નીરુ, સુરુચી અને હિમાંશુ સહિતના ભારતીય શૂટર્સ દિલ્હીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીઓ શરૂ કરશે

Spread the love

૨૨ ઓક્ટોબરથી ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે રાષ્ટ્રીય કેમ્પનો પ્રારંભ; દોહામાં ૧થી ૧૪ નવેમ્બર દરમિયાન યોજાશે ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ, લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફિકેશનની પણ શરૂઆત થશે

નવી દિલ્હી

દોહા, કતારમાં યોજાનારી ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ-૨૦૨૬ માટે ભારતીય શૂટિંગ ટીમે અંતિમ તબક્કાની તૈયારીઓ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતીય ટીમના પસંદગી પામેલા ખેલાડીઓ માટે ૨૨ ઓક્ટોબરથી નવી દિલ્હીની ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે રાષ્ટ્રીય તૈયારી કેમ્પ યોજાશે. આ કેમ્પમાં રાઇફલ, પિસ્તોલ અને શોટગન સ્પર્ધાઓના ખેલાડીઓ ભાગ લેશે. વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ૧થી ૧૪ નવેમ્બર દરમિયાન દોહામાં કરવામાં આવશે.

ભારતીય ખેલાડીઓની તાલીમ સ્પર્ધાના પ્રકાર અને શિસ્ત પ્રમાણે અલગ-અલગ તબક્કામાં યોજાશે. ૧૦ મીટર રાઇફલ અને પિસ્તોલ, પુરુષોની ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ તથા સ્કીટ સ્પર્ધાના ખેલાડીઓ ૨૨થી ૨૯ ઓક્ટોબર સુધી કેમ્પમાં તાલીમ લેશે. ૫૦ મીટર રાઇફલ અને મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલના ખેલાડીઓ ૩૧ ઓક્ટોબર સુધી તાલીમ મેળવશે. જ્યારે ટ્રેપ સ્પર્ધાના ખેલાડીઓ ૨૮ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી કેમ્પમાં જોડાશે.

રાઇફલ અને પિસ્તોલમાં દિગ્ગજ ખેલાડીઓ પર નજર

૧૦ મીટર એર રાઇફલની પુરુષોની ટીમમાં પાર્થ રાકેશ માને, હિમાંશુ ધિલ્લોન અને પાર્થ માખીજાનો સમાવેશ થાય છે. મહિલાઓની ટીમમાં શાંભવી ક્ષીરસાગર, સોનમ ઉત્તમ મસ્કર અને ઇલાવેનિલ વાલારિવાન સામેલ છે. ૫૦ મીટર રાઇફલમાં પુરુષોની ટીમનું પ્રતિનિધિત્વ નીરજ કુમાર, ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર અને અખિલ શેરાન કરશે. મહિલાઓની ટીમમાં વિદર્શા કે. વિનોદ, આશી ચૌકસી અને અંજુમ મૌદગિલનો સમાવેશ થાય છે.

૧૦ મીટર એર પિસ્તોલની પુરુષોની ટીમમાં રવિન કુમાર, જયપાલ માલવિયા અને કમલજીત છે, જ્યારે મહિલાઓની ટીમમાં સૈન્યમ, સુરુચી અને મનુ ભાકર સામેલ છે. ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં પુરુષોની ટીમમાં સૂરજ શર્મા, ગુરપ્રીત સિંહ અને ભાવેશ શેખાવત તથા મહિલાઓની ટીમમાં ઈશા સિંહ, મનુ ભાકર અને દિવ્યા ટી.એસ. ભાગ લેશે.

સ્કીટ અને ટ્રેપમાં પણ મજબૂત પડકાર

સ્કીટ સ્પર્ધામાં પુરુષોની ટીમમાં મેરાજ અહમદ ખાન, ભવતેગ સિંહ ગિલ અને અનંતજીત સિંહ નારુકા સામેલ છે. મહિલાઓની ટીમમાં પરિનાઝ ધાલીવાળ, ગણેમત સેખોન અને રાઇઝા ધિલ્લોનનો સમાવેશ થાય છે.

ટ્રેપ સ્પર્ધામાં પુરુષોની ટીમ ઝોરાવર સિંહ સંધુ, વિવાન કપૂર અને ઉદયવીર સિંહ જૈજીથી સજ્જ છે. મહિલાઓની ટીમમાં નીરુ, મનીષા કીર અને પ્રગતિ દુબે ભાગ લેશે.

નેશનલ રાઇફલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (NRAI)ના હાઇ પરફોર્મન્સ ડિરેક્ટર ડૉ. પિયર બ્યુશાંએ જણાવ્યું હતું કે, દોહા વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલાં ખેલાડીઓના પ્રદર્શનને વધુ અસરકારક બનાવવા માટે આ કેમ્પ મહત્ત્વપૂર્ણ છે. કોચ સાથે મળીને દરેક ખેલાડી માટે સ્પષ્ટ પ્રદર્શન લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે જરૂરી માપદંડો હાંસલ કરી શકાય.

તેમણે વધુમાં જણાવ્યું કે, ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી ફાઇનલમાં પહોંચવાના પ્રમાણ અને પોડિયમ સુધી પહોંચવાના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવશે. લોસ એન્જલસ-૨૦૨૮ ઓલિમ્પિક્સ માટેની ક્વોલિફિકેશન પ્રક્રિયા પણ આ વર્લ્ડ ચેમ્પિયનશિપથી શરૂ થવાની હોવાથી કેમ્પનું વિશેષ મહત્ત્વ છે.

દોહામાં યોજાનારી ચેમ્પિયનશિપ દરમિયાન કુલ ૩૬ ઓલિમ્પિક ક્વોટા સ્થાનો ફાળવવામાં આવશે. તેથી ભારતીય શૂટર્સ માટે આ સ્પર્ધા માત્ર વિશ્વસ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની જ નહીં, પરંતુ આગામી ઓલિમ્પિક્સ તરફ મજબૂત શરૂઆત કરવાની પણ મહત્ત્વપૂર્ણ તક બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *