રિલાયન્સ કપ 2026: બરોડાએ જુનાગઢને 1-0થી હરાવી સુપર લીગ ચેમ્પિયનશિપ મેળવી

Spread the love

ગાંધીનગરમાં રમાયેલી મેચમાં અમન શેખના ગોલથી બરોડાની જીત; સુપર લીગના બંને મુકાબલા જીતી બરોડા ચેમ્પિયન

ગાંધીનગર:

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ સુપર લીગ સ્ટેજમાં બરોડાની ટીમે જુનાગઢને 1-0થી હરાવી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. બરોડાએ સુપર લીગના બંને મુકાબલામાં જીત મેળવીને કુલ 6 પોઇન્ટ સાથે ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે.

ગાંધીનગર ખાતે રમાયેલી બરોડા અને જુનાગઢ વચ્ચેની મેચની શરૂઆતથી જ રોમાંચક રહી હતી. મેચની બીજી જ મિનિટે પેનલ્ટી એરિયાની બહારથી બરોડાને ડાયરેક્ટ કિક મળી હતી. બરોડાના રુદ્ર છેત્રીએ આપેલા ડાયરેક્ટ કિકના પાસને અમન શેખે ગોલમાં ફેરવીને બરોડાને 1-0ની લીડ અપાવી હતી.

આ પછી જુનાગઢની ટીમે ગોલની બરાબરી કરવા માટે સતત પ્રયાસો કર્યા હતા, પરંતુ બરોડાની મજબૂત ડિફેન્સ લાઇન સામે તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. પ્રથમ હાફના અંતે સ્કોર 1-0 બરોડાની તરફેણમાં રહ્યો હતો.

બીજા હાફમાં બંને ટીમોએ આક્રમક રમત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બંનેમાંથી કોઈ ટીમ વધુ ગોલ નોંધાવી શકી નહોતી. અંતે મેચનો સ્કોર 1-0 બરોડાની તરફેણમાં રહ્યો હતો.

આ જીત સાથે બરોડાએ સુપર લીગના બંને મુકાબલા જીતીને ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. અગાઉ બરોડાએ ગાંધીનગર સામેનો મુકાબલો પણ જીતી લીધો હતો.

જુનાગઢના જર્સી નંબર-9ના ખેલાડી શશાંક મંગઇન આ મહત્વપૂર્ણ મુકાબલામાં રમી શક્યો નહોતો. 26 સપ્ટેમ્બર, 2026ના રોજ રાજકોટ સામેની મેચ દરમિયાન દીપ રાજગોરને હિંસક રીતે કીક મારવાના બનાવમાં રેફરી શ્રીકુમારે શશાંક મંગઇનને રેડ કાર્ડ બતાવ્યું હતું.

આ અંગેના રેફરી રિપોર્ટના આધારે ડિસિપ્લિનરી કમિટીએ શશાંક મંગઇન સામે 3 મેચ અથવા 2 મહિનાના સસ્પેન્શનનો નિર્ણય લીધો હોવાથી તે બરોડા સામેની મેચમાં ઉપલબ્ધ નહોતો.

રનર-અપ માટે ગાંધીનગર અને જુનાગઢ વચ્ચે મુકાબલો

સુપર લીગના આગામી મુકાબલામાં ગાંધીનગર અને જુનાગઢની ટીમો સામસામે ટકરાશે. આ મેચમાં જે ટીમ વિજય મેળવશે તે રનર-અપ બનશે. મેચ પૂર્ણ થયા બાદ ચેમ્પિયન બરોડાની ટીમને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવશે, જ્યારે રનર-અપ ટીમના ખેલાડીઓને મેડલ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *