મુહૂર્ત ટ્રેડિંગમાં 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: દિવાળીના શુભ દિવસે જ શેરબજાર લાલ નિશાને બંધ, સેન્સેક્સ 29 અને નિફ્ટી 44 પોઈન્ટ ગગડ્યા

Spread the love

2017 પછી પહેલીવાર દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં બજારમાં ઘટાડો; શરૂઆતમાં જોરદાર તેજી છતાં અંતે રોકાણકારોને નિરાશા, સન ફાર્માના શેરમાં સૌથી વધુ તેજી

અમદાવાદ

દિવાળીના પર્વે શેરબજારમાં નવા સંવતની શરૂઆત શુભ રહેવાની આશા સાથે રોકાણકારોએ મુહૂર્ત ટ્રેડિંગમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જોકે, આ વખતે શેરબજારના રોકાણકારોને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2026ના દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા હતા. ખાસ વાત એ છે કે વર્ષ 2017 પછી એટલે કે નવ વર્ષના લાંબા ગાળામાં પહેલીવાર દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગના દિવસે ભારતીય શેરબજાર લાલ નિશાન પર બંધ થયું છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 29.47 પોઈન્ટ એટલે કે આશરે 0.04 ટકાના ઘટાડા સાથે 80,999.40ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 43.95 પોઈન્ટ એટલે કે 0.18 ટકા ઘટીને 24,986.40ના સ્તરે બંધ થયો હતો. આ સાથે નિફ્ટી ફરી એકવાર 25 હજારના મહત્ત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે સરકી ગયો હતો.

શરૂઆતમાં તેજી, અંતે ઘટાડો

મુહૂર્ત ટ્રેડિંગની શરૂઆતમાં બજારમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 81,299.34ના સ્તરે ખુલ્યો હતો અને એક તબક્કે 414 પોઈન્ટના ઉછાળા સાથે 81,442.11ના દિવસના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જોકે, આ તેજી લાંબો સમય ટકી શકી નહોતી. વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સ ઘટીને 80,932.42ના નીચલા સ્તરે પહોંચ્યો હતો.

નિફ્ટીની સ્થિતિ પણ આવી જ રહી હતી. નિફ્ટી 25,070.45ના સ્તરે ખુલ્યા બાદ 25,131.85ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. પરંતુ કારોબારના અંતે 24,986.40ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન બજારમાં જોવા મળેલી તેજી અંતિમ તબક્કે વેચવાલીમાં ફેરવાઈ હતી.

સન ફાર્માના શેરમાં તેજી, ઈન્ડિગો અને એરટેલમાં ઘટાડો

મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન કેટલાક પસંદગીના શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. સન ફાર્માના શેરમાં સૌથી વધુ આશરે 2.96 ટકાનો વધારો નોંધાયો હતો. ટાટા સ્ટીલ 1.88 ટકા વધ્યો હતો. આ ઉપરાંત મારુતિ, પાવરગ્રીડ, અદાણી પોર્ટ્સ, BEL, અલ્ટ્રાટેક સિમેન્ટ અને રિલાયન્સના શેરમાં પણ તેજી જોવા મળી હતી.

બીજી તરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ડિગો, ટ્રેન્ટ, ઈન્ફોસિસ અને ભારતી એરટેલના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. ઈન્ડિગોના શેરમાં 0.88 ટકા, ટ્રેન્ટમાં 0.81 ટકા અને ઈન્ફોસિસમાં 0.73 ટકાનો ઘટાડો થયો હતો. HDFC બેન્ક, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ અને ICICI બેન્કના શેર પણ લાલ નિશાનમાં રહ્યા હતા.

2017 પછી પ્રથમવાર મુહૂર્ત ટ્રેડિંગમાં ઘટાડો

આ વખતે મુહૂર્ત ટ્રેડિંગનું સૌથી મહત્ત્વનું પાસું નવ વર્ષ જૂનો રેકોર્ડ તૂટવો રહ્યું છે. છેલ્લે વર્ષ 2017માં દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન બજારમાં ઘટાડો નોંધાયો હતો. તે સમયે નિફ્ટીમાં 0.63 ટકાનો ઘટાડો થયો હતો. ત્યારબાદ સતત વર્ષોમાં મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન બજારમાં સકારાત્મક બંધ જોવા મળ્યું હતું.

આગામી દિવસોમાં ઉતાર-ચઢાવની શક્યતા

બજારના આ ઘટાડાને કારણે રોકાણકારોમાં આગામી દિવસોની દિશા અંગે સવાલો ઊભા થયા છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક બજારોની સ્થિતિ, આર્થિક સંકેતો અને શેરોમાં ખરીદ-વેચાણના દબાણને કારણે આગામી દિવસોમાં પણ બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. જોકે, મુહૂર્ત ટ્રેડિંગના એક દિવસના ઘટાડાને આધારે નવા સંવતના સમગ્ર વર્ષનું બજાર નક્કી કરવું યોગ્ય નહીં ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *