બજાજ ફાઇનાન્સના CSR ફંડથી ગુજરાતની સેવાભાવી હોસ્પિટલોને 25 આધુનિક એમ્બ્યુલન્સ મળશે

Spread the love

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે સુરતથી પ્રથમ તબક્કામાં પાંચ એમ્બ્યુલન્સને લીલી ઝંડી; ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ઇમરજન્સી સેવા મળશે

સુરત:

રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને ઝડપી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય પહોંચાડવાના હેતુથી બજાજ ફાઇનાન્સના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ હેઠળ ગુજરાતની સેવાભાવી હોસ્પિટલોને 25 આધુનિક એમ્બ્યુલન્સ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે સુરત ખાતે પ્રથમ તબક્કામાં પાંચ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી દર્દીઓની સેવા માટે રવાના કરવામાં આવી હતી. આ પહેલથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને મોટી રાહત મળશે.

પ્રથમ તબક્કામાં પાંચ સેવાભાવી હોસ્પિટલોને એમ્બ્યુલન્સ

પ્રથમ તબક્કામાં રાજ્યની પાંચ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને આધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. તેમાં સુરતની માતુશ્રી રામુબા તથા માતુશ્રી શાંતાબા વીડિયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ), સાવરકુંડલાની વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લલ્લુભાઈ હોસ્પિટલ, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, કામરેજ તાલુકાના ખોલવડની દિનબંધુ ચેરિટેબલ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ચાપરડા સ્થિત પૂજ્ય મુક્તાનંદ બાપુ પ્રેરિત જય અંબે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો સમાવેશ થાય છે.

આ એમ્બ્યુલન્સના માધ્યમથી આસપાસના ગામોમાં રહેતા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ મળશે. ખાસ કરીને સમયસર સારવારની જરૂર હોય તેવા દર્દીઓ માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે.

‘સેવાભાવી હોસ્પિટલો ચલાવવી એ પવિત્ર યજ્ઞ સમાન’

આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, સેવાભાવથી ટ્રસ્ટીઓ દ્વારા માત્ર દાનના માધ્યમથી હોસ્પિટલો ચલાવવી એ કોઈ પવિત્ર યજ્ઞથી કમ નથી. રાજ્યમાં અનેક હોસ્પિટલો સંપૂર્ણપણે વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે અને ત્યાં દર્દીઓ પાસેથી સારવાર માટે નાણાં લેવામાં આવતા નથી. આવા સેવાયજ્ઞને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે બજાજ ફાઇનાન્સના આર્થિક સહયોગથી 25 આધુનિક એમ્બ્યુલન્સ આપવાનો સંકલ્પ કર્યો છે.

તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, આ એમ્બ્યુલન્સની સેવા માટે દર્દીઓ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને સરળતાથી તબીબી સહાય ઉપલબ્ધ કરાવવાનો છે.

108 સેવા ઉપરાંત કટોકટીમાં મળશે વધારાની મદદ

રાજ્યમાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવા ઉપરાંત ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોની આ નવી એમ્બ્યુલન્સ ઇમરજન્સીના સમયે વધારાની મદદરૂપ બનશે. સાપ કે વીંછી જેવા ઝેરી જીવજંતુના કરડવાના કિસ્સા, પ્રસૂતિની કટોકટી અને અન્ય ગંભીર તબીબી પરિસ્થિતિઓમાં દર્દીઓને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં આ સુવિધા ઉપયોગી થશે.

મંત્રીએ આ સેવાકાર્ય બદલ સંબંધિત હોસ્પિટલોના ટ્રસ્ટીઓ અને સંચાલકોને અભિનંદન પાઠવી આરોગ્યસેવાના આ પવિત્ર યજ્ઞમાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું.

અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં વલ્લભ સવાણી, દિનેશ નાવડિયા, ધીરૂ ગજેરા, કાનજી ભાલાળા, મુકેશ પટેલ, નિવૃત્ત કલેક્ટર અને પૂર્વ IAS અધિકારી જે.બી. વોરા, સ્થાનિક કોર્પોરેટરો, બજાજ ફાઇનાન્સના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સામાજિક અને તબીબી સંસ્થાઓના અગ્રણીઓ, સંગઠનોના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *