રાજ્યમાં ગરમાવો, કોંગ્રેસ-ભાજપમાં ટિકિટની ખેંચતાણ

Spread the love

ભાજપ માટે રાજકોટ, સાબરકાંઠાની બેઠક માથાનો દુખાવો, કોંગ્રેસમાં વણથંભ્યા રાજીનામાના દોરથી ચિંતા

ગાંધીનગર

લોકસભા 2024ની ચૂંટણીના પહેલા તબક્કાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં રાજકીય વિવાદથી ગરમાવો આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટને લઈને આંતરિક ડખા ચાલી રહ્યા છે. ભાજપમાં તો બે બેઠક પર ઉમેદવારોને બદલ્યા છતાં સ્થિતિ ઠેરના ઠેર જ છે. સાબરકાંઠા-વડોદરમાં ભાજપના કાર્યકરોનો નારાજ છે, તો રાજકોટ બેઠકના ભાજપના ઉમેવદવારના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષમાં પણ ટિકિટને લઈને ખેંચતાણ ચાલી રહી છે અને પાર્ટીમાં નારાજગી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોતાની જ પાર્ટીના નેતાઓને ચીમકી આપી છે.

કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ શુક્રવારે ગોંડલના શેમળા ગામે ક્ષત્રિય સમાજના સંમેલનમાં કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો અને વિવિધ હોદ્દેદારો તેમજ સંગઠનોના આગોવાનો હાજર હતા ત્યાં જાહેર મંચ પરથી હાથ જોડી માફી માગીને ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંમેલન પુરુ થઈ ગયા બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સર્વસંમતિથી સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું.પરંતુ હવે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા આ મામલો ફરી વકર્યો છે. રાજ શેખાવતે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી. આ ઉપરાંત રાજ શેખાવતે ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદનની આગ પણ ઠરી રહી નથી. માત્ર રાજકોટમાં નહીં પણ સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા અને રાજ્યભરમાં રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવા માટે ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદો થઈ રહી છે તે રાજકોટમાં કોર્ટ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

વડોદરા લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં પક્ષના આંતરિક જૂથબંધીનો અંત આવી રહ્યો નથી. અહીં ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને બદલીને ડો. હેમાંગ જોશીને ટિકિટ આપી છે. પરંતુ તેમની સામે પણ સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા થયા છે. ત્યારે સાવલીના ધારાસભ્યના ટેકેદારોના ગ્રૂપમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા લોકસભાના ઉમેદવાર ડો. હેમાંગ જોશી વિરુદ્ધ મેસેજો ફરતા થતા ઉમેદવાર જાતે જ ધારાસભ્ય સાથે મુલાકાત કરી તેમનો સાથ સહકાર માગ્યો હતો. તો ડો. હેમાંગ જોશી સામે વોર્ડ નંબર પાંચના યુવા મોરચાના કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહે રોષ ઠાલવ્યો છે. તેમણે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના લાઈવ સ્ટ્રીમિંગમાં પ્રિતેશ શાહે કોમેન્ટ કરીને રોષ ઠાલવ્યો હતો. તેમણે કોમેન્ટ કરી કે, ‘વડોદરા નારી શક્તિનું અપમાન, ટિકિટ આપી પાછી લીધી. જેને આપી એને શું કર્યું પાર્ટી માટે, કાર્યકર્તા આખી જિંદગી ઘસાય અને બીજા આવી તૈયાર થાળીએ બેસી જાય.’ આવી કોમેન્ટને લઈને રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

સાબરકાંઠા બેઠક પર ભાજપને વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પર પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જો કે તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા ભાજપે નવા ઉમેદવાર જાહેર કર્યા છે. હવે અહીંથી ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે, પરંતુ તેમની સામે ભીખાજી ઠાકોરના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ બેઠક ચાલી રહેવા વિવાદને શાંત પાડવા માટે પ્રદેશ ભાજપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હિંમતનગર દોડાવ્યા હતા. મંત્રીએ લોકસભા બેઠક હેઠળ આવતા સાત ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના પક્ષના સભ્યો અને સંગઠનના હોદેદારો સાથે પાંચ કલાકની મેરેથોન બેઠક કરી હતી. એવા સંકેત મળી રહ્યા છે કે અહીં ફરી ઉમેદવાર બદલાય! 

ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા બેઠક પર મહિલાને ટિકિટ આપતા ભીખાજીનાં સમર્થકો દ્વારા રાજીનામાં આપી દીધા હતા. અગાઉ આ મામલે ભીખાજી ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ‘હું પાર્ટીની સાથે જ છું અને પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય છે. જે કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તે જો મારા સમર્થકો હશે તો હું તેમને ચોક્કસ સમજાવીશ કે વિરોધ પ્રદર્શન ન કરે.’

ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષ છોડવાની હોડ લાગી છે. અનેક મોટા નેતાઓ રાજીનામાં આપી દીધા છે અને લોકસભા માટે નવા ઉમેદવારો મળતા નથી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી. પરંતુ તેમણે પિતા રાજકુમાર ગુપ્તાએ તબીયત નાદુરસ્ત હોવાનું કારણ જણાવીને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તો શુક્રવારે પ્રદેશ સંગઠનના મહામંત્રી બને બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સૌથી મજબૂત ટેકેદાર ડી. ડી. રાજપૂતે રાજીનામું આપી દીધું હતું. હવે ગેનીબેન માટે સ્થિતિ નબળી પડી હોવાનું જાણકારો જણાવે છે.

અમરેલીમાં કાર્યકરોને સભા દરમિયાન કોંગ્રેસ છોડી જનાર કાર્યકરને ટકોર કરતા કોંગ્રેસનાં નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ છોડી જનારા હવે પરત લેવાના નથી. અમરેલીએ જ્યારે કરવટ બદલી ત્યારે ગુજરાતે સમર્થન આપ્યું છે. 2004ની ચૂંટણીનું પુનરાવર્તન થવાનું છે. આ ચૂંટણી ઉમેદવાર નહીં કાર્યકર લડી રહ્યો છે.

અમરેલીમાં પણ ભાજપની મુશ્કેલી વધતી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના વિરોધમાં અહીં પોસ્ટર લાગ્યાં છે. ધારીના દેવળા ગામે પોસ્ટર લાગ્યાં છે. અહીંના ઉમેદવાર ભરત સુતરિયાને બદવાના પોસ્ટર લાગ્યા હતા. જો કે, આ પોસ્ટર કોણે લગાવ્યા તે તપાસનો વિષય છે.

લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે. ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થશે. ચોથા તબક્કાનું મતદાન 13મી મેના રોજ થશે. 20મી મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના રોજ થશે. સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ 26 લોકસભા બેઠક અને પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ચોથી જૂને પરિણામ જાહેર થશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *