ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલી ઇન્ફ્યુઝન નર્સિંગ સોસાયટીની નેશનલ કોન્ફરન્સમાં અદ્યતન ટેકનોલોજી, નર્સિંગ કૌશલ્ય અને દર્દીની સુરક્ષા પર ભાર; દેશમાં ૧૨૬ હોસ્પિટલોને ‘Infuse’ સર્ટિફિકેશન, મુશ્કેલ IV કેન્યુલેશનથી લઈને એક્સ્ટ્રાવેઝેશનના જોખમો અંગે ચર્ચા
અમદાવાદ:
આધુનિક તબીબી ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ અને અદ્યતન મેડિકલ ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. દર્દીની સારવારમાં ચોકસાઈ, સમયસર નિદાન અને મોનિટરિંગ માટે ટેકનોલોજી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, પરંતુ ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીની નસ શોધવાથી લઈને IV કેન્યુલા મૂકવી, દવાઓ અને પ્રવાહી યોગ્ય પ્રમાણમાં આપવાં તથા સારવાર દરમિયાન ઊભી થતી જટિલતાઓને ઓળખવા માટે તાલીમબદ્ધ નર્સનું કૌશલ્ય આજે પણ અનિવાર્ય છે. મશીન દર્દીના વાઇટલ પેરામીટર્સ અને જોખમ અંગે સંકેત આપી શકે છે, પરંતુ તે સંકેતના આધારે તાત્કાલિક ક્લિનિકલ નિર્ણય લેવાની જવાબદારી નર્સ અને ડૉક્ટરની જ રહે છે.
આ જ દૃષ્ટિકોણ સાથે ઇન્ફ્યુઝન નર્સિંગની ગુણવત્તા, દર્દીની સુરક્ષા, વૈજ્ઞાનિક માર્ગદર્શિકા અને નર્સિંગ સ્ટાફની વિશેષ તાલીમને કેન્દ્રમાં રાખીને ઇન્ફ્યુઝન નર્સિંગ સોસાયટી (INS-India) દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કર્નલ બિનુ શર્મા (CEO, INS ઇન્ડિયા) ઇન્ફ્યુઝન નર્સિંગના બદલાતા સ્વરૂપ, ટેકનોલોજીની ભૂમિકા, નર્સિંગ ક્ષેત્રના પડકારો અને દર્દીની સુરક્ષાના વિવિધ પાસાં અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ટેકનોલોજી મોનિટરિંગ કરે, પરંતુ માનવીય કૌશલ્યનો વિકલ્પ બની શકે નહીં
હાલ હોસ્પિટલોમાં વેઇન ફાઇન્ડર, સ્માર્ટ ઇન્ફ્યુઝન પમ્પ, અલ્ટ્રાસાઉન્ડ ગાઇડેડ મશીન અને અદ્યતન મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ વધી રહ્યો છે. વેઇન ફાઇન્ડર દ્વારા દર્દીની નસ શોધવામાં મદદ મળે છે, જ્યારે સ્માર્ટ પમ્પ દવાઓ અને પ્રવાહીનો પ્રવાહ ચોક્કસ પ્રમાણમાં જાળવવામાં ઉપયોગી બને છે. હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, શ્વસનદર અને ઓક્સિજન સેચ્યુરેશન જેવા માપદંડોનું સતત મોનિટરિંગ પણ શક્ય બન્યું છે.
પરંતુ આ તમામ ટેકનોલોજી હોવા છતાં દર્દીની નસમાં યોગ્ય રીતે કેન્યુલા દાખલ કરવી, પ્રથમ પ્રયાસમાં સફળતા મેળવવી અને લાંબા સમય સુધી IV લાઇન સુરક્ષિત રાખવી એ નર્સની તાલીમ અને અનુભવ પર આધારિત છે. ખાસ કરીને શૉક, ગંભીર બ્લીડિંગ કે સેપ્ટિક શૉક જેવી કટોકટીમાં દર્દીને તાત્કાલિક દવા અને પ્રવાહી આપવાની જરૂર હોય ત્યારે આ કૌશલ્ય જીવનરક્ષક બની શકે છે.
