2011ના વર્લ્ડકપ જેવું થાય અને સ્ટેડિયમમાં હાજર 50થી 60 હજાર દર્શકો એક જ જગ્યાએ ગીત ગાશે તો 2023માં તેનું પુનરાવર્તન થઈ શકે છે
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. વર્લ્ડ કપની આ મેચ બધાને સારી રીતે યાદ છે. શ્રીલંકાએ આપેલા 275 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 48.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ધોનીએ મારેલી વિનિંગ સિક્સે બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આજ સુધી ભારતીય ચાહકો એ સિક્સરને ભૂલી શક્યા નથી. હાલમાં જ ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝી દ્વારા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તે 2011 વર્લ્ડ કપની પોતાની ખાસ પળ વિશે જણાવી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં ધોનીએ જણાવ્યું હતું કે 2011 વર્લ્ડ કપની ફાઈનલ મેચ સમાપ્ત થવાના 10થી 15 મિનિટ પહેલા તે ભાવુક થઈ ગયો હતો. ધોનીએ કહ્યું કે ફાઈનલ દરમિયાન સૌથી સારી ક્ષણ મેચ પૂરી થવા પહેલાની હતી. જ્યારે ટીમને વધારે રનની જરૂર નહોતી, કારણ કે શાનદાર ભાગીદારી ચાલી રહી હતી. તે સમયે મેદાન પર ઘણું ઝાકળ પડ્યું હતું અને રનનો વરસાદ પડી રહ્યો હતો.
વર્લ્ડ કપ 2011ની ફાઈનલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો વંદે માતરમ ગાવા લાગ્યા હતા. હું તે ક્ષણને અનુભવી શકતો હતો અને વર્લ્ડ કપ 2023માં તેને ફરીથી અનુભવવો મુશ્કેલ છે. જો બધું 2011ના વર્લ્ડકપ જેવું થાય અને સ્ટેડિયમમાં હાજર 50થી 60 હજાર દર્શકો એક જ જગ્યાએ ગીત ગાશે તો તેનું પુનરાવર્તન થઈ શકે છે.
ધોનીએ વધુમાં જણાવ્યું કે મેચ પુરી થતા પહેલા તે ભાવુક થઈ ગયો હતો. તે ચાહકોને જીતની ભેટ આપવા માંગતો હતો. તેને ખાતરી હતી કે અહીંથી તેની મેચ હારવી મુશ્કેલ છે. ધોનીએ કહ્યું કે જ્યારે મેં મેચ પૂરી કરી ત્યારે મને એક અલગ પ્રકારનો સંતોષ મળ્યો અને મને લાગ્યું કે મારો ઉદ્દેશ્ય પૂર્ણ થઇ ગયો.