પંચ તરફથી યુસુફને સૂચના અપાઈ કે તે ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રીય ટીમની તસવીરનો ઉપયોગ કરી શકશે નહીં

કોલકાતા
ચૂંટણી પંચે બહરમપુરથી તૃણમૂલ કોંગ્રેસ ઉમેદવાર પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને ચૂંટણી પ્રચારમાં ભારતીય ક્રિકેટ ટીમની કોઈ પણ તસવીર કે વીડિયોનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. તેના વિરુદ્ધ કોંગ્રેસે પંચને ફરિયાદ કરી હતી, જેની પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
શુક્રવારે પંચ તરફથી યુસુફને લેખિત રીતે સૂચના આપવામાં આવી કે તે ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રીય ટીમની તસવીરનો ઉપયોગ કરી શકે નહીં. પ્રચાર કાર્યમાં પહેલેથી ઉપયોગ કરાઈ ચૂકેલી તસવીરોને પણ તાત્કાલિક હટાવી દેવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે ભારતે 2011માં જ્યારે 50 ઓવરનો ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે યુસુફ ટીમનો સભ્ય હતો. તેણે પોતાના ચૂંટણી પ્રચારમાં વર્લ્ડ કપ જીતવાની ક્ષણ અને પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર સાથેની તસવીરનો ઉપયોગ કર્યો. વિપક્ષે તેને ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યુ હતું.
આ વિશે યુસુફે કહ્યું, – મને ભારત માટે રમવા બદલ ગર્વ છે. જો ગૌરવના આ ક્ષણને ઉજાગર કરવામાં આવે તો મને નથી લાગતુ કે તેમાં કોઈ અન્યાય છે. ઉલ્લેખનીય છે કે બહરમપુરમાં 13 મે એ મતદાન થશે.