પરિમલ નથવાણીએ કહ્યું, ‘જિયો માટે ધીરુભાઈએ જોયેલું સ્વપ્ન અંબાણી પરિવારે અકલ્પનીય પ્રગતિ સાથે સાકાર કર્યું’; લોકડાયરામાં રાજભા ગઢવી, ઉર્વશીબેન રાદડિયા અને હિતેશ અંટાળાએ જમાવ્યો રંગ
ચોરવાડ
જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યુના 21 ટકાથી વધુ પ્રીમિયમ સાથે થયેલા ઐતિહાસિક લિસ્ટિંગની ખુશીમાં ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડમાં ભવ્ય ઉજવણી યોજાઈ હતી. બુધવારે રાત્રે આયોજિત સમૂહ ભોજનમાં 25 હજારથી વધુ ગ્રામજનોએ ભાગ લીધો હતો. ત્યારબાદ યોજાયેલા લોકડાયરામાં જાણીતા લોકસાહિત્યકારો અને કલાકારોએ પોતાની પ્રસ્તુતિઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
પરિમલ નથવાણીએ ધીરુભાઈનાં સંસ્મરણો વાગોળ્યાં
આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન સાથે વર્ષ 1995માં ચોરવાડ અને કુકસવાડાની ત્રણ દિવસની મુલાકાતનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. તે સમયના સાથીઓ અને સાક્ષીઓને પણ તેમણે યાદ કર્યા હતા.
નથવાણીએ જણાવ્યું હતું કે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ અને જિયો માટે જે સ્વપ્નો જોયાં હતાં, તેને મુકેશ અંબાણી તથા તેમનાં સંતાનો આકાશ, ઈશા અને અનંત અંબાણીએ અસાધારણ પ્રગતિ સાથે સાકાર કર્યાં છે. તેમણે આ સિદ્ધિને અંબાણી પરિવારની સાથે દેશ માટે પણ ગૌરવની બાબત ગણાવી હતી.
રોકાણકારોનો વિશ્વાસ આજે પણ અકબંધ
રિલાયન્સના આઈપીઓ સમયે ધીરુભાઈ અંબાણી પર રોકાણકારોએ જે વિશ્વાસ મૂક્યો હતો, તે વિશ્વાસ આજે પણ અંબાણી પરિવાર પ્રત્યે યથાવત્ હોવાનું નથવાણીએ જણાવ્યું હતું. જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગને તેમણે આ વિશ્વાસનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે ધીરુભાઈ અંબાણી રિલાયન્સનો આઈપીઓ લાવ્યા ત્યારે ચોરવાડના લોકોને શેર આપવાથી લઈને તેમની નાની-મોટી ખુશીઓમાં સહભાગી બન્યા હતા. આજે પણ અંબાણી પરિવારે જિયોની સફળતાની ઉજવણીમાં પોતાના વતનને યાદ રાખીને આ પરંપરા જાળવી છે.
શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓનો ઉલ્લેખ
નથવાણીએ ચોરવાડમાં વર્ષ 2017થી કાર્યરત ધીરુભાઈ અંબાણી મેડિકલ અને કમ્પ્યુટર સેન્ટર, શ્રી એચ.જી. અંબાણી ગર્લ્સ હાઈસ્કૂલ તથા કુકસવાડામાં નવનિર્મિત શ્રી એચ.જી. અંબાણી હાયર સેકન્ડરી સ્કૂલ સહિતની સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ચોરવાડમાં આયોજિત ઉજવણીમાં અંબાણી પરિવારના સભ્ય તરીકે જોડાવાની તક આપવા બદલ પરિવારનો આભાર માન્યો હતો. સાથે જ રિલાયન્સ અને અંબાણી પરિવાર વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
લોકડાયરામાં કલાકારોએ જમાવ્યો રંગ
સમૂહ ભોજન બાદ યોજાયેલા લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને ઉર્વશીબેન રાદડિયાએ પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્ય અને સંગીતની રમઝટ બોલાવી હતી. તેમની પ્રસ્તુતિઓથી હજારો શ્રોતાઓ ઝૂમી ઊઠ્યા હતા. હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ તળપદી ભાષામાં હાસ્ય અને રમૂજ પીરસીને ઉપસ્થિત લોકોને ખડખડાટ હસાવ્યા હતા.
આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. જિયોના લિસ્ટિંગની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ચોરવાડવાસીઓની વિશાળ સહભાગિતાએ સમગ્ર પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
