જી-1 ટી20માં ગુજરાતને હરાવી વડોદરા, અંડર-19 મહિલા ફાઈનલમાં ગુજરાત વડોદરાને હરાવીને ચેમ્પિયન

Spread the love

રિલાયન્સ જી-1 ટી-20માં ગુજરાતે વડોદરાને 34 રને હરાવ્યું; અંડર-19 મહિલા ફાઇનલમાં ગુજરાતે 3 વિકેટે મેળવી રોમાંચક જીત

અમદાવાદ/સુરેન્દ્રનગર:

રિલાયન્સ જી-1 ટી-20 ટુર્નામેન્ટની સિનિયર પુરુષોની ફાઇનલમાં ગુજરાતને હરાવી વડોદરાએ 34 રને ટાઇટલ પોતાના નામે કર્યું, જ્યારે અંડર-19 મહિલા રિલાયન્સ જી-1 ટી-20ની ફાઇનલમાં ગુજરાતે વડોદરાને 3 વિકેટે હરાવી ચેમ્પિયન બન્યું. એક જ દિવસે રમાયેલી બંને ફાઇનલમાં બેટિંગ અને બોલિંગના ઉતાર-ચઢાવ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો.

સિનિયર પુરુષોની ફાઇનલમાં બરોડાનો 34 રને વિજય

અમદાવાદના ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ ખાતે રમાયેલી સિનિયર મેન્સ રિલાયન્સ જી-1 ટી-20ની ફાઇનલમાં વડોદરાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વડોદરાએ 20 ઓવરમાં 6 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 18.2 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે વડોદરાએ 34 રને ફાઇનલ જીતી હતી.

વડોદરા તરફથી અમિત પાસીએ 32 બોલમાં 49 રન ફટકાર્યા હતા, જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. હર્ષ દેસાઈએ 27 બોલમાં 37 રન બનાવ્યા હતા. અંતિમ તબક્કામાં ધ્રુવ બી. પટેલે માત્ર 18 બોલમાં અણનમ 44 રન ફટકારી બરોડાનો સ્કોર 172 સુધી પહોંચાડ્યો હતો. ધ્રુવે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

ગુજરાત તરફથી સિદ્ધાર્થ વેકરિયાએ 4 ઓવરમાં 20 રન આપી 2 વિકેટ, જય માલુસરે 4 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ અને અમિત દેસાઈએ 2 ઓવરમાં 11 રન આપી 1 વિકેટ ઝડપી હતી.

173 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત થઈ, પરંતુ નિયમિત અંતરે વિકેટો પડતી રહી. ઉમંગ રોહિતકુમારે 26 બોલમાં 29 રન, જ્યારે હેમાંગ પટેલે 19 બોલમાં 33 રન બનાવ્યા હતા. સ્મિત પટેલે 14 બોલમાં 21 રન કર્યા હતા.

વડોદરા તરફથી ધ્રુવ બી. પટેલે 3 ઓવરમાં 17 રન આપી 3 વિકેટ ઝડપી હતી. પ્રસૂન જાંગિડે 2 અને હેમંત બાબુલાલ પુંડેએ 2 વિકેટ ઝડપી હતી.

સ્કોર:
વડોદરા – 172/6 (20 ઓવર)
ગુજરાત – 138 ઓલઆઉટ (18.2 ઓવર)
પરિણામ: વડોદરાનો 34 રને વિજય

અંડર-19 મહિલા ફાઇનલમાં ગુજરાતની રોમાંચક જીત

સુરેન્દ્રનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી રિલાયન્સ જી-1 અંડર-19 મહિલા ટી-20 ટુર્નામેન્ટની ફાઇનલમાં ગુજરાતે વડોદરાને 3 વિકેટે હરાવી ટાઇટલ જીત્યું હતું.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર વડોદરા અંડર-19 મહિલા ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 145 રન બનાવ્યા હતા. વડોદરા તરફથી ઝીલ પટેલે 40 બોલમાં 42 રન, જ્યારે વિધી પરમારે 31 બોલમાં 31 રન બનાવ્યા હતા. નાયશા તિવારીએ 17 બોલમાં 23 રન અને પાર્થવી સોલંકીએ માત્ર 8 બોલમાં 18 રનનું યોગદાન આપ્યું હતું.

ગુજરાત તરફથી નિયા પટેલે 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ ઝડપી હતી. અચ્સાહ પરમારે 4 ઓવરમાં 21 રન આપી 2 વિકેટ અને રિયા પટેલે 4 ઓવરમાં 22 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

146 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમે 18.5 ઓવરમાં 7 વિકેટે 147 રન બનાવીને મેચ પોતાના નામે કરી હતી.

ગુજરાત તરફથી વેનીશા ગજ્જરે 35 બોલમાં 45 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી, જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. ચાર્લી સોલંકીએ 34 બોલમાં 38 રન બનાવ્યા હતા. સિયા પટેલે 12 બોલમાં 20 રન અને દિયા વર્ધાનીએ 11 બોલમાં 17 રન કર્યા હતા. અંતમાં નિત્યા ભ્રમક્ષત્રિયાએ માત્ર 6 બોલમાં અણનમ 11 રન બનાવી ટીમને વિજય સુધી પહોંચાડી હતી.

વડોદરા તરફથી વિધી પરમારે 2 અને નિયા પટેલે 3 વિકેટ ઝડપી હતી, પરંતુ ગુજરાતે 18.5 ઓવરમાં 147 રન બનાવી મુકાબલો જીતી લીધો હતો.

સ્કોર:
વડોદરા અંડર-19 મહિલા – 145/8 (20 ઓવર)
ગુજરાત અંડર-19 મહિલા – 147/7 (18.5 ઓવર)
પરિણામ: ગુજરાત અંડર-19 મહિલા ટીમ 3 વિકેટે વિજેતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *