ભદ્ર કિલ્લાથી ત્રણ દરવાજા સુધી ઐતિહાસિક વારસાને આધુનિક કલાત્મક અભિવ્યક્તિ સાથે જીવંત કરાયો; ઉસ્તાદ શુજાત ખાન અને ઉસ્તાદ ફઝલ કુરેશીની સંગીતમય જુગલબંધી બની આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદ
અમદાવાદના ઐતિહાસિક વારસાને સંગીત, કલા અને સંસ્કૃતિના રંગોથી ફરી જીવંત કરવાનો અનોખો પ્રયાસ 12 વર્ષના લાંબા અંતરાલ બાદ ભદ્ર ફેસ્ટિવલના ભવ્ય પુનરાગમન સાથે સાકાર થયો છે. સદીઓ જૂનો ભદ્ર કિલ્લો રંગબેરંગી રોશની અને લાઇટ પ્રોજેક્શનથી ઝળહળી ઊઠ્યો હતો, જ્યારે પરંપરાગત કલાકારોની પ્રસ્તુતિઓ, વિશાળ કદની કઠપૂતળીઓ અને સંગીતના સૂરોએ જૂના અમદાવાદની શેરીઓમાં ઉત્સવનો માહોલ સર્જ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સહયોગથી ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ દ્વારા પરિકલ્પિત, ક્યુરેટેડ અને પ્રસ્તુત આ મહોત્સવે અમદાવાદના ઐતિહાસિક સ્થાપત્યોને માત્ર જોવા લાયક સ્મારકો પૂરતાં સીમિત ન રાખતાં, તેમને જીવંત સાંસ્કૃતિક મંચમાં પરિવર્તિત કર્યા હતા. ભદ્ર કિલ્લાથી લઈને ઐતિહાસિક ત્રણ દરવાજા અને પ્રેમાભાઈ હોલ સુધીના વિસ્તારોમાં કલાત્મક પ્રસ્તુતિઓએ શહેરના સમૃદ્ધ વારસાની નવી ઓળખ ઊભી કરી હતી.
ત્રણ દરવાજાની સાક્ષીએ શાસ્ત્રીય સંગીતની યાદગાર જુગલબંધી
ફેસ્ટિવલનું સૌથી મોટું આકર્ષણ ત્રણ દરવાજા ખાતે યોજાયેલી સંગીતમય સાંજ રહી હતી. ગુરુવારે મોડી સાંજે ઐતિહાસિક ત્રણ દરવાજાની ભવ્ય કમાનની પૃષ્ઠભૂમિમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સિતારવાદક ઉસ્તાદ શુજાત ખાન અને તબલાવાદક ઉસ્તાદ ફઝલ કુરેશીએ પોતાની સંગીત પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
12 વર્ષ બાદ ફેસ્ટિવલના પુનરાગમન પ્રસંગે ભારતીય શાસ્ત્રીય સંગીતના આ બે દિગ્ગજ કલાકારોનું એક જ મંચ પર આવવું વિશેષ આકર્ષણ બન્યું હતું. ઉસ્તાદ શુજાત ખાનના સિતારના ભાવસભર અને મધુર સૂરો સાથે ઉસ્તાદ ફઝલ કુરેશીના તબલાની જટિલ લયકારીનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો. બંને કલાકારો વચ્ચેની સૂર અને તાલની જુગલબંધીમાં શાસ્ત્રીય સંગીતની પરંપરા સાથે પ્રયોગાત્મક સંગીતની સર્જનાત્મકતા પણ અનુભવવા મળી હતી.
આ પ્રસ્તુતિમાં તબલા પર અમિત ચૌબે અને સપન અંજારિયાએ સંગત આપી હતી. જ્યારે જ્યોર્જ બ્રુક્સે સેક્સોફોન, રાહુલ વાધવાનીએ કીબોર્ડ, શેલ્ડન ડી’સિલ્વાએ બાસ અને અરુણ કુમારે ડ્રમ્સ પર સાથ આપ્યો હતો. ભારતીય શાસ્ત્રીય સંગીત અને આધુનિક વાદ્યોના સંગમથી આ કાર્યક્રમ સામાન્ય સંગીત કોન્સર્ટ કરતાં વિશેષ અને યાદગાર બન્યો હતો.
પ્રેમાભાઈ હોલ પર ‘માતાની પછેડી’ની કલાત્મક ઝલક
ફેસ્ટિવલનું બીજું નોંધપાત્ર આકર્ષણ પ્રેમાભાઈ હોલ ખાતે જોવા મળ્યું હતું. અહીં ઇમારતના વિશાળ બાહ્ય ભાગ પર ગુજરાતની પરંપરાગત લોકકળા ‘માતાની પછેડી’ આધારિત ફસાડ પ્રોજેક્શન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રકાશ અને રંગોના માધ્યમથી પરંપરાગત ગુજરાતી કલાકૃતિને સ્થાપત્ય સાથે સાંકળવાનો આ પ્રયાસ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણ બન્યો હતો.
આ ઉપરાંત, ખાસ ક્યુરેટ કરાયેલા પ્રદર્શનો દ્વારા અમદાવાદના સ્થાપત્ય વારસા, કલાત્મક પરંપરાઓ અને ઐતિહાસિક મહત્ત્વની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. વિશાળ કઠપૂતળીઓ અને પરંપરાગત કલાકારોની રજૂઆતોએ પણ ઉત્સવમાં લોકસંસ્કૃતિનો રંગ ઉમેર્યો હતો.
વારસાને નવી પેઢી સાથે જોડવાનો પ્રયાસ
ભદ્ર ફેસ્ટિવલનું પુનરાગમન માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન નહોતું, પરંતુ અમદાવાદના જૂના શહેરની ઐતિહાસિક ઓળખ અને તેની સમૃદ્ધ કલાત્મક પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ હતો. ઐતિહાસિક ઇમારતો પર રોશની, લોકકળાનું પ્રદર્શન અને સંગીતના કાર્યક્રમો દ્વારા શહેરના વારસાને નવી દૃષ્ટિથી રજૂ કરવામાં આવ્યો હતો.
12 વર્ષ બાદ યોજાયેલા આ મહોત્સવે સાબિત કર્યું કે અમદાવાદનો વારસો માત્ર ભૂતકાળની યાદોમાં સચવાયેલો નથી, પરંતુ સંગીત, કલા અને સંસ્કૃતિના માધ્યમથી આજે પણ જીવંત રહી શકે છે. ભદ્ર કિલ્લો અને ત્રણ દરવાજા જેવા ઐતિહાસિક સ્થળોને સાંસ્કૃતિક ઉત્સવના કેન્દ્રમાં લાવતો આ પ્રયાસ અમદાવાદની ઓળખને વધુ સમૃદ્ધ બનાવનારી યાદગાર પહેલ બની રહ્યો છે.
