સોલારયાને રજૂ કર્યા હાઇબ્રિડ ઇન્વર્ટર અને બેટરી સ્ટોરેજ સોલ્યુશન્સ

Spread the love

કડીમાં 2 લાખ ચોરસ ફૂટમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપશે; આગામી નાણાકીય વર્ષમાં 5 GWh બેટરી ઉત્પાદન ક્ષમતા વિકસાવવાનું આયોજન

અમદાવાદ

HowD Innovations Pvt. Ltd.ની ક્લીન એનર્જી બ્રાન્ડ સોલારયાને રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા (REI) એક્સ્પો 2026માં રહેણાક, વ્યવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે હાઇબ્રિડ ઇન્વર્ટર તથા બેટરી સ્ટોરેજ સોલ્યુશન્સની વ્યાપક શ્રેણી રજૂ કરી હતી. 22થી 24 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા આ એક્સ્પોમાં કંપનીએ સૌર ઊર્જાનું ઉત્પાદન, સંગ્રહ અને વ્યવસ્થાપન સરળ બનાવતાં આધુનિક સોલ્યુશન્સ પ્રદર્શિત કર્યાં હતાં.

કડીમાં ઉત્પાદન એકમ સ્થાપવાની યોજના

સોલારયાન ગુજરાતના કડી ખાતે બે લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવાની યોજના પર આગળ વધી રહ્યું છે. આગામી નાણાકીય વર્ષમાં અહીં 5 GWhની બેટરી ઉત્પાદન ક્ષમતા વિકસાવવાનું આયોજન છે. પ્રથમ તબક્કામાં 1.2 GWh લિથિયમ-આયન બેટરી અને 2 GW ઇન્વર્ટર ઉત્પાદન ક્ષમતા ઊભી કરવામાં આવશે. કંપનીની ‘સોલારયાન 2.0’ વ્યૂહરચના હેઠળ સૌર ઇન્વર્ટર ઉત્પાદકમાંથી સંકલિત ક્લીન એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર બનવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ઓલ-ઇન-વન સિસ્ટમ મુખ્ય આકર્ષણ

એક્સ્પોમાં કંપનીનું ઓલ-ઇન-વન (AIO) સોલ્યુશન મુખ્ય આકર્ષણ રહ્યું હતું. તેમાં હાઇબ્રિડ ઇન્વર્ટર અને લિથિયમ-આયન બેટરી સ્ટોરેજને એક જ યુનિટમાં સંકલિત કરવામાં આવ્યાં છે. 3થી 10 kWની હાઇબ્રિડ ઇન્વર્ટર શ્રેણી અને 10 kWh બેટરી સ્ટોરેજ ધરાવતી આ સિસ્ટમ સૌર ઊર્જાનો સંગ્રહ અને વીજળીના બેકઅપની સુવિધા પૂરી પાડે છે.

કંપનીએ 125 kW / 241 kWh ક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) પણ રજૂ કરી છે. આ સિસ્ટમ ઔદ્યોગિક અને વ્યવસાયિક એકમોમાં પીક ડિમાન્ડનું સંચાલન, સૌર ઊર્જાનો સંગ્રહ અને બેકઅપ પાવર માટે ઉપયોગી છે. તેની બેટરી શ્રેણીમાં HV6, HV12 અને DM-સિરીઝની બેટરીનો સમાવેશ થાય છે, જેની ક્ષમતા 241.05 kWhથી 7.23 MWh સુધી વિસ્તારી શકાય છે.

સ્થાનિક ઉત્પાદન અને ઊર્જા આત્મનિર્ભરતા પર ભાર

સોલારયાનના ફાઉન્ડર અને સીએમડી મનોજ પટેલે જણાવ્યું હતું કે હાઇબ્રિડ ટેક્નોલોજી અને બેટરી સ્ટોરેજ ઊર્જા આત્મનિર્ભરતા માટે મહત્ત્વપૂર્ણ છે. કંપની ભારતીય હવામાન અને ઘર, વ્યવસાય તથા ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ પ્રોડક્ટ્સ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

જોઈન્ટ એમડી અને કો-ફાઉન્ડર શાલિન બોટાદરાએ જણાવ્યું હતું કે કડીમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવાની યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુરૂપ છે. તેનાથી સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને દેશની ક્લીન એનર્જી વેલ્યુ ચેઇનને મજબૂતી મળશે.

કંપનીનું પાર્ટનર નેટવર્ક હાલમાં 13 રાજ્યોમાં ફેલાયેલું છે. ગ્રાહકોને વધુ સારી સેવા આપવા માટે કંપની દર અઠવાડિયે પાર્ટનર્સ અને ટેક્નિકલ ટીમો માટે તાલીમ સત્રો યોજે છે. સીઈઓ ચિરાગ પટેલના જણાવ્યા અનુસાર, પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા, નિયમિત તાલીમ અને ઝડપી સેવા દ્વારા રહેણાક, વ્યવસાયિક તથા ઔદ્યોગિક ક્ષેત્રોમાં ક્લીન એનર્જી સોલ્યુશન્સનો વ્યાપ વધારવાનો કંપનીનો ઉદ્દેશ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *