બેડમિન્ટનની મેન્સ ટીમમાં CRPF અને વિમેન્સમાં CISFએ ગોલ્ડ મેડલ જીત્યા; ટેબલ ટેનિસની મેન્સ અને વિમેન્સ બંને કેટેગરીમાં ઉત્તર પ્રદેશ ચેમ્પિયન બન્યું
અમદાવાદ:
અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. 19થી 24 નવેમ્બર દરમિયાન યોજાઈ રહેલી ‘3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27’માં દેશભરના પોલીસ દળો અને કેન્દ્રીય સુરક્ષા દળોના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ટુર્નામેન્ટના ત્રીજા દિવસે રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે સ્પર્ધા સ્થળની મુલાકાત લઈ વિવિધ રમતોમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ દરમિયાન તેમણે પોતે પણ બેડમિન્ટન રમી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ટુર્નામેન્ટના ત્રીજા દિવસે બેડમિન્ટનની GO/NGO ટીમ ઇવેન્ટની ફાઇનલ મેચોમાં પુરુષ વિભાગમાં CRPF અને આસામ રાઇફલ્સ વચ્ચે જ્યારે મહિલા વિભાગમાં CISF અને આસામ રાઇફલ્સ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચોનો ટોસ DGP CID કે. એલ. એન. રાવ દ્વારા કરવામાં આવ્યો હતો.
બેડમિન્ટનની GO/NGO ટીમ ઇવેન્ટના મેન્સ કેટેગરીમાં CRPFની ટીમે શાનદાર દેખાવ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આસામ રાઇફલ્સની ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે મિઝોરમ અને CISFની ટીમોએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. મહિલા વિભાગમાં CISFની ટીમે ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. આસામ રાઇફલ્સની ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુની ટીમોએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
ટેબલ ટેનિસની GO/NGO ટીમ ઇવેન્ટમાં ઉત્તર પ્રદેશે બંને વિભાગમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. મેન્સ કેટેગરીમાં ઉત્તર પ્રદેશની ટીમે ગોલ્ડ, મણિપુરે સિલ્વર જ્યારે SSB અને મિઝોરમે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. વિમેન્સ કેટેગરીમાં પણ ઉત્તર પ્રદેશની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મણિપુરની ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે મિઝોરમ અને તમિલનાડુની ટીમોએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ ટીમ ઇવેન્ટમાં વિજેતા અને ઉપવિજેતા ટીમોના ખેલાડીઓને DGP CID શ્રી કે. એલ. એન. રાવના હસ્તે મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રથમ દિવસે 136 મેચો સાથે સ્પર્ધાનો પ્રારંભ
ઉલ્લેખનીય છે કે આ રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટના પ્રથમ દિવસે બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ કેટેગરીમાં કુલ 136 મેચો રમાઈ હતી. બેડમિન્ટનની પુરુષ ટીમ ચેમ્પિયનશિપમાં 68 અને મહિલા ટીમ ચેમ્પિયનશિપમાં 30 મળીને કુલ 98 ગ્રુપ મેચો યોજાઈ હતી. પુરુષ વિભાગમાં CISF, મિઝોરમ, દિલ્હી, કેરળ અને ઉત્તરાખંડની ટીમોએ ચાર-ચાર જીત સાથે અપરાજિત શરૂઆત કરી હતી. જ્યારે મહિલા વિભાગમાં ગુજરાત અને મણિપુરની ટીમોએ ત્રણ-ત્રણ જીત મેળવી પ્રભાવશાળી દેખાવ કર્યો હતો.
ટેબલ ટેનિસમાં પુરુષોની 20 અને મહિલાઓની 18 મળીને કુલ 38 ટીમ મેચો રમાઈ હતી. પુરુષ વિભાગમાં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)એ કેરળ અને મહારાષ્ટ્ર સામે 3-2થી રોમાંચક જીત નોંધાવી હતી. જ્યારે CRPFએ તમિલનાડુ અને પંજાબ સામે 3-0થી વિજય મેળવ્યો હતો. મહિલા વિભાગમાં મિઝોરમ અને BSFની ટીમોએ પોતાની તમામ મેચોમાં જીત મેળવી હતી.
આ સ્પર્ધામાં દેશનાં વિવિધ રાજ્યોની પોલીસ ટીમો ઉપરાંત CRPF, BSF, CISF, ITBP, SSB, આસામ રાઇફલ્સ, NSG અને NDRF સહિતનાં કેન્દ્રીય સુરક્ષા દળોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 19થી 24 નવેમ્બર સુધી ચાલનારી આ સ્પર્ધા પોલીસ અને સુરક્ષા દળોના જવાનોને પોતાની રમત પ્રતિભા પ્રદર્શિત કરવાની સાથે ટીમ ભાવના, શિસ્ત અને પરસ્પર સૌહાર્દને પ્રોત્સાહન આપતું રાષ્ટ્રીય મંચ પૂરું પાડી રહી છે.
