નિમ્બોલ ખાતે સિમેન્ટ પ્લાન્ટથી 27 MMTPA ઉત્પાદન ક્ષમતા સુધીની સફર; FY 2027-28 સુધીમાં ક્ષમતા વધારીને 35 MMTPA કરવાનો લક્ષ્યાંક
મુંબઈ
ભારતની અગ્રણી બિલ્ડિંગ મટિરિયલ્સ કંપની નુવોકો વિસ્ટાસ કોર્પ લિમિટેડ દ્વારા ‘દસ સાલ બેમિસાલ’ થીમ હેઠળ વિકાસ, નવીનતા અને સંસ્થાનિર્માણની દાયકાની સફરની ઉજવણી કરવામાં આવી રહી છે. હિંમતભર્યા નિર્ણયો, કર્મચારીઓના સામૂહિક પ્રયાસો અને લાંબા ગાળાના વિઝનના આધારે કંપનીએ ભારતીય સિમેન્ટ તથા બાંધકામ સામગ્રી ક્ષેત્રમાં પોતાની મજબૂત ઓળખ ઊભી કરી છે.
નુવોકોની વિકાસયાત્રાનો પાયો વર્ષ 2014માં નંખાયો હતો. તે સમયે પેરેન્ટ કંપની નિરમા ગ્રૂપે રાજસ્થાનના નિમ્બોલ ખાતે વાર્ષિક 2 મિલિયન મેટ્રિક ટન (MMTPA) ઉત્પાદન ક્ષમતા ધરાવતા ગ્રીનફિલ્ડ સિમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ કરી હતી. એક ઉત્પાદન એકમથી શરૂ થયેલી આ સફર આજે સિમેન્ટ, રેડી-મિક્સ કોંક્રિટ અને આધુનિક બાંધકામ સામગ્રીના વિવિધ વ્યવસાયો ધરાવતી સંસ્થા સુધી પહોંચી છે.
ઑક્ટોબર 2016માં લાફાર્જ ઇન્ડિયાના અધિગ્રહણથી કંપનીના વિસ્તરણને નવી દિશા મળી હતી. આ પગલાએ નુવોકોના વ્યાપમાં વધારો કરવાની સાથે તેની સંસ્થાકીય ક્ષમતાને પણ મજબૂત બનાવી. ત્યારબાદ કંપનીએ પોતાની અલગ ઓળખ અને બ્રાન્ડ વિકસાવવા તથા ગ્રાહકો, કર્મચારીઓ અને બિઝનેસ પાર્ટનર્સ સાથે વિશ્વાસપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
વર્ષ 2020માં કોવિડ-19 મહામારીના પડકારો વચ્ચે કંપનીએ ઇમામી સિમેન્ટનું અધિગ્રહણ કર્યું, જે હવે NU વિસ્ટા લિમિટેડ તરીકે ઓળખાય છે. વર્ષ 2021માં નુવોકો લિસ્ટેડ કંપની બની હતી. ત્યારબાદ એપ્રિલ 2025માં વદરાજ સિમેન્ટના સમાવેશથી કંપનીની પશ્ચિમ ભારતમાં હાજરી વધુ મજબૂત બની હતી.
હાલમાં 27 MMTPA ઉત્પાદન ક્ષમતા
હાલમાં નુવોકોની કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 27 MMTPA છે અને કંપની પાસે 14 ઉત્પાદન એકમો છે. તેમાં ગુજરાતના કચ્છ અને સાચાણા ખાતેના એકમોનો પણ સમાવેશ થાય છે, જેનું બાંધકામ પૂર્ણતાના અંતિમ તબક્કામાં હોવાનું કંપનીએ જણાવ્યું છે. આ ઉપરાંત, કંપની સમગ્ર ભારતમાં 58 રેડી-મિક્સ કોંક્રિટ પ્લાન્ટ્સનું સંચાલન કરે છે અને આધુનિક બાંધકામ સામગ્રી તથા ઉકેલોની વિશાળ શ્રેણી પૂરી પાડે છે.
કંપનીએ નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વધારીને 35 MMTPA સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ વિસ્તરણ કંપનીની લાંબા ગાળાની વિકાસયોજનાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. કંપની માટે વિકાસનો અર્થ માત્ર ઉત્પાદન ક્ષમતામાં વધારો નહીં, પરંતુ નવીનતા, કાર્યક્ષમતા, પ્રતિભા વિકાસ, ગ્રાહક સંબંધો અને જવાબદારીપૂર્ણ વ્યવસાયિક અભિગમ દ્વારા સતત પ્રગતિ કરવાનો પણ છે.
લાંબા ગાળાના વિકાસ પર ભાર
આ પ્રસંગે નુવોકો વિસ્ટાસ કોર્પ લિમિટેડના ચેરમેન હિરેન પટેલે જણાવ્યું હતું કે, ‘દસ સાલ બેમિસાલ’ની ઉજવણી કંપનીની હિંમતભરી નિર્ણાયક ક્ષમતા, લાંબા ગાળાની પ્રતિબદ્ધતા અને કર્મચારીઓની સામૂહિક શક્તિનું પ્રતીક છે. નિમ્બોલ ખાતેની શરૂઆતથી લઈને વૈવિધ્યસભર સંસ્થા તરીકેની ઓળખ સુધીની સફરના દરેક સીમાચિહ્ને કંપનીના વિકાસમાં નવો અધ્યાય ઉમેર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી દાયકામાં કંપની મજબૂત પાયો, નવીનતા, ટકાઉ વિકાસ અને ઉચ્ચ કામગીરી કરતી સંસ્થાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કર્મચારીઓને પોતાની ક્ષમતાઓ વિકસાવવા, ગૌરવપૂર્વક યોગદાન આપવા અને અર્થપૂર્ણ કારકિર્દી ઘડવા માટે અનુકૂળ કાર્યસંસ્કૃતિ ઊભી કરવી પણ કંપનીની પ્રાથમિકતા રહેશે.
‘દસ સાલ બેમિસાલ’ માત્ર અત્યાર સુધીની સિદ્ધિઓની ઉજવણી નથી, પરંતુ ભવિષ્યમાં વધુ પ્રગતિ કરવાની પ્રતિબદ્ધતાનું પણ પ્રતીક છે. નુવોકો આગામી દાયકામાં નવીનતા, ટકાઉ વિકાસ અને સંસ્થાકીય મજબૂતીના આધારે પોતાની વિકાસયાત્રાને આગળ વધારવા પ્રતિબદ્ધ છે.
