ટ્રેવિસ કિંગ પાંચ વર્ષમાં ઉત્તર કોરિયામાં નજરકેદ થનાર પ્રથમ અમેરિકન નાગરિક
પ્યોંગયાંગ
હાલના દિવસોમાં એક અમેરિકન સૈનિક ઉત્તર કોરિયા પહોંચી ગયો છે. આ જાણકારી ઉત્તર કોરિયાએ જ આપી છે. ટ્રેવિસ કિંગ નામના આ સૈનિક અંગે ઉત્તર કોરિયાએ કહ્યું કે તે ગયા મહિને ગેરકાયદેસર રીતે તે તેમના દેશમાં પ્રવેશ્યો હતો. ઉત્તર કોરિયાએ તો ત્યાં સુધી કહ્યું કે કિંગ અમેરિકન સમાજમાં થઈ રહેલા ભેદભાવથી પરેશાન હતો, જેના કારણે તે સરહદ પાર કરીને ઉ.કોરિયામાં આવ્યો હતો.
જો કે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે વિશ્વમાં ‘નરક’ ગણાતા ઉત્તર કોરિયામાં પ્રવેશવા પાછળ ટ્રેવિસ કિંગનો હેતુ શું હતો? અમેરિકન સૈનિક 18 જુલાઈના રોજ કોરિયાના સરહદી ગામની મુલાકાત લેવા ગયો હતો. આ દરમિયાન તે સરહદ પાર કરીને ઉત્તર કોરિયામાં પ્રવેશ્યો હતો. હાલમાં તે ઉત્તર કોરિયાની કસ્ટડીમાં છે. ટ્રેવિસ કિંગ પાંચ વર્ષમાં ઉત્તર કોરિયામાં નજરકેદ થનાર પ્રથમ અમેરિકન નાગરિક છે.
ઉત્તર કોરિયાની સત્તાવાર એજન્સી કેસીએનએનું કહેવું છે કે અમેરિકન સૈનિક ટ્રેવિસ કિંગની પૂછપરછ કરવામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે તે અમેરિકી સેનામાં તે અમાનવીય દુર્વ્યવહાર અને વંશીય ભેદભાવથી પરેશાન થઈ ગયો હતો. આ કારણે તેણે ઉત્તર કોરિયામાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો. કિંગ ઉત્તર કોરિયા અથવા કોઈ ત્રીજા દેશમાં શરણ લેવા માંગે છે. અમેરિકન સમાજની અસમાનતાથી તે ખૂબ જ દુઃખી છે.
અહેવાલ મુજબ, કેસીએનએએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે હાલમાં ટ્રેવિસ કિંગને કોરિયન પીપલ્સ આર્મીની દેખરેખમાં છે. આ મામલાની તપાસ પણ ચાલી રહી છે. ખરેખર, કેસીએનએ ઉત્તર કોરિયાની તાનાશાહી સરકારનો પ્રચાર કરે છે. સામાન્ય રીતે તે સરકારના એજન્ડા હેઠળ અમેરિકા સંબંધિત સમાચાર પ્રકાશિત કરે છે. તેથી જ તેના શબ્દો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
અમેરિકી સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અમે કિંગના નિવેદનોની પુષ્ટી કરી શક્યા નથી.અત્યારે અમેરિકી સૈનિકને ઉત્તર કોરિયામાંથી સુરક્ષિત બહાર લાવવા પર ફોકસ છે. પેન્ટાગોનના પ્રવક્તાએ કહ્યું કે સરકાર કિંગને ઘરે લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.