SIRની મુસદ્દા મતદાર યાદીમાં નામ ન હોય તો ફોર્મ-6 ભરી શકાશે

Spread the love

અગાઉ મતદાર તરીકે નોંધાયેલા હોય તો પણ નવેસરથી નામ ઉમેરવા ફોર્મ-6 રજૂ કરી શકાશે; માત્ર અગાઉ નોંધાયેલા હોવાના આધારે ખોટી ઘોષણા ગણાશે નહીં કે કલમ-31 હેઠળ કાર્યવાહી પણ નહીં થાય

ગાંધીનગર:

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં જેમનાં નામ સામેલ નથી તેવા મતદારો માટે ભારતના ચૂંટણી પંચે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. હવે SIR પહેલાં મતદાર તરીકે નોંધાયેલા હોય અને તેમ છતાં મુસદ્દા મતદાર યાદીમાં નામ ન હોય તેવા મતદારો પણ ફોર્મ-6 ભરીને આખરી મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકશે. આ સ્પષ્ટતાથી અગાઉથી મતદાર તરીકે નોંધાયેલા હોવા છતાં ફોર્મ-6 ભરવા અંગે મતદારોમાં પ્રવર્તતી મૂંઝવણનો અંત આવશે.

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયા બાદ કેટલાક મતદારોના નામ વિવિધ કારણોસર મુસદ્દા મતદાર યાદીમાં સામેલ થઈ શક્યાં નથી. આવા મતદારોમાં એવી મૂંઝવણ ઊભી થઈ હતી કે અગાઉથી મતદાર તરીકે નોંધાયેલા હોવા છતાં જો તેઓ નવેસરથી ફોર્મ-6 ભરે તો તેમાં દર્શાવેલી ઘોષણા મુજબ તેમનું નામ મતદાર યાદીમાં પ્રથમ વખત ઉમેરવામાં આવી રહ્યું હોવાનું ગણાશે.

આ કારણે અગાઉ મતદાર તરીકે નોંધાયેલા નાગરિકોમાં એવી આશંકા હતી કે ફોર્મ-6માં કરવામાં આવેલી ઘોષણા ખોટી ગણાઈ શકે છે અને તેના પરિણામે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ-31 હેઠળ તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આ મૂંઝવણને દૂર કરવા ચૂંટણી પંચે ફોર્મ-6ની જોગવાઈ અંગે સ્પષ્ટતા કરી છે.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે ફોર્મ-6 હેઠળની ઘોષણા તા. 1 ઓગસ્ટ, 2022થી અમલમાં છે. જે મતદારોનાં નામ મુસદ્દા મતદાર યાદીમાં સામેલ નથી, તેઓ નિયત પ્રક્રિયા અનુસાર આખરી મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ-6 રજૂ કરી શકે છે.

ખાસ બાબત એ છે કે મુસદ્દા મતદાર યાદીમાં નામ ન ધરાવતા મતદારોએ અગાઉ મતદાર તરીકે નામ નોંધાવ્યું હતું કે નહીં તે બાબતને ધ્યાનમાં લીધા વિના SIR દરમિયાન અથવા ત્યારબાદની પ્રક્રિયામાં નવેસરથી નામ ઉમેરવા માટે ફોર્મ-6 રજૂ કરવાનું રહેશે. આ ફોર્મ રજૂ કરવાનો મુખ્ય હેતુ વર્તમાન મતદાર યાદીમાં નામ સામેલ કરાવવાનો છે. તેથી અરજદાર અગાઉ મતદાર તરીકે નોંધાયેલા રહી ચૂક્યા હોય એટલા માત્રથી ફોર્મ-6માં કરવામાં આવેલી ઘોષણા ખોટી ગણાશે નહીં.

દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને અનુરૂપ સ્પષ્ટતા

ચૂંટણી પંચની આ સ્પષ્ટતા દિલ્હી હાઇકોર્ટના નીલોત્પલ દત્તા અને અન્ય વિરુદ્ધ ભારતના ચૂંટણી પંચ (W.P.(C) No.14955/2026) કેસમાં તા. 14 ઓક્ટોબર, 2026ના રોજ આપવામાં આવેલા ચુકાદાને પણ અનુરૂપ છે. હાઇકોર્ટે આ મામલે સ્પષ્ટ કર્યું હતું કે ફોર્મ-6માં ખોટી ઘોષણા થઈ જવાની અરજદારોની આશંકા અસ્થાને છે અને તેઓ કાયદા અનુસાર મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે ફોર્મ-6 રજૂ કરી શકે છે.

ચૂંટણી પંચે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે SIR દરમિયાન કે ત્યારબાદ કોઈ મતદાર ફોર્મ-6 રજૂ કરે તો માત્ર એટલા કારણસર કે તે અગાઉ મતદાર તરીકે નોંધાયેલો હતો, તેની સામે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ-31 હેઠળ કોઈ દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવશે નહીં.

જોકે, આ માટે કેટલીક શરતોનું પાલન જરૂરી છે. ફોર્મ-6 રજૂ કરનાર મતદારનું નામ અન્ય કોઈ સંસદીય અથવા વિધાનસભા મતવિસ્તારમાં હાલમાં મતદાર તરીકે નોંધાયેલું હોવું જોઈએ નહીં. આ ઉપરાંત, ફોર્મમાં રજૂ કરવામાં આવેલી તમામ વિગતો કાયદા અને નિયત પ્રક્રિયા અનુસાર યોગ્ય હોવી આવશ્યક છે.

આમ, SIRની મુસદ્દા મતદાર યાદીમાં નામ ન ધરાવતા અગાઉના મતદારો હવે કાયદાકીય કાર્યવાહીનો ભય રાખ્યા વિના નિયત પ્રક્રિયા મુજબ ફોર્મ-6 ભરીને આખરી મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવવા માટે અરજી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *