીરી વધુ ઝડપી, પારદર્શક, સુવ્યવસ્થિત અને પેપરલેસ બનશે.
સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના માર્ગદર્શન હેઠળ મૂલ્યાંકન નિયામકની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વેબ પોર્ટલ મારફતે હવે આગામી તમામ મૂલ્યાંકન અભ્યાસ ઓનલાઇન હાથ ધરવામાં આવશે. અત્યાર સુધી વિવિધ તબક્કામાં થતી પ્રક્રિયાને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાથી વહીવટી કામગીરીમાં સમયનો બચાવ થવાની સાથે પ્રક્રિયાની કાર્યક્ષમતામાં પણ વધારો થશે.
વિભાગો ઓનલાઇન રજૂ કરી શકશે મૂલ્યાંકન અભ્યાસની દરખાસ્ત
આ નવી વ્યવસ્થાના ભાગરૂપે સચિવાલયના તમામ વિભાગોના સંયુક્ત સચિવો અને નાયબ સચિવોને યુઝર આઈડી તથા પાસવર્ડ પૂરા પાડવામાં આવ્યા છે. આ અધિકારીઓ પોતાના વિભાગની સરકારી યોજનાના મૂલ્યાંકન અભ્યાસ માટે જરૂરી પરિપત્રો અને ચેકલિસ્ટ સાથે ઓનલાઇન દરખાસ્ત સીધી જ સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગને મોકલી શકશે.
આયોજન પ્રભાગ દ્વારા દરખાસ્તની યોગ્યતા અને જરૂરી વિગતોની ચકાસણી કર્યા બાદ તેને નિયામક, મૂલ્યાંકન કાર્યાલયને ઓનલાઇન તબદીલ કરવામાં આવશે. ત્યારબાદ મૂલ્યાંકન કચેરી દ્વારા અભ્યાસની ડિઝાઇન તૈયાર કરવી, મૂલ્યાંકન માટેની પદ્ધતિ (Methodology) નક્કી કરવી અને અંતિમ મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવા સહિતની તમામ કામગીરી ઓનલાઇન કરવામાં આવશે.
દરખાસ્તથી અંતિમ અહેવાલ સુધી રિયલ-ટાઇમ મોનિટરિંગ
આ વેબ પોર્ટલની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે મૂલ્યાંકન અભ્યાસની દરખાસ્ત રજૂ થાય ત્યારથી લઈને અભ્યાસ પૂર્ણ કરીને અંતિમ અહેવાલ તૈયાર થાય ત્યાં સુધીના દરેક તબક્કાનું ઓનલાઇન મોનિટરિંગ કરી શકાશે.
આ વ્યવસ્થાથી કઈ દરખાસ્ત કયા તબક્કે છે, તેની પર કઈ કામગીરી ચાલી રહી છે અને મૂલ્યાંકન અભ્યાસની પ્રગતિ કેટલી થઈ છે તેની માહિતી રિયલ-ટાઇમમાં મેળવી શકાશે. પરિણામે વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે અને મૂલ્યાંકન પ્રક્રિયામાં થતો વિલંબ ઘટાડવામાં મદદ મળશે.
27 નવેમ્બરે નોડલ અધિકારીઓ માટે વર્કશોપ
નવા વેબ પોર્ટલનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને નોડલ અધિકારીઓ માટે તા. 27 નવેમ્બર, 2026ના રોજ સચિવાલય ખાતે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં પોર્ટલના ઉપયોગ, ઓનલાઇન દરખાસ્ત રજૂ કરવાની પ્રક્રિયા અને મૂલ્યાંકન અભ્યાસના વિવિધ તબક્કાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
સરકારી યોજનાઓના મૂલ્યાંકનમાં આવશે વધુ ચોકસાઈ
રાજ્ય સરકારની આ ડિજિટલ પહેલથી સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી વધવાની અપેક્ષા છે. સાથે જ પેપરલેસ કામગીરીને પ્રોત્સાહન મળશે અને વહીવટી સમય તથા સંસાધનોની બચત થશે.
મહત્ત્વનું એ છે કે વિવિધ સરકારી યોજનાઓનો લાભ નાગરિકો સુધી કેટલી અસરકારક રીતે પહોંચે છે, યોજનાઓના અમલીકરણમાં ક્યાં સુધારાની જરૂર છે અને તેના પરિણામો કેટલા સકારાત્મક છે તેનું મૂલ્યાંકન વધુ વ્યવસ્થિત અને સચોટ રીતે કરી શકાશે. આમ, ટેકનોલોજીના ઉપયોગથી સરકારી યોજનાઓની કામગીરીને વધુ પરિણામલક્ષી બનાવવાની દિશામાં ગુજરાત સરકારે વધુ એક પગલું ભર્યું છે.