નવજાતથી લઈને વૃદ્ધ દર્દીઓમાં IV લાઇન મૂકવી પડકારજનક
કેપ્ટન મધુકર્ય રે (પ્રમુખ, INS ઇન્ડિયા) અને ગવર્નિંગ કાઉન્સિલએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, ઇન્ફ્યુઝન થેરાપીમાં દરેક દર્દીની શારીરિક સ્થિતિ અલગ હોય છે. માત્ર ૫૦૦ ગ્રામ વજન ધરાવતા નવજાત શિશુમાં યોગ્ય કદની કેન્યુલા પસંદ કરવાથી લઈને વૃદ્ધ દર્દીઓની નાજુક નસોમાં IV લાઇન સ્થાપિત કરવી વિશેષ કુશળતા માગે છે.
વધુ પડતા વજનવાળા દર્દીઓ, અત્યંત પાતળા દર્દીઓ, વારંવાર ઇન્જેક્શન કે કેન્યુલેશનને કારણે નસોને નુકસાન થયેલા દર્દીઓ અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓમાં યોગ્ય નસ શોધવી મુશ્કેલ બને છે. આવા કિસ્સાઓમાં PICC લાઇન, કેમોથેરાપી પોર્ટ અથવા હિકમેન કેથેટર જેવી વિશેષ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
સેન્ટ્રલ લાઇન મૂકવા માટે અલ્ટ્રાસાઉન્ડ ગાઇડેડ ટેકનોલોજી અને કેમોથેરાપી માટેની PICC લાઇનની ટિપ યોગ્ય સ્થાને છે કે નહીં તે ચકાસવા અદ્યતન ECG ટેકનોલોજી પણ ઉપયોગી સાબિત થઈ રહી છે.
નાની બેદરકારીથી ગંભીર નુકસાન, એક્સ્ટ્રાવેઝેશન સામે સતત દેખરેખ જરૂરી
IV થેરાપીમાં સૌથી મહત્ત્વના જોખમોમાંનું એક એક્સ્ટ્રાવેઝેશન (Extravasation) છે. આ સ્થિતિમાં નસમાં આપવાનું પ્રવાહી અથવા દવા નસની બહાર આસપાસના પેશીઓમાં જવા લાગે છે. ખાસ કરીને નવજાત શિશુ અને નાના બાળકોમાં આ ગંભીર સમસ્યા સર્જી શકે છે.
ઉદાહરણ તરીકે, ત્રણ દિવસના બાળકને IV મારફતે પ્રવાહી આપવામાં આવતું હોય અને કેન્યુલાની યોગ્ય દેખરેખ ન રાખવામાં આવે તો પ્રવાહી નસની બહાર જવાથી સોજો, પેશીઓને નુકસાન અને ગંભીર કિસ્સામાં અંગ ગુમાવવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
આથી માત્ર કેન્યુલા મૂકવી પૂરતી નથી, પરંતુ તેની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવું, દર્દીને થતી તકલીફ ઓળખવી અને સમયસર યોગ્ય પગલાં લેવાં એટલાં જ જરૂરી છે. દર્દીની સુરક્ષામાં નર્સની જવાબદારી કેટલી મહત્ત્વપૂર્ણ છે તે આ ઉદાહરણ સ્પષ્ટ કરે છે.
INS-India દ્વારા વૈશ્વિક માર્ગદર્શિકાનું ભારતીય જરૂરિયાત મુજબ ઘડતર
ઇન્ફ્યુઝન નર્સિંગ સોસાયટી (INS-India)ની સ્થાપના વર્ષ ૨૦૧૦માં કરવામાં આવી હતી. તે અમેરિકાની Infusion Nurses Society (INS-USA) સાથે સંલગ્ન છે. સંસ્થા દેશમાં આશરે ૨૦ સ્ટેટ ચેપ્ટર અને લગભગ ૫,૦૦૦ સભ્યોનું નેટવર્ક ધરાવે છે.
INS-USA દ્વારા દર ત્રણથી ચાર વર્ષે ઇન્ફ્યુઝન નર્સિંગ માટેના સ્ટાન્ડર્ડ્સ ઓફ પ્રેક્ટિસ જાહેર કરવામાં આવે છે. આ માર્ગદર્શિકાઓને ભારતની આરોગ્ય વ્યવસ્થા, દર્દીઓની સ્થિતિ, રોગચાળો, વસ્તી અને ઉપલબ્ધ મેડિકલ સાધનોને ધ્યાનમાં રાખીને ભારતીય પરિસ્થિતિને અનુરૂપ બનાવવામાં આવે છે. આ કામગીરી માટે છ સભ્યોનું વૈજ્ઞાનિક બોર્ડ કાર્યરત છે.
સંસ્થા નર્સિંગ સ્ટાફ માટે SOPs (Standard Operating Procedures), તાલીમ કાર્યક્રમો, માસિક વેબિનાર અને પ્રાયોગિક વર્કશોપનું આયોજન કરે છે. ‘સ્કિલથોન’ નામની હેન્ડ્સ-ઓન તાલીમ દ્વારા નર્સોને વાસ્તવિક ક્લિનિકલ પરિસ્થિતિમાં જરૂરી કૌશલ્ય વિકસાવવાની તક આપવામાં આવે છે.
૧૨૬ હોસ્પિટલોને ‘Infuse’ સર્ટિફિકેશન
હોસ્પિટલોમાં ઇન્ફ્યુઝન થેરાપીની ગુણવત્તા અને સલામતી માટે સંસ્થા દ્વારા ‘Infuse’ સર્ટિફિકેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ સર્ટિફિકેશન આઠ પ્રકરણના ધોરણો પર આધારિત છે અને હોસ્પિટલોમાં ઇન્ફ્યુઝન કેરની પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત અને પ્રમાણભૂત બનાવવાનો તેનો હેતુ છે.
આ સર્ટિફિકેશનને NABH અને JCI જેવી ગુણવત્તા આધારિત માન્યતા વ્યવસ્થાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી દેશમાં ૧૨૬ હોસ્પિટલોને ‘Infuse’ સર્ટિફિકેશન મળ્યું હોવાનું કરુણા શર્માએ જણાવ્યું હતું.
દરેક હોસ્પિટલમાં ‘IV Champions’ તૈયાર કરવાની પણ પહેલ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ઇન્ફ્યુઝન થેરાપીમાં વિશેષ તાલીમ ધરાવતા નર્સિંગ સ્ટાફને તૈયાર કરીને અન્ય નર્સોને માર્ગદર્શન આપવાની વ્યવસ્થા વિકસાવવાનો હેતુ છે.
નર્સિંગમાં ટેકનિકલ જ્ઞાનની સાથે સોફ્ટ સ્કિલ્સ પણ એટલી જ જરૂરી
નર્સિંગ વ્યવસાય માત્ર ઇન્જેક્શન આપવા, IV લાઇન મૂકવા કે દર્દીના વાઇટલ્સ તપાસવા પૂરતો મર્યાદિત નથી. દર્દી સાથેનું વર્તન, સંવાદ કરવાની રીત, સહાનુભૂતિ, કરુણા, શિસ્ત, આત્મવિશ્વાસ અને દર્દીની લાગણીઓને સમજવાની ક્ષમતા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.
હોસ્પિટલમાં દાખલ થતી વખતે દર્દીનો નર્સ સાથે પ્રથમ સંપર્ક ઘણી વખત IV કેન્યુલા મૂકવાની પ્રક્રિયા દરમિયાન થાય છે. જો આ પ્રક્રિયામાં વારંવાર પ્રયાસ કરવા પડે, દર્દીને પીડા થાય અથવા કેન્યુલા યોગ્ય રીતે કાર્ય ન કરે તો દર્દીના મનમાં હોસ્પિટલની સેવાઓ અંગે નકારાત્મક છાપ ઊભી થઈ શકે છે.
આથી નવી નર્સોને સીધી જવાબદારી સોંપવાને બદલે અનુભવી મેન્ટર અને બડીની દેખરેખ હેઠળ તાલીમ આપવામાં આવે છે. નર્સિંગના અભ્યાસ દરમિયાન મળતું શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી; વ્યવહારિક અનુભવ અને સતત પ્રેક્ટિસ દ્વારા જ નર્સમાં આત્મવિશ્વાસ અને નિપુણતા વિકસે છે.
નર્સોની અછત સામે તાલીમ અને સ્ટાફ ટકાવી રાખવાનો પડકાર
શર્મિષ્ઠા નાયી (ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન, ગુજરાત ૨૦૨૬)એ જણાવ્યું કે, ભારતમાં ૩૦ લાખથી વધુ રજિસ્ટર્ડ નર્સો હોવાનો અંદાજ છે, પરંતુ તેમાંથી વાસ્તવમાં કેટલા નર્સિંગ ક્ષેત્રમાં સક્રિય રીતે કાર્યરત છે તેનો ચોક્કસ લાઇવ ડેટા ઉપલબ્ધ નથી. નવી નર્સિંગ કોલેજો અને ગ્રેજ્યુએટ્સની સંખ્યા વધવા છતાં નવી હોસ્પિટલો, ICU અને હોસ્પિટલ બેડની સંખ્યામાં વધારાને કારણે નર્સોની માંગ સતત વધી રહી છે.
દર્દીની સ્થિતિ અનુસાર નર્સ-પેશન્ટ રેશિયો જાળવવો પણ અત્યંત જરૂરી છે. ગંભીર સ્થિતિના દર્દી માટે ૧:૧, હાઇ ડિપેન્ડન્સી યુનિટમાં ૧:૨ અને સામાન્ય વોર્ડમાં ૧:૫ અથવા ૧:૬નો રેશિયો જરૂરી ગણાવવામાં આવ્યો છે.
ઉદાહરણ તરીકે, ૩૦ બેડના ICUમાં વિવિધ શિફ્ટ, રજાઓ અને રિલીવર સહિત અંદાજે ૧૨૦ નર્સોની જરૂરિયાત ઊભી થઈ શકે છે. બીજી તરફ, નવી જોડાયેલી ફ્રેશર નર્સને મૂળભૂત ક્લિનિકલ પ્રક્રિયાઓ, વાઇટલ મોનિટરિંગ અને દવાઓના સંચાલનમાં સ્વતંત્ર રીતે કાર્યક્ષમ બનવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાની તાલીમ જરૂરી બને છે.
ખાનગી હોસ્પિટલો દ્વારા નર્સોને તાલીમ અને સર્ટિફિકેશન આપવામાં આવે છે, પરંતુ અનુભવ અને કૌશલ્ય મેળવ્યા બાદ વધુ પગાર, સરકારી નોકરી અથવા વિદેશમાં રોજગારની તક મળતાં નર્સો નોકરી બદલે છે. પરિણામે હોસ્પિટલોએ સતત નવા સ્ટાફની ભરતી અને તાલીમ પાછળ સંસાધનો ખર્ચવા પડે છે. આ પરિસ્થિતિમાં તાલીમબદ્ધ નર્સોને સંસ્થામાં જાળવી રાખવી પણ આરોગ્ય ક્ષેત્ર માટે મોટો પડકાર બની છે.
જર્નલ લોન્ચથી સંશોધન અને જ્ઞાનના આદાનપ્રદાનને વેગ
કોન્ફરન્સ દરમિયાન Journal of Infusion Nursing Societyની પ્રથમ આવૃત્તિનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ જર્નલ વર્ષમાં બે વખત પ્રકાશિત કરવાની યોજના છે. તેના માધ્યમથી ઇન્ફ્યુઝન નર્સિંગ ક્ષેત્રનાં સંશોધનો, નવી પદ્ધતિઓ, ક્લિનિકલ અનુભવો અને વૈજ્ઞાનિક માહિતી નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો સુધી પહોંચાડવાનો હેતુ છે.
બે દિવસીય ૧૪મી નેશનલ કોન્ફરન્સમાં નવી માર્ગદર્શિકાઓ, વૈશ્વિક સ્તરે ઇન્ફ્યુઝન થેરાપીમાં થતા ફેરફારો, અદ્યતન સાધનો અને નર્સિંગ તાલીમ અંગે ચર્ચા થઈ રહી છે. 3M, BD, Polymed અને B. Braun જેવા ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ દ્વારા પણ નવી ટેકનોલોજી, સ્માર્ટ પમ્પ અને કેન્યુલા સહિતનાં સાધનો રજૂ કરવામાં આવી રહ્યાં છે.
