વનતારામાં EARAZAની વૈશ્વિક કોન્ફરન્સ: 30 દેશોની 98 અને ભારતની 29 સંસ્થાઓ એક મંચ પર

Spread the love

જામનગરમાં 26થી 29 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી પરિષદમાં વન્યજીવ સંરક્ષણ, ડેટા શેરિંગ, આધુનિક ટેકનોલોજી અને પ્રાણી કલ્યાણ પર ચર્ચા; છ મહાનુભાવોને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અપાશે

જામનગર

વન્યજીવ સંરક્ષણમાં વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશથી વનતારા દ્વારા જામનગરમાં ‘યુરેશિયન રિજનલ એસોસિએશન ઓફ ઝૂ એન્ડ એક્વેરિયમ્સ’ (EARAZA)ની વાર્ષિક કોન્ફરન્સ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. 26થી 29 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ પરિષદમાં 30 દેશોની 98 સંસ્થાઓ અને ભારતની 29 ઝૂઓલોજિકલ સંસ્થાઓના નિષ્ણાતો, પશુચિકિત્સકો, વૈજ્ઞાનિકો અને વન્યજીવ સંરક્ષકો ભાગ લઈ રહ્યા છે.

વૈશ્વિક ભાગીદારી અને ડેટા શેરિંગ પર ભાર

‘વન્યજીવ સંરક્ષણ માટે વૈશ્વિક ભાગીદારીનું સુદૃઢીકરણ’ થીમ હેઠળ યોજાયેલી પરિષદમાં વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમોનું સંકલન, સંશોધનના પરિણામોનું આદાન-પ્રદાન અને પ્રાણીઓની સંભાળ માટે આધુનિક પદ્ધતિઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉદ્ઘાટન સમારોહમાં ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર અને પર્યાવરણવિદ્ રિકી કેજે સંગીતમય પ્રસ્તુતિ આપી હતી.

આ પ્રસંગે વનતારાના CEO વિવાન કરાણીએ તમામ EARAZA સભ્યોને એક વર્ષ માટે ‘ANTZ સોફ્ટવેર પ્લેટફોર્મ’ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. આ સુરક્ષિત ક્લાઉડ પ્લેટફોર્મ ઝૂના વ્યવસ્થાપન અને સંસ્થાઓ વચ્ચે માહિતીના આદાન-પ્રદાનમાં મદદરૂપ બનશે. EARAZAનાં પ્રમુખ સ્વેત્લાના અકુલોવા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના પ્રો. રમણ સુકુમાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના સભ્ય સચિવ ડૉ. વી. ક્લેમેન્ટ બેન સહિતના મહાનુભાવોએ પણ સંરક્ષણ ક્ષેત્રે સહયોગનું મહત્ત્વ સમજાવ્યું હતું.

લુપ્તપ્રાય પ્રજાતિઓ અને પ્રાણી કલ્યાણ પર ચર્ચા

પરિષદમાં અમુર વાઘ, ઓરિએન્ટલ સ્ટોર્ક, બ્લેકિસ્ટન્સ ઇગલ-આઉલ અને ગ્રેટ બસ્ટાર્ડ જેવી પ્રજાતિઓના સંરક્ષણ માટે સરહદપારના પ્રયાસો અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત બોઇગા સાપ અને લાંબા કાનવાળા હેજહોગના પુનઃસ્થાપન સહિતના કાર્યક્રમો પર પણ વિચારો રજૂ કરાયા હતા.

પ્રાણીઓના કલ્યાણનું મૂલ્યાંકન, કુદરતી આફતો દરમિયાન સંભાળ કેન્દ્રોની તૈયારી, પશુચિકિત્સા સેવાઓની ક્ષમતા અને માનવ-વન્યજીવ સંઘર્ષ જેવા વિષયો પર નિષ્ણાતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. એશિયાના જાણીતા ‘એલિફન્ટ ડૉક્ટર’ પદ્મશ્રી ડૉ. કે. કે. શર્માએ ક્ષેત્રના અનુભવો શેર કર્યા હતા. શહેરી જૈવવિવિધતા, સિટિઝન સાયન્સ, વન્યજીવ નિદાન, પોષણ અને જનજાગૃતિમાં મીડિયાની ભૂમિકા અંગે પણ સત્રો યોજાયાં હતાં.

આધુનિક ટેકનોલોજી અને નવીન ઉકેલોનું પ્રદર્શન

કોન્ફરન્સના પ્રદર્શન ક્ષેત્રમાં સાત દેશોના 13 પ્રદર્શકોએ વેટરનરી ટેકનોલોજી, અદ્યતન નિદાન, જીનોમિક્સ, AI આધારિત માઇક્રોસ્કોપી, ઇન્ક્યુબેશન અને રિમોટ ડ્રગ-ડિલિવરી સિસ્ટમ્સ રજૂ કરી હતી. વનતારાના પેવેલિયનમાં વર્ચ્યુઅલ રિયાલિટી અનુભવ સાથે ANTZ પ્લેટફોર્મનાં નવાં સાધનો પણ રજૂ કરાયાં હતાં. તેમાં પશુ-પક્ષીઓની ઓળખ માટેનું બાયોએકોસ્ટિક મોનિટર, ઇંડાનું વિશ્લેષણ કરવાની ટેકનોલોજી અને પ્રાણીઓની સંભાળની નોંધ રાખવા માટેનું NFC ઉપકરણ સામેલ છે.

છ મહાનુભાવોને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ

પરિષદ દરમિયાન ‘ઇન્ડિયન ઝુ યર બુક’, વોલ્યુમ-11, 2026નું વિમોચન કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં વન્યજીવ સંરક્ષણ અને ઝૂ વ્યવસ્થાપન ક્ષેત્રે યોગદાન બદલ છ મહાનુભાવોને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવશે. તેમાં EARAZAનાં પ્રમુખ સ્વેત્લાના અકુલોવા, ચેક રિપબ્લિકના ક્લેબી ઝૂના સ્થાપક રેને ફ્રેનેક, બાકુ ઝૂના ડિરેક્ટર અઝેર હુસેનોવ તેમજ ભારતના એસ. સી. શર્મા, ડૉ. ડી. એન. સિંહ અને બી. એસ. બોનાલનો સમાવેશ થાય છે.

સમાપન પ્રસંગે 2027ની કોન્ફરન્સના યજમાનને EARAZAનો ધ્વજ સોંપવામાં આવશે. જામનગરમાં યોજાયેલી આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક સ્તરે જ્ઞાન, સંશોધન અને ટેકનોલોજીના સહયોગથી વન્યજીવ સંરક્ષણને વધુ અસરકારક બનાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *