રાજધાની નિયામેમાં રાષ્ટ્રપતિ બજૌમના પત્ની તેમજ પુત્રને પણ નજર કેદ રાખવામાં આવ્યા, વીજળી અને પાણીના જોડાણો પણ કાપી નાંખવામાં આવ્યા
નિયામે
આફ્રિકન દેશ નાઈજરમાં 26 જુલાઈએ સેનાએ તખ્તા પલટ કર્યા બાદ હવે રાષ્ટ્રપતિ મહોમ્મદ બજૌમને બંદી બનાવીને રાખવામાં આવ્યા છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે, રાષ્ટ્રપતિ પર સેના દ્વારા ક્રુરતા આચરવામાં આવી રહી છે. તેમનુ ખાવા પીવાનુ પણ આપવામાં આવી રહ્યુ નથી.
રાજધાની નિયામેમાં રાષ્ટ્રપતિ બજૌમના પત્ની તેમજ પુત્રને પણ નજર કેદ રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ બજૌમની નિકટના લોકોનુ કહેવુ છે કે, તેમની પાસે ખાવા પીવાની વસ્તુઓ ખૂટી ગઈ છે. વીજળી અને પાણીના જોડાણો પણ કાપી નાંખવામાં આવ્યા છે. નજર કેદમાં રાષ્ટ્રપતિ બજૌમ તથા તેમના પરિવાર પર જુલ્મ થઈ રહ્યા છે.
સેનાનુ કહેવુ છે કે, પદભ્રષ્ટ કરાયેલા રાષ્ટ્રપતિ બજૌમ પર રાજદ્રોહનો કેસ ચાલશે. તેમને દોષી ઠેરવવામાં આવ્યા તો મોતની સજા પણ થઈ શકે છે. તેમની સામે ઘણા પૂરાવા મળ્યા છે. જે બતાવી રહ્યા છે કે, રાષ્ટ્રપતિ બજૌમ દેશ સાથે ગદ્દારી કરી છે.
સેનાએ તખ્તા પલટ કર્યા બાદ દેશમાં સ્થિતિ તનાવપૂર્ણ છે. જોકે સેનાના પ્રવક્તા કર્નલ અમાદો અબ્દ્રમાનેએ ક્હ્યુ હતુ કે, જે અધિકારીઓને કેદ કરવામાં આવ્યા છે તેમની સાથે માનવીય વ્યવહાર થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ બજૌમને તબીબી સુવિધાઓ પણ અપાઈ રહી છે.
જોકે તખ્તા પલટ બાદ આફ્રિકન દેશોનુ ટેન્શન વધી ગયુ છે. તેમણે નાઈજરમાં ફરી લોકશાહી સ્થાપવા માટે સેના મોકલવાની પણ તૈયારી બતાવી છે. આફ્રિકન દેશોએ રાષ્ટ્રપતિ બજૌમને સત્તા સોંપવા માટે નાઈજરની સેનાના જનરલને ચીમકી આપી હતી પણ તેની કોઈ અસર થઈ નથી. ઉલટાનુ નાઈજરની સેનાએ ધમકી આપી છે કે, અન્ય દેશોના એક પણ સૈનિકે દેશમાં પગ મુકયો તો તેને મારી નાંખવામાં આવશે.
નાઈજરના મુદ્દે અમેરિકા અને રશિયા પણ આમને સામને છે. રશિયા નાઈજરમાં તખ્તા પલટ કરનાર જનરલને સમર્થન આપી રહ્યુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.