ગુજરાતના યુવાનોને વાયુસેનામાં કારકિર્દીની તકોથી માહિતગાર કરવા ભારતીય વાયુસેનાનું મોબાઇલ થિયેટર વાહન રવાના

Spread the love

ગાંધીનગરથી સાત દિવસની જાગૃતિ યાત્રાનો પ્રારંભ; 1 ડિસેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓની શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાશે પ્રચાર અને સંવાદ કાર્યક્રમો

ગાંધીનગર:

ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ગુજરાતના યુવાનોને અગ્નિવીરવાયુ (Agniveervayu) અને એરમેન તરીકે જોડાવાની તકો વિશે માહિતગાર કરવાના હેતુથી ભારતીય વાયુસેના દ્વારા વિશેષ મોબાઇલ થિયેટર વાહન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2026 દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યુવાનો વચ્ચે જાગૃતિ ફેલાવવામાં આવશે.

ગાંધીનગર સ્થિત હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (HQ SWAC) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એર વાઇસ માર્શલ જી.એસ. ભુલ્લર, વીએમ(જી), સિનિયર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશન દ્વારા મોબાઇલ થિયેટર વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ડી. ખટાલે અને જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મોબાઇલ થિયેટર વાહન ગુજરાતમાં સતત સાત દિવસ સુધી પ્રવાસ કરશે. દરરોજ અંદાજે 60 કિલોમીટરનું અંતર કાપીને વાહન રાજ્યના વિવિધ વિસ્તારો અને જિલ્લાઓમાં પહોંચશે. આ યાત્રા દરમિયાન સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ અને ધ્રોલ સહિતનાં સ્થળોએ કાર્યક્રમો યોજાશે. પ્રવાસના અંતિમ તબક્કામાં 1 ડિસેમ્બર, 2026ના રોજ આ અભિયાન જામનગર ખાતે પૂર્ણ થશે.

આ અભિયાન દરમિયાન મોબાઇલ થિયેટર વાહન સાથે જોડાયેલી ટીમ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેશે. ત્યાં વિદ્યાર્થીઓ અને યુવાનો માટે જાગૃતિ કાર્યક્રમો, પ્રચાર પ્રવૃત્તિઓ તેમજ ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવશે. આ સત્રો દ્વારા ભારતીય વાયુસેનામાં જોડાવા માટે ઉપલબ્ધ કારકિર્દીની તકો, અગ્નિવીરવાયુ અને એરમેન તરીકેની ભરતી તથા વાયુસેનામાં સેવા આપવાની વિવિધ સંભાવનાઓ અંગે યુવાનોને માહિતી આપવામાં આવશે.

ભારતીય વાયુસેનાના આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના યુવાનોમાં વાયુસેના પ્રત્યે જાગૃતિ વધારવા ઉપરાંત દેશની સેવા કરવાની ભાવના ધરાવતા યુવાઓને વાયુસેનામાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનો છે. મોબાઇલ થિયેટર વાહન દ્વારા વિવિધ જિલ્લાઓ સુધી પહોંચીને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને સીધા સંવાદ અને માહિતીના માધ્યમથી વાયુસેનામાં જોડાવાની તકો વિશે જાણકારી પૂરી પાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *