ટી20માં સૌથી વધુ વિકેટ લેનાર હાર્દિક ત્રીજો ભારતીય બોલર

Spread the love

હાર્દિક પંડ્યાએ આ મામલે રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો

બાર્બાડોસ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટી20 સિરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાનું બોલ અને બેટ બંને સાથે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચમાં હાર્દિકે 18 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે 3 વિકેટ પણ ઝડપી હતી. બોલિંગની શરૂઆત કરતા પંડ્યાએ પહેલી જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.

હાર્દિકે ઇનિંગ્સના પહેલા જ બોલ પર વેસ્ટ ઈન્ડિઝ ટીમના ઓપનિંગ બેટ્સમેન બ્રેન્ડન કિંગને પેવેલિયન ભેગો કર્યો હતો. આ પછી ઓવરના ચોથા બોલ પર હાર્દિકે જોન્સન ચાર્લ્સને તિલક વર્માના હાથે કેચ આઉટ કરાવીને વિન્ડીઝ ટીમને બીજો ઝટકો આપ્યો હતો. આ મેચમાં 3 વિકેટ મેળવવાની સાથે હાર્દિકે એક મોટી સિદ્ધિ પણ હાંસલ કરી લીધી છે. હવે તે ભારતીય ટીમ તરફથી ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બની ગયો છે.

હાર્દિક પંડ્યાએ આ મામલે રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો છે, જેના નામે 72 વિકેટ છે. હાર્દિકે 89 મેચમાં 73 વિકેટ ઝડપી છે. આ સાથે જ હાર્દિક ઈનિંગના પ્રથમ બોલ પર વિકેટ લેનારો ભુવનેશ્વર કુમાર બાદ ભારત તરફથી બીજો બોલર બની ગયો છે. ભુવનેશ્વરે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3 વખત આ કારનામું કર્યું છે.

હાર્દિક પંડ્યાએ ટી20 ફોર્મેટમાં એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે, જેમાં તે 4000 રન પૂરા કરવાની સાથે 150 વિકેટ લેનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. બીજી ટી20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે આ લક્ષને 18.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *