આયુષ્માન ભારત યોજનાના ક્લેઇમ સબમિશનમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં પ્રથમ

Spread the love

‘સ્કેન એન્ડ શેર’ ડિજિટલ રજિસ્ટ્રેશનમાં રાજ્યમાં બીજું સ્થાન; અમદાવાદ સિવિલ હોસ્પિટલને બે રાજ્યકક્ષાના એવોર્ડથી સન્માનિત કરાઈ

અમદાવાદ:

આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને ડિજિટલ હેલ્થ સુવિધાઓના અમલીકરણમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે રાજ્યસ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY-MA) હેઠળ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ક્લેઇમ સબમિશન કરવા બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલને રાજ્યમાં પ્રથમ ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જ્યારે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) અંતર્ગત દર્દીઓના ડિજિટલ રજિસ્ટ્રેશન માટેની ‘સ્કેન એન્ડ શેર’ સુવિધાના મહત્તમ ઉપયોગ બદલ હોસ્પિટલને રાજ્યમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. આ બંને સિદ્ધિઓ બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલને બે રાજ્યકક્ષાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે.

ગુજરાત સરકારની સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા ગાંધીનગર ખાતે ‘સ્ટેટ લેવલ એવોર્ડ સેરેમની એન્ડ બાયલેટરલ લર્નિંગ – AB PMJAY-MA & ABDM’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની આરોગ્ય સંસ્થાઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવા, યોજનાઓના અસરકારક અમલીકરણને વેગ આપવા અને આરોગ્ય સેવાઓમાં ગુણાત્મક સુધારો લાવવાના હેતુથી આ સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીને બંને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કમિશનર ઓફ હેલ્થ (શહેરી) તથા PM-JAY અને ABDMના CEO ડૉ. સંધ્યા ભુલ્લર, કમિશનર ઓફ હેલ્થ (ગ્રામ્ય) ડૉ. રતન કંવર ગઢવી ચારણ સહિત રાજ્યની સરકારી હોસ્પિટલો તેમજ સરકારી અને GMERS મેડિકલ કોલેજોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ક્લેઇમ સબમિશનમાં પ્રથમ સ્થાન

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાત્રતા ધરાવતા દર્દીઓને કેશલેસ સારવારનો લાભ મળી રહે તે માટે હોસ્પિટલ દ્વારા ક્લેઇમ સબમિશનની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવામાં આવી છે. દર્દીઓને યોજનાનો લાભ આપવામાં આવે તે ઉપરાંત સારવારને લગતી દાવાની પ્રક્રિયા સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે હોસ્પિટલની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ક્લેઇમ સબમિશન કરનાર હોસ્પિટલ બની છે.

ડિજિટલ રજિસ્ટ્રેશનમાં પણ નોંધપાત્ર કામગીરી

આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ અમલમાં મૂકવામાં આવેલી ‘સ્કેન એન્ડ શેર’ સુવિધા દર્દીઓ માટે OPD રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવે છે. આ સુવિધા અંતર્ગત દર્દીઓ QR કોડ સ્કેન કરીને પોતાનું ડિજિટલ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તેના કારણે લાંબી કતારોમાં રાહ જોવાનો સમય ઘટે છે અને કાગળ આધારિત પ્રક્રિયાઓમાં પણ ઘટાડો થાય છે. આ ડિજિટલ સુવિધાના મહત્તમ રજિસ્ટ્રેશનમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે સમગ્ર ગુજરાતમાં બીજું સ્થાન મેળવ્યું છે.

ટીમવર્કને અપાઈ સફળતાની શ્રેય

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોના માર્ગદર્શન અને કમિશનર ઓફ હેલ્થ (શહેરી) તથા PM-JAY અને ABDMના CEO ડૉ. સંધ્યા ભુલ્લરના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં આ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કામગીરી થઈ રહી છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં વધુમાં વધુ પાત્ર દર્દીઓને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળે તેમજ ડિજિટલ હેલ્થ સેવાઓનો વ્યાપ વધે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ બંને એવોર્ડનો શ્રેય હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, આયુષ્માન ભારત યોજના સાથે સંકળાયેલા કર્મચારીઓ, વહીવટી વિભાગ અને ડિજિટલ હેલ્થ ટીમના સંયુક્ત પ્રયાસોને આપ્યો હતો.

રાજ્યકક્ષાની સમિતિ દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ કરવામાં આવેલા મૂલ્યાંકનના આધારે શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને મેડિકલ કોલેજો, સરકારી હોસ્પિટલો અને GMERS સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય સંસ્થાઓ વચ્ચે જ્ઞાનની આપ-લે વધારવા અને દર્દીઓને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળેલા આ બંને એવોર્ડ હોસ્પિટલની વહીવટી કાર્યક્ષમતા, આરોગ્ય યોજનાઓના અમલીકરણ અને ડિજિટલ હેલ્થ સેવાઓમાં થયેલી પ્રગતિનું પ્રતિબિંબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *