બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યોનું સિંચન કરવા GCERTની રાજ્યવ્યાપી પહેલ

Spread the love

NEP-2020 અંતર્ગત ભારતીય જ્ઞાન પ્રણાલીના માધ્યમથી શાળાઓમાં મૂલ્યશિક્ષણને અપાશે પ્રોત્સાહન; 2027-28 સુધીમાં તમામ જિલ્લાઓમાં સ્થાનિક વારસો, લોકસાહિત્ય અને સંસ્કૃતિ આધારિત પૂરક શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરાશે

ગાંધીનગર:

બાળકોમાં નૈતિક મૂલ્યો, સદગુણો અને જીવનમૂલ્યોનું સિંચન કરવાની સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે ગૌરવભાવ કેળવાય તેવા હેતુથી ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ના અભિગમને અનુરૂપ ભારતીય જ્ઞાન પ્રણાલી (Indian Knowledge System – IKS)ના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર અને મૂલ્યનિષ્ઠ જીવનની સમજ આપવાનો આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે.

આ પહેલ અંતર્ગત શાળાઓમાં યોજાતા આનંદદાયી શનિવાર અને બેગલેસ ડેની પ્રવૃત્તિઓને વધુ અર્થસભર બનાવવા માટે પૂરક શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું જ્ઞાન મેળવે તેના બદલે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભારતના ઇતિહાસ, જ્ઞાન, સંસ્કૃતિ, પરંપરા, લોકજીવન અને જીવનમૂલ્યોને સમજે તે દિશામાં આયોજન કરવામાં આવ્યું છે.

દરેક જિલ્લાના સ્થાનિક વારસા અને સંસ્કૃતિને મળશે શૈક્ષણિક સામગ્રીમાં સ્થાન

GCERT દ્વારા તા. 20 નવેમ્બર, 2026ના રોજ પરિપત્ર જાહેર કરીને આ કામગીરી અંગેની વિગતવાર માર્ગદર્શિકા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો (DIET)ને મોકલવામાં આવી છે. આ કામગીરીનું સુચારુ આયોજન અને અસરકારક અમલીકરણ થાય તે માટે દરેક DIET ખાતે એક અધ્યાપકની જિલ્લા નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ રાજ્યના દરેક જિલ્લાએ પોતાની આગવી ઓળખ ધરાવતા ઐતિહાસિક વારસા, સ્થાનિક સંસ્કૃતિ, લોકસાહિત્ય, લોકકલા, મહાનુભાવો, પરંપરાઓ અને સ્થાનિક જ્ઞાનને આવરી લેતું પૂરક શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરવાનું રહેશે. આ માટે શિક્ષકો ઉપરાંત સંબંધિત વિષયોના નિષ્ણાતોનો સહયોગ પણ લેવામાં આવશે.

આમ, ગુજરાતના વિવિધ જિલ્લાઓની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિશેષતાઓને શાળાકીય શિક્ષણ સાથે જોડવામાં આવશે. પરિણામે વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારના વારસા અને પરંપરાઓ વિશે જાણવાની સાથે ભારતીય જ્ઞાન અને સંસ્કૃતિની વિવિધતાને સમજવાની તક મળશે.

આનંદદાયી શનિવાર અને બેગલેસ ડે બનશે મૂલ્યશિક્ષણનું માધ્યમ

શાળાઓમાં આનંદદાયી શનિવાર અને બેગલેસ ડે દરમિયાન યોજાતી પ્રવૃત્તિઓને આ પહેલ સાથે જોડવામાં આવશે. આ દિવસોમાં વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ, પરંપરાગત જ્ઞાન, નૈતિકતા અને જીવનમૂલ્યોનો પરિચય કરાવવામાં આવશે.

આ અભિગમથી વિદ્યાર્થીઓમાં સહકાર, શિસ્ત, જવાબદારી, સંવેદનશીલતા, સામાજિક સમજ અને સદગુણો જેવા ગુણો વિકસે તેવો પ્રયાસ કરવામાં આવશે. શિક્ષણને માત્ર પરીક્ષા અને ગુણ સુધી મર્યાદિત રાખવાને બદલે જીવનઘડતર સાથે જોડવાનો આ પહેલનો આશય છે.

વર્ષ 2027-28 સુધીમાં અમલીકરણનું આયોજન

આ સમગ્ર કામગીરી વર્ષ 2027-28 સુધીમાં પૂર્ણ કરીને તૈયાર કરવામાં આવેલા પૂરક શૈક્ષણિક સાહિત્યનું અમલીકરણ કરવાનું આયોજન છે. GCERTના શૈક્ષણિક નિયામક ડૉ. અવનીબા મોરીના માર્ગદર્શન હેઠળ આ પહેલ આગળ ધપાવવામાં આવી રહી છે.

આ કામગીરીના રાજ્યસ્તરીય સંકલન માટે ગાંધીનગરના શ્રી પુલકિતભાઈ જોશીને સ્ટેટ નોડલ ઓફિસર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

સ્ટેટ નોડલ ઓફિસર: પુલકિત જોશી, ગાંધીનગર
સંપર્ક નંબર: 9909921911

શિક્ષકો અને DIETના અધ્યાપકોને સક્રિય સહભાગી બનવા અપીલ

GCERTની આ પહેલનો મુખ્ય આશય બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા, સંસ્કાર, નૈતિક મૂલ્યો અને સદગુણોનું સિંચન કરીને મૂલ્યનિષ્ઠ તથા જવાબદાર નાગરિકોનું ઘડતર કરવાનો છે. આ અભિયાનને સફળ બનાવવા રાજ્યના તમામ શિક્ષકો અને DIETના અધ્યાપકોને સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સ્થાનિક વારસાને શિક્ષણ સાથે જોડીને નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓથી પરિચિત કરાવવાની સાથે જીવનમાં નૈતિકતા અને જવાબદારીનું મહત્ત્વ સમજાવવાનો આ પ્રયાસ રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રમાં મૂલ્યશિક્ષણને વધુ વ્યવહારુ અને પ્રવૃત્તિલક્ષી બનાવવાની દિશામાં હાથ ધરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *