પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જાતે જ સુઓ મોટો હાથ ધરી હતી અને પછી આ ચુકાદો આપતાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી
નૂહ
હરિયાણાના નૂહ, મેવાત સહિત વિવિધ વિસ્તારોમાં ભડકેલી હિંસા બાદ હરિયાણા સરકારે કડકાઈ કરતાં બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી હતી. સતત ચારથી પાંચ દિવસ સુધી હરિયાણા સરકારે બુલડોઝરની કાર્યવાહી કરતાં રમખાણોમાં સામેલ લોકોના મકાનો, દુકાનો, હોટેલો તોડી પાડ્યા હતા.જોકે હવે આ મામલે ખુદ પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવી રહેલી બુલડોઝરની કાર્યવાહીને કારણે રમખાણકારોની સંપત્તિઓની નિશાન બનાવવામાં આવી રહી હતી. આ મામલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જાતે જ સુઓ મોટો હાથ ધરી હતી અને પછી આ ચુકાદો આપતાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી હતી.
નૂહમાં છેલ્લા ચાર દિવસથી ડિમોલિશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન 753 થી વધુ મકાનો, દુકાનો, શોરૂમ, ઝૂંપડપટ્ટી અને હોટલ તોડી પાડવામાં આવી છે. તેમને ગેરકાયદે ગણાવતા પ્રશાસને કહ્યું કે, તેમનામાં રહેતા લોકો 31 જુલાઈની હિંસામાં સામેલ હતા. નૂહમાં અત્યાર સુધીમાં પ્રશાસને 37 જગ્યાએ કાર્યવાહી કરી છે અને 57.5 એકર જમીન ખાલી કરાવી છે. જેમાંથી 162 કાયમી અને 591 હંગામી બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. નૂહ શહેર ઉપરાંત પુનાના, નગીના, ફિરોઝપુર ઝિરકા અને પિંગણવા જેવા વિસ્તારોમાં પણ અતિક્રમણ દૂર કરવામાં આવ્યા હતા. ગઈકાલે પ્રશાસને 3 માળની સહારા હોટેલને પણ તોડી પાડી હતી જ્યાંથી હિંસાના દિવસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રનું કહેવું છે કે હોટલ માલિકને આ વાતની પહેલેથી જ જાણ હતી, પરંતુ તેણે તોફાનીઓને રોક્યા ન હતા.
નૂહમાં હિંસા બાદ કર્ફ્યુમાં છૂટછાટ આપવામાં આવી છે. ગઈકાલે વહીવટીતંત્રે સરકારી ઓફિસો, બેંક-એટીએમ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે બેંકો અને એટીએમ સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલશે. કર્ફ્યુમાં છૂટછાટનો સમય હવે બદલીને સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. પ્રશાસનનું કહેવું છે કે લોકો ઓળખ કાર્ડ બતાવીને સરકારી ઓફિસ કે બેંક-એટીએમ જઈ શકે છે. નૂહમાં 8 ઓગસ્ટની મધ્યરાત્રિ સુધી ઈન્ટરનેટ બંધ રહેશે.