વિજયવર્ગીય મધ્યપ્રદેશમાં યોજાનારી ચૂંટણીની તૈયારીઓ માટે રતલામ ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં સામેલ થવા પહોંચ્યા
રતલામ
ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની જીભ લપસી ગઈ હતી. તેમણે એક વિવાદિત નિવેદન આપ્યું. તેમણે મધ્યપ્રદેશના રતલામમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે જે પણ ભારત માતાની જય બોલશે તે અમારો ભાઈ છે. અમે તેના માટે જીવ પણ આપી શકીએ છીએ પણ જે ભારત માતા વિરુદ્ધ બોલશે અમે તેનો જીવ પણ લેવામાં પીછેહઠ નહીં કરીએ.
તેમણે જાહેરમાં ધમકીભર્યા સ્વરોમાં કહ્યું કે જે પણ ભારત માતા વિરુદ્ધ બોલશે તેનો જીવ લેવામાં અમે જરાય નહીં ખચકાઈએ. વિજયવર્ગીએ રતલામની મુલાકાત વખતે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે આ અમારો સંકલ્પ છે અને ભાજપ પણ એટલા માટે જ છે.
કૈલાશ વિજયવર્ગીય ચાલુ વર્ષના અંતે મધ્યપ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે રતલામ ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં સામેલ થવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે જે લોકો ભગવાન રામને કાલ્પનિક માને છે તે જાન્યુઆરીમાં અયોધ્યા આવે. તેમના પાપ ધોવાઈ જશે. ભાજપ નેતાએ કોંગ્રેસ સામે નિશાન તાકતાં કહ્યું કે જ્યારે અમે નારો લગાવતા હતા કે રામલલા હમ આએગેં, મંદિર વહી બનાએંગે તો કોંગ્રેસ નેતા કહેતા હતા કે તારીખ બતાવતા નથી. આજે અયોધ્યામાં ભવ્ય રામમંદિર તૈયાર થઈ રહ્યું છે.