અમદાવાદ અને રાજકોટના રાષ્ટ્રીય સરસ મેળામાં રૂ. ૮.૬૨ કરોડનું વિક્રમી વેચાણ; ગ્રામીણ મહિલાઓને બજાર, બ્રાન્ડિંગ અને ઈ-કોમર્સ સાથે જોડવાનો પ્રયાસ
કચ્છના રણોત્સવમાં ૫ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી ‘સખી ક્રાફ્ટ બજાર’ યોજાશે; ૬૫૦થી વધુ બહેનોને મળશે પોતાના ઉત્પાદનોના વેચાણની તક
ગાંધીનગર
ગુજરાતની ગ્રામીણ મહિલાઓ હવે માત્ર સ્વસહાય જૂથો સુધી સીમિત રહી નથી, પરંતુ પોતાના કૌશલ્ય, પરિશ્રમ અને ઉદ્યોગસાહસિકતાના બળે રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. ગ્રામીણ નારીશક્તિને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા આયોજિત ‘સરસ મેળા’ મહત્વપૂર્ણ માધ્યમ બન્યા છે. વર્ષ ૨૦૨૧થી ૨૦૨૬ દરમિયાન રાજ્યમાં યોજાયેલા ૨૩૬ સરસ મેળાઓમાં ૮,૫૦૦થી વધુ સ્વસહાય જૂથોએ ભાગ લીધો છે અને અંદાજે રૂ. ૩૯ કરોડથી વધુનું વેચાણ નોંધાવ્યું છે. આ આંકડા ગ્રામીણ મહિલાઓની વધતી આર્થિક ભાગીદારી અને તેમની ઉદ્યોગસાહસિક ક્ષમતાની સાબિતી આપે છે.
કેન્દ્ર સરકારની દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત આ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા યોજાતા આ મેળાઓનો હેતુ ગ્રામીણ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી હસ્તકલા, હેન્ડલૂમ, ખાદ્યપદાર્થો અને સ્થાનિક ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે.
અમદાવાદ અને રાજકોટના મેળામાં રૂ. ૮.૬૨ કરોડનું વેચાણ
ચાલુ વર્ષે અમદાવાદ અને રાજકોટમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના સરસ મેળાઓએ વેચાણની દૃષ્ટિએ નોંધપાત્ર સફળતા મેળવી છે. બંને મેળામાં કુલ ૩૨૪ સ્ટોલના માધ્યમથી ૬૪૮ ગ્રામીણ બહેનોએ ભાગ લીધો હતો અને સંયુક્ત રીતે રૂ. ૮.૬૨ કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ૨૩ ઓક્ટોબરથી ૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા સરસ મેળામાં ૧૬૦ સ્ટોલનું સંચાલન ૩૨૦ બહેનોએ કર્યું હતું. આ મેળાની મુલાકાત ૬.૫ લાખથી વધુ લોકોએ લીધી હતી અને ગ્રામીણ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓની રૂ. ૩.૫ કરોડથી વધુની ખરીદી થઈ હતી.
આ મેળા દરમિયાન ધોળકા અને બાવળાના ચાર સખી મંડળોને રૂ. ૨૩ લાખની કેશ ક્રેડિટ લોન સહાય આપવામાં આવી હતી. પાંચ બહેનોને ‘લખપતિ દીદી’ પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં. આ ઉપરાંત સાબરકાંઠા, આણંદ અને અમદાવાદની ૩૫૦ બહેનો માટે ત્રણ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાન્ડિંગ-પેકેજિંગ, વીમા-સખી અને ONDC પ્લેટફોર્મ અંગે વિશેષ વર્કશોપ યોજીને બહેનોને વ્યવસાયિક કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવી હતી.
રાજકોટમાં ૧૦ લાખથી વધુ મુલાકાતીઓ, રૂ. ૫.૧૨ કરોડનું વેચાણ
રાજકોટમાં ૨૫ ઓક્ટોબરથી ૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા રાષ્ટ્રીય સરસ મેળામાં ૧૬૪ સ્ટોલ પર ૩૨૮ બહેનોએ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કર્યું હતું. આ મેળામાં ૧૦ લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા હતા અને કુલ રૂ. ૫.૧૨ કરોડનું વેચાણ નોંધાયું હતું.
મેળા દરમિયાન પડધરી, જસદણ, ધોરાજી, કોટડા સાંગાણી અને લોધિકાનાં પાંચ મિશન મંગલમ જૂથોને રૂ. ૨૨ લાખની કેશ ક્રેડિટ લોન આપવામાં આવી હતી. ઉપલેટાના ઓમ સાંઈ ક્લસ્ટર લેવલ ફેડરેશનને રૂ. ૩.૫ લાખનું સ્ટાર્ટઅપ ફંડ ફાળવાયું હતું. બે જૂથોને અમૂલ પાર્લર શરૂ કરવા માટે મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા, જ્યારે પાંચ બહેનોને ‘લખપતિ દીદી’ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી.
મહિલાઓને બદલાતા બજાર સાથે તાલ મિલાવવા માટે આ મેળામાં ઈ-કોમર્સ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, માઇક્રો ફાઇનાન્સ, પેકેજિંગ-ડિઝાઇનિંગ, કેટરિંગ, ફૂડ વેલ્યુ એડિશન અને ONDC ઓનબોર્ડિંગ જેવા વિષયો પર વર્કશોપ પણ યોજાયા હતા.
તહેવારોના મેળાઓમાં પણ ગ્રામીણ ઉત્પાદનોને સારો પ્રતિસાદ
રાજ્યમાં તહેવારો દરમિયાન યોજાયેલા સરસ મેળાઓમાં પણ ગ્રામીણ મહિલાઓનાં ઉત્પાદનોને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. શ્રાવણ ઉત્સવ અંતર્ગત યોજાયેલા સાત મેળાઓમાં ૧૮૭ સ્ટોલ પર ૩૭૦થી વધુ બહેનોએ ભાગ લીધો હતો અને રૂ. ૧.૩ કરોડનું વેચાણ કર્યું હતું. આ મેળાઓની ૧૦ લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી હતી.
ત્યારબાદ પ્રિ-નવરાત્રી મેળામાં ૩૮૩ સ્ટોલ પર ૭૬૬ બહેનોએ ભાગ લઈને રૂ. ૨ કરોડથી વધુનું વેચાણ કર્યું હતું. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ‘સ્ત્રી શક્તિ-સખી શક્તિ’ થીમ હેઠળ ગ્રામીણ નારીશક્તિની કલા અને ઉત્પાદનોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું.
મહેસાણા, અમરેલી અને નવસારી ખાતે યોજાયેલા પ્રી-દિવાળી મેળાઓમાં પણ ૧૧૫ સ્ટોલ પર ૨૨૬ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું.
રણોત્સવમાં ૧૧૦ સ્ટોલ સાથે ‘સખી ક્રાફ્ટ બજાર’
ગ્રામીણ મહિલાઓની આર્થિક પ્રગતિને વધુ વેગ આપવા માટે આગામી ૫ ડિસેમ્બર, ૨૦૨૬થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન કચ્છના વિશ્વપ્રસિદ્ધ રણોત્સવ ખાતે ‘સખી ક્રાફ્ટ બજાર’નું આયોજન કરવામાં આવશે.
આ બજારમાં ૧૦૦ ક્રાફ્ટ સ્ટોલ અને ૧૦ ફૂડ સ્ટોલ મળી કુલ ૧૧૦ સ્ટોલ ઊભા કરવામાં આવશે. ૧૫-૧૫ દિવસના રોટેશનના આધારે ૬૫૦થી વધુ સખી મંડળોની બહેનોને અહીં પોતાના ઉત્પાદનોના વેચાણ માટે તક આપવામાં આવશે. દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓ સમક્ષ ગુજરાતની પરંપરાગત હસ્તકલા, સ્થાનિક ઉત્પાદનો અને ગ્રામીણ મહિલાઓની ઉદ્યોગસાહસિકતાને રજૂ કરવા માટે આ આયોજન મહત્વપૂર્ણ બનશે.
માત્ર વેચાણ નહીં, મહિલાઓને વ્યવસાયિક ઓળખ આપવાનો પ્રયાસ
સરસ મેળાઓનું મહત્વ માત્ર વેચાણના આંકડાઓ પૂરતું નથી. આ મેળાઓ ગ્રામીણ મહિલાઓને વચેટિયાઓ વિના સીધા ગ્રાહકો સુધી પહોંચવાની તક આપે છે. સાથે જ ગ્રાહકો સાથે સંવાદ, ઉત્પાદનની ગુણવત્તા, આકર્ષક રજૂઆત, પેકેજિંગ, બ્રાન્ડિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવી બાબતોની વ્યવહારુ સમજ પણ વિકસાવે છે.
પરંપરાગત કૌશલ્યને વ્યવસાયમાં પરિવર્તિત કરીને મહિલાઓ પોતાની આવક વધારી શકે અને પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકે તે દિશામાં આ પ્રયાસો આગળ વધી રહ્યા છે. આમ, સરસ મેળાઓ ગ્રામીણ મહિલાઓ માટે માત્ર વેચાણનું પ્લેટફોર્મ નહીં, પરંતુ આત્મનિર્ભરતા, રોજગારી અને આર્થિક સશક્તીકરણની નવી તકો ઊભી કરતું માધ્યમ બની રહ્યા છે.
