મુંબઈ
વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બનવા માટે ભારતની સફરને આઈઆઈટી બોમ્બે ખાતે સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (એસઆઈએનઈ) જેવા ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર્સના પ્રયાસોથી નોંધપાત્ર વેગ મળતો રહ્યો છે.
તેની 20મી વર્ષગાંઠ ઉજવવા માટે એસઆઈએનઈ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (ડીએસટી)ના ટેક્નોલોજી ટ્રાન્સલેશન એન્ડ ઇનોવેશન ડિવિઝનના વડા શ્રી પ્રવીણ રોયે જણાવ્યું હતું કે એસઆઈએનઈ જેવા ઇનોવેટિવ ઇનોવેટર્સે વાઇબ્રન્ટ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે સરકારી નીતિઓને માર્ગદર્શન આપ્યું છે.
ઇનોવેશન નેશનઃ ડિસ્રપ્ટિવ ટેક્નોલોજીસના યુગમાં ભારતની પ્રતિભા અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાનો લાભ લેવો શીર્ષક હેઠળની સમિટમાં ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ સમર્થિત ઇન્ક્યુબેટર્સની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઇન્ક્યુબેટર્સ જે મહત્વની ભૂમિકા ભજવે છે તેના પર ભાર મૂકતા ડીએસટીના સેક્રેટરી પ્રો. અભય કરાંડિકરે જણાવ્યું હતું કે ઉદ્યોગસાહસિકો અને ટેક આધારિત ઇન્ક્યુબેટર્સ માટે કેન્દ્ર સરકારે એસઆઈએનઈ જેવી સક્ષમ ઇકોસિસ્ટમ ઊભી કરી છે તે ભારતમાં મજબૂત ટેક ઇકોસિસ્ટમનું જતન કરવા માટે ચાવીરૂપ રહી છે.
આ ઇકોસિસ્ટમ ખૂબ મહત્વની છે કારણ કે રોકેલી મૂડી પર વળતર આપવાનું શરૂ કરવા માટે ડીપ ટેક સ્ટાર્ટ-અપ્સને લગભગ 14 વર્ષ જેટલો સમય લાગતો હોય છે. જોકે તેની ભરપાઈ મોટાભાગે વળતરના આશરે 5 ટકા જેટલા ઊંચા આંતરિક દર દ્વારા થતી હોય છે જે આ ક્ષેત્રમાં રોકાણ કરવાવાળા ફંડ્સ બીજાની સરખામણીએ મેળવવાની અપેક્ષા રાખતા હોય છે. ઓપન સાયન્સ સ્ટેકના સ્ટાર્ટ-અપ એડવાઇઝર ડો. અજય સેઠીએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં એક સ્ટાર્ટ-અપને પ્રોટોટાઇપ બનાવવામાં મદદ કરવા જેને તેઓ બજારમાં લઈ જઈ શકે અને આત્મનિર્ભર બનવા માટે પોતાનો પહેલો ઓર્ડર મેળવી શકે તે માટે રેવન્યુ કેપિટલ ઉપલબ્ધ નહોતી. આજે તેને મેળવવા માટેની સરળતા હોવા છતાં તેમાં નોંધપાત્ર સુધારાની જરૂર છે.
ડીપ ટેક સ્ટાર્ટ-અપને વધુ વેગ આપવા માટે એસઆઈએનઈએ તેના પ્રોજેક્ટ ટાઇટેનિયમ પહેલ હેઠળ પ્રત્યેક રૂ. 50 લાખની ગ્રાન્ટ મેળવનાર પહેલા બે લાભાર્થીઓને પસંદ કર્યા છે. આઈઆઈટી બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટ એ કંપનીઓ પસંદ કરવાની સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયાને અનુસરે છે જે અગ્રણી એન્જિનિયરિંગ કોલેજોની લેબ્સમાં શોધાયેલી ટેક્નોલોજીને લાભદાયક વેન્ચરના રૂપમાં લેવા તથા તેનું કોમર્શિયલાઇઝેશન કરવામાં સૌથી વધુ આશા દર્શાવે છે. આ સૌપ્રથમ પ્રોજેક્ટ ટાઇટેનિયમ એવોર્ડ મેળવનારાઓમાં Rheohemeનો સમાવેશ થાય છે જે નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે એનેમિયા, સિકલ સેલ રોગો, મેલેરિયા અને સંપૂર્ણ બ્લડ કાઉન્ટ માટે ઓછા ખર્ચનું અને ઓછું મેઇન્ટેનન્સ ઇચ્છતું ડાયગ્નોસ્ટિક પ્લેટફોર્મ વિકસાવી રહી છે. અન્ય એવોર્ડ મેળવનારાઓમાં ફેરી લાઇફસાયન્સિસનો સમાવેશ થાય છે જે દર બેમાંથી એક ભારતીય મહિલાને નડતી સ્થિતિ તથા વિશ્વભરમાં સૌથી સામાન્ય પોષણની અછતના નિદાન તથા સારવાર કરે તેવી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ક્ષમતાઓ સાથે નોવેલ માઇક્રોફ્લુઇડિક્સ ડિવાઇસ વિકસાવી રહી છે.
આ ઉપરાંત, આઈઆઈટી બોમ્બેએ જાહેર કર્યું છે કે તેની ઇન્સ્ટિટ્યૂશન ઓફ એમીનન્સ સ્કીમ હેઠળ તેણે એસઆઈએનઈ દ્વારા ઇન્ક્યુબેશન સપોર્ટ અને પ્રત્યેક રૂ. 1 કરોડના રોકાણો માટે 160 એપ્લિકેશન્સ મેળવી છે. વર્ષ 2024માં આઈઆઈટી બોમ્બેએ ચાર કંપનીઓ પસંદ કરી છે જેની સ્થાપક ટીમો અગાઉ કર્મચારી, વિદ્યાર્થી કે આ સ્કીમ હેઠળના ભૂતપૂર્વ કે હાલના ફેકલ્ટી મેમ્બર તરીકે આઈઆઈટી બોમ્બે સાથે જોડાયેલા છે.
1) સચોટતા, કાર્યક્ષમતા અને લાઇફસાઇકલ મેનેજમેન્ટને વધારવા માટે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત મોડેલિંગ સાથે કન્સ્ટ્રક્શનમાં ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરનારા એક્સપોનેન્શિયલિસ્ટ્સ.
2) પર્યાવરણની અસર ઘટાડવા માટે કેમિકલ અને થર્મલ રિક્લેમેશનનો ઉપયોગ કરતી ફાઉન્ડ્રીમાં વપરાતી માટીને રિસાઇકલ કરવા માટે સોલ્યુશન વિકસાવી રહેલી ડેક્કન ક્રેસ્ટ એન્જિનિયરિંગ
3) ગેલિયમ નાઇટ્રાઇડ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા સેમીકંડક્ટર્સ વિકસાવી રહેલી મેટવેવ ટેક્નોલોજીસ
4) વિવિધ પ્લેટફોર્મ્સ પર નેક્સ્ટ જનરેશન ગ્લોબલ નેવિગેશન રેડિયો ફ્રિકવન્સી રિસિવર ચીપ બનાવી રહેલી આઈમુંબઈ સેમીકંડક્ટર્સ
પ્રો. કરંદીકરે ભારતના સ્ટાર્ટ-અપ ક્ષેત્રને આકાર આપવામાં એસઆઈએનઈના નેતૃત્વમાં વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. “અમે અપેક્ષા રાખીએ છીએ કે એક શ્રેષ્ઠ ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર તરીકે એસઆઈએનઈ શિક્ષણ આધારિત સ્ટાર્ટ-અપ્સ માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવા માટે અન્ય લોકોને માર્ગદર્શન આપશે” એમ તેમણે ઉમેર્યું હતું.
માસ્ટેકના સ્થાપક અને એસાઈએનઈના બોર્ડ ઓફ ગવર્નર્સમાં સેવા આપતા સૌથી જૂના સભ્યો પૈકીના એક અશાંક દેસાઈએ એસઆઈએનઈની અનન્ય સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. “એસઆઈએનઈએ પ્રોફેસરો વચ્ચે એક આંત્રપ્રિન્યોરશિપ કલ્ચર ઊભું કર્યું છે અને તેના લગભગ ચોથા ભાગના સ્ટાર્ટ-અપ્સનું નેતૃત્વ આઈઆઈટી બોમ્બે ફેકલ્ટી દ્વારા કરવામાં આવે છે. અમે એક નવા એસઆઈએનઈની કલ્પના કરીએ છીએ જે ભારતને ઉદ્યોગસાહસિકતા અને ટેકનોલોજીમાં વૈશ્વિક પ્રભુત્વ તરફ દોરી જાય છે” એમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સંબોધન કરતા નેટકોર ક્લાઉડના સ્થાપક રાજેશ જૈને આશા વ્યક્ત કરી કે આઈઆઈટી બોમ્બે એ સુનિશ્ચિત કરશે કે 2030 સુધીમાં તમામ ફેકલ્ટી સભ્યો ઓછામાં ઓછા એક સ્ટાર્ટ-અપ સાથે જોડાય. ઈન્વેન્ટસ કેપિટલ પાર્ટનર્સના મેનેજિંગ ડિરેક્ટર અને જાણીતા એન્જલ ઈન્વેસ્ટર કંવલ રેઠીએ ભારતની મહત્વાકાંક્ષાના માપદંડ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે 10 મિલિયન ટેક આંત્રપ્રિન્યોર્સ બનાવવાની જરૂર છે.”
આઈઆઈટી બોમ્બેના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર રાજેશ ઝેલે સ્ટાર્ટ-અપ્સની આસપાસના ખ્યાલમાં પરિવર્તન પર રમૂજી રીતે જણાવ્યું હતું કે “અગાઉ, સ્ટાર્ટ-અપમાં કામ કરતા આઈઆઈટી બોમ્બેના સ્નાતક માટે લગ્નના સારા માંગા આવતા નહોતા. આજે એવું રહ્યું નથી.”
સફળતાના ગુપ્ત મંત્રોઃ
સમિટમાં સ્ટાર્ટ-અપ પડકારો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આઈઆઈટી બોમ્બેના ડિરેક્ટર અને એસઆઈએનઈ બોર્ડના ચેરમેન પ્રોફેસર શિરીષ કેદારેએ જણાવ્યું હતું કે “સ્ટાર્ટ-અપ્સ માટે બજારમાં ક્યારે પ્રવેશવું અને ક્યારે નીકળવું એ સફળતા માટે ખૂબ જરૂરી છે. આઇડિયા તો એક ઝબકારો જ છે. ઉદ્યોગસાહસિકતાના સ્વપ્નને સાકાર કરવા માટે અથાક પ્રયત્નો કરવા જરૂરી છે. એસઆઈએનઈ દ્વારા આયોજિત ઇનોવેશન નેશન સેમિનારમાં ગ્રાસિમના પલ્બ અને ફાઇબર બિઝનેસના સ્ટ્રેટેજી હેડ રાકેશ પુંદિરે જણાવ્યું હતું કે ઉદ્યોગસાહસિક તરીકે સફળ થવા માટે સ્થાપકોએ ઝડપી અને કેન્દ્રિત શિક્ષણમાં ધ્યાન આપવું જરૂરી છે.”
સેફ સિક્યોરિટીઝના સીઈઓ સાકેત મોદીએ સફળ ફાઉન્ડર સીઈઓના પાંચ લક્ષણો વર્ણવ્યા હતાઃ
1) મોટા સ્વપ્નો જુઓ અને તમારી કંપની માટેનું વિઝન નક્કી કરો
2) તમારા બજારને ગહનપણે સમજવા માટે તમારા આદર્શ ગ્રાહકો સાથે તબક્કાવાર સમય ગાળો
3) તમે જ્યારે કર્મચારીઓને નોકરીએ રાખો, જાળવો અને સમયાંતરે તેમના સ્થાને નવા કર્મચારી લો ત્યારે ન્યાયી રહો અને તેમની સાથે રમત ન રમશો
4) તમારી કંપનીના કલ્ચરને બનાવો અને આગળ વધારો તથા
5) આંતરિક અને બાહ્ય સ્તરે તમારી કંપનીના ચીફ કમ્યૂનિકેટર બનો
સમિટે નવીનતા અને ભારતના ભવિષ્ય વચ્ચેની નિર્ણાયક કડી પર ભાર મૂક્યો હતો. પ્રો. કેદારે ઉમેર્યું હતું કે, “આંત્રપ્રિન્યોરશીપ એ આબોહવા પરિવર્તન સાથે ઝઝૂમી રહેલી દુનિયામાં આવતીકાલની આશા છે.”
20 વર્ષની ઉત્કૃષ્ટતાની ઉજવણી કરીને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને સંબોધતા, એસઆઈએનઈ ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાને વિસ્તારવા અને વૈશ્વિક પ્રભાવને આગળ ધપાવતા સ્ટાર્ટ-અપ્સને પોષવા માટે પ્રતિબદ્ધ છે. ભારતની સંભવતઃ સૌથી વિખ્યાત ડ્રોન ઉત્પાદક આઇડિયાફોર્જના સીઇઓ અંકિત મહેતાએ જણાવ્યું હતું કે, “હું એસઆઈએનઈ દ્વારા આકર્ષિત થતી કંપનીઓ વિશે ખૂબ જ ઉત્સાહિત છું”.
એસઆઈએનઈ એ છેલ્લા 20 વર્ષોમાં 80 ટકાથી વધુના સર્વાઇવલ રેટ સાથે 245 સ્ટાર્ટ-અપ્સને સમર્થન આપ્યું છે. વૃદ્ધિના પ્રારંભિક તબક્કામાં સ્ટાર્ટઅપ્સમાં નીચા સર્વાઇવબિલિટી રેટ (20 ટકા)ને ધ્યાનમાં લેતા આ એક નોંધપાત્ર સિદ્ધિ છે. એસઆઈએનઈના ભાવિ કેન્દ્રિત ક્ષેત્રો આઈઆઈટી બોમ્બેની મોટી સંખ્યામાં પરિવર્તનકારી, ઉચ્ચ-પ્રભાવિત ટેક્નોલોજી ઇનોવેશન્સને સમર્થન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે જે ભારતની પ્રગતિ અને આત્મનિર્ભરતાને આગળ ધપાવી શકે છે અને ‘ઇનોવેશન નેશન’ તરીકે ભારતમાં યોગદાન આપી શકે છે.