ગુજરાત રેરાની નવી પહેલ: હવે પ્રોપર્ટી ખરીદતા પહેલાં જાણી શકાશે બિલ્ડરનો સમગ્ર ટ્રેક રેકોર્ડ

Spread the love

17 હજારથી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના પ્રમોટર્સની કામગીરી, ફરિયાદો, રેરાનાં પગલાં અને પેનલ્ટીની વિગતો એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થશે

પ્રોપર્ટી ખરીદનાર ગ્રાહકોને નિર્ણય લેવામાં મળશે મદદ; ગુજરાત રેરાના વેબપોર્ટલ પર ‘પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ’ નામનું નવું સેક્શન ઉમેરાશે

ગાંધીનગર:

ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને પ્રોપર્ટી ખરીદનાર ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરાત રેરા) દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. હવે રાજ્યમાં પ્રોપર્ટી ખરીદવા ઇચ્છતા નાગરિકો કોઈપણ પ્રોજેક્ટમાં રોકાણ કરતાં પહેલાં તેના પ્રમોટર એટલે કે બિલ્ડરનો અગાઉનો ટ્રેક રેકોર્ડ જાણી શકશે. આ માટે ગુજરાત રેરાના સત્તાવાર વેબપોર્ટલ પર દરેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના પેજમાં ‘પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ’ નામનું નવું સેક્શન ઉમેરવામાં આવી રહ્યું છે.

આ નવી સુવિધાના કારણે પ્રોપર્ટી ખરીદનાર ગ્રાહકોને માત્ર જે-તે પ્રોજેક્ટની વિગતો જ નહીં, પરંતુ તે પ્રોજેક્ટના પ્રમોટરે રાજ્યમાં અગાઉ કયા પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે, અન્ય પ્રોજેક્ટ્સમાં કેટલી ફરિયાદો થઈ છે અને રેરા દ્વારા કોઈ કાર્યવાહી કે દંડ ફટકારવામાં આવ્યો છે કે કેમ તેની પણ માહિતી મળી શકશે. આમ, પ્રોપર્ટી ખરીદતાં પહેલાં બિલ્ડરની વિશ્વસનીયતા અને કામગીરીનું મૂલ્યાંકન કરવું ગ્રાહકો માટે વધુ સરળ બનશે.

17 હજારથી વધુ પ્રોજેક્ટ્સની માહિતી એક ક્લિક પર

ગુજરાત રેરાના વેબપોર્ટલ (www.gujrera.gujarat.gov.in)ને છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજ્યના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની માહિતી મેળવવાના આધારભૂત ડિજિટલ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે. હાલમાં આ પોર્ટલ પર રાજ્યના 17 હજારથી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની મહત્વપૂર્ણ વિગતો કોઈપણ નાગરિક લોગ-ઇન કર્યા વિના કમ્પ્યુટર કે મોબાઇલ દ્વારા મેળવી શકે છે.

આ માટે નાગરિકે રેરા પોર્ટલના હોમપેજ પર આપેલા સર્ચ બોક્સમાં પ્રોજેક્ટનું નામ અથવા રેરા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને સર્ચ કરવાનું રહે છે. ત્યારબાદ સંબંધિત પ્રોજેક્ટનું પેજ ખુલશે, જેમાં ‘View More’ પર ક્લિક કરીને પ્રોજેક્ટને લગતી વિસ્તૃત માહિતી મેળવી શકાશે.

પ્રોજેક્ટના દસ્તાવેજોથી લઈને બાંધકામની પ્રગતિ સુધીની વિગતો

રેરા પોર્ટલ પર દરેક પ્રોજેક્ટ માટે અલગ-અલગ વિભાગોમાં અનેક મહત્વપૂર્ણ વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમાં પ્રોજેક્ટને લગતા દસ્તાવેજો, લેઆઉટ, મંજૂર થયેલા પ્લાન, બાંધકામનાં સ્પેસિફિકેશન્સ, કાર્પેટ એરિયા, બ્રોશર તેમજ પ્રોજેક્ટના પ્રમોટર્સ, આર્કિટેક્ટ, એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વિગતોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પ્રોજેક્ટમાં થયેલા યુનિટ બુકિંગની સ્થિતિ, પ્રોજેક્ટ પૂર્ણ થવાની નિર્ધારિત તારીખ, બાંધકામની પ્રગતિ, પેમેન્ટ માટેનું બેન્ક એકાઉન્ટ તથા વેચાણ કરાર (બાનાખત) અને સેલ ડીડના ડ્રાફ્ટ જેવી મહત્વપૂર્ણ માહિતી પણ પોર્ટલ પર ઉપલબ્ધ છે.

હવે બિલ્ડર સામેની ફરિયાદો અને દંડની વિગતો પણ જાણી શકાશે

ગુજરાત રેરા દ્વારા ઉમેરવામાં આવી રહેલું ‘પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ’ સેક્શન આ સમગ્ર વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે. આ વિભાગમાં કોઈપણ પ્રોજેક્ટના પ્રમોટરે રાજ્યમાં અગાઉ હાથ ધરેલા અન્ય પ્રોજેક્ટ્સની વિગતો ઉપલબ્ધ થશે.

ખાસ કરીને પ્રમોટરના અગાઉના પ્રોજેક્ટ્સ સામે કોઈ ફરિયાદ નોંધાઈ હોય તો તેની વિગતો અને સંબંધિત ચુકાદાની નકલ પણ જોઈ શકાશે. ગુજરાત રેરા દ્વારા પ્રમોટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય અથવા પેનલ્ટી ફટકારવામાં આવી હોય તો તેની વિગતો પણ આ વિભાગમાં ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત પ્રમોટરે પોતાના અલગ-અલગ પ્રોજેક્ટ્સમાં અત્યાર સુધી કેટલા પ્રોગ્રેસ રિપોર્ટ્સ રજૂ કર્યા છે તેની માહિતી પણ નાગરિકો મેળવી શકશે. પરિણામે ગ્રાહકોને પ્રમોટરની અગાઉની કામગીરી, નિયમોના પાલન અને પ્રોજેક્ટની પ્રગતિ અંગે વધુ સ્પષ્ટ ચિત્ર મળશે.

પ્રોપર્ટી ખરીદતાં પહેલાં બિલ્ડરની વિશ્વસનીયતા ચકાસી શકાશે

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રોપર્ટી ખરીદવી એ સામાન્ય નાગરિક માટે મોટું આર્થિક રોકાણ હોય છે. આવા સંજોગોમાં બિલ્ડરની અગાઉની કામગીરી, સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ક્ષમતા, ગ્રાહકોની ફરિયાદો અને નિયમોના પાલન અંગેની માહિતી નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ગુજરાત રેરાની આ નવી સુવિધાથી ગ્રાહકોને પ્રોપર્ટી ખરીદતાં પહેલાં પ્રમોટરનો ભૂતકાળ તપાસવાની તક મળશે. આથી માત્ર જાહેરાતો કે વચનોના આધારે નિર્ણય લેવાને બદલે ઉપલબ્ધ સત્તાવાર વિગતોના આધારે ગ્રાહકો વધુ જાણકારીપૂર્ણ નિર્ણય લઈ શકશે.

રાજ્યના 17 હજારથી વધુ પ્રોજેક્ટ્સના પ્રમોટર્સનો ટ્રેક રેકોર્ડ એક જ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવાની આ પહેલ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની શકે છે.

સોશિયલ મીડિયા દ્વારા પણ અપડેટ્સની સુવિધા

ગુજરાત રેરા દ્વારા માત્ર વેબપોર્ટલ જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા હિતધારકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. ગ્રાહકો, પ્રમોટર્સ, એજન્ટ્સ અને અન્ય સંબંધિત લોકોને રેરા કાયદા તથા તેની વિવિધ જોગવાઈઓ અંગેની અદ્યતન અને આધારભૂત માહિતી નિયમિત રીતે આપવામાં આવે છે.

આ માટે ગુજરાત રેરા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ચેનલ (@gujreraofficial) અને વોટ્સએપ ચેનલ (Gujarat RERA)નો ઉપયોગ કરી રહ્યું છે.

આમ, ડિજિટલ માધ્યમો દ્વારા પ્રોજેક્ટની માહિતીથી લઈને બિલ્ડરના ભૂતકાળના ટ્રેક રેકોર્ડ સુધીની વિગતો નાગરિકો માટે સુલભ બનાવવાની ગુજરાત રેરાની પહેલ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જવાબદારી, વિશ્વસનીયતા અને પારદર્શિતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *