નારીશક્તિની રક્ષા: ગુજરાતમાં 7.30 લાખથી વધુ કિશોરીઓને HPV રસી, દેશમાં પ્રથમ

Spread the love

માત્ર ત્રણ મહિનામાં 14 વર્ષની 100 ટકા પાત્ર કિશોરીઓનું રસીકરણ; કેન્દ્ર સરકારે કામગીરીને બિરદાવી વધુ 2.72 લાખ ડોઝ ફાળવ્યા

અમદાવાદ:

દીકરીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા ગુજરાત સરકારે હાથ ધરેલા HPV રસીકરણ અભિયાનમાં રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા માટે શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાન હેઠળ ગુજરાતે અત્યાર સુધીમાં 14 વર્ષની પાત્ર 7.30 લાખથી વધુ કિશોરીઓને રસી આપી છે. માત્ર ત્રણ મહિનામાં 100 ટકા પાત્ર કિશોરીઓને આવરી લઈને ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગર્ભાશયનું મુખનું કેન્સર મહિલાઓમાં જોવા મળતા ગંભીર રોગોમાંનું એક છે. યોગ્ય ઉંમરે HPV રસી આપવામાં આવે તો આ રોગથી બચાવમાં મહત્વપૂર્ણ મદદ મળી શકે છે.

કેન્દ્ર તરફથી વધુ 2.72 લાખ ડોઝની ફાળવણી

ગુજરાતની કામગીરીની નોંધ લઈને કેન્દ્ર સરકારે 7 સપ્ટેમ્બરે રાજ્યને વધુ 2.72 લાખ HPV વેક્સિનના ડોઝ ફાળવ્યા હતા. આ વધારાના ડોઝથી રાજ્યમાં રસીકરણ અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાયેલા ‘સેવા પર્વ’ દરમિયાન પણ વિશેષ HPV રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઝુંબેશના પ્રથમ દિવસે જ રાજ્યની 71 હજારથી વધુ દીકરીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

10 દિવસમાં 1.47 લાખથી વધુ કિશોરીઓને સુરક્ષાકવચ

‘સેવા પર્વ’ના 10 દિવસ દરમિયાન કુલ 1.47 લાખથી વધુ કિશોરીઓને HPV રસી આપવામાં આવી હતી. આ કામગીરીથી સરકાર દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દીકરીઓનું સ્વાસ્થ્ય અને કલ્યાણ રાજ્ય સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આરોગ્યતંત્ર દ્વારા સંપૂર્ણ નિષ્ઠાથી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ અભિયાનની સફળતા માટે વાલીઓની જાગૃતિ પણ એટલી જ જરૂરી છે.

31 ડિસેમ્બર સુધી મફત રસીકરણની સુવિધા

જે 14 વર્ષની કિશોરીઓ કોઈ કારણસર HPV રસીથી વંચિત રહી ગઈ હોય, તેમના વાલીઓને વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. તમામ પાત્ર કિશોરીઓને રસીનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે રસીકરણ અભિયાનની મુદત વધારીને 31 ડિસેમ્બર, 2026 સુધી કરી છે.

હવે રાજ્યની મેડિકલ કોલેજ હોસ્પિટલ, જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઉપરાંત તમામ CHC અને PHC કેન્દ્રો પર 14 વર્ષની પાત્ર કિશોરીઓ માટે HPV રસી તદ્દન મફત ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

મહત્વની માહિતી

  • પાત્રતા: 14 વર્ષની કિશોરીઓ
  • અત્યાર સુધી રસીકરણ: 7.30 લાખથી વધુ
  • ‘સેવા પર્વ’ દરમિયાન રસીકરણ: 1.47 લાખથી વધુ
  • પ્રથમ દિવસે રસીકરણ: 71 હજારથી વધુ
  • કેન્દ્ર સરકારની વધારાની ફાળવણી: 2.72 લાખ ડોઝ
  • મફત રસીકરણની અંતિમ તારીખ: 31 ડિસેમ્બર, 2026
  • રસીકરણ સ્થળ: મેડિકલ કોલેજ હોસ્પિટલ, જિલ્લા/સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, CHC અને PHC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *