સ્કોટલેન્ડે ઇંગ્લેન્ડને 53-36થી હરાવ્યું; બાંગ્લાદેશ, શ્રીલંકા અને સિંગાપોરની પણ શાનદાર જીત, કેન્યાની મહિલા ટીમે શ્રીલંકાને 23-20થી હરાવી
અમદાવાદ, શનિવાર:
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026ના બીજા દિવસે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. સ્કોટલેન્ડની મહિલા ટીમે ઇંગ્લેન્ડને 53-36થી હરાવીને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું, જેનાથી સ્કોટિશ પ્રતિનિધિમંડળ પણ પ્રભાવિત થયું હતું. બીજી તરફ, બાંગ્લાદેશે કેનેડાને 67-28થી હરાવીને દમદાર જીત નોંધાવી હતી. શ્રીલંકાએ મલેશિયાને અને સિંગાપોરે સ્કોટલેન્ડની પુરુષ ટીમને હરાવી હતી, જ્યારે કેન્યાની મહિલા ટીમે શ્રીલંકા સામે 23-20થી રોમાંચક વિજય મેળવ્યો હતો.
સ્કોટલેન્ડની મહિલા ટીમનો દબદબો, ઇંગ્લેન્ડને 53-36થી હરાવ્યું
સ્કોટલેન્ડની મહિલા ટીમે ઇંગ્લેન્ડ સામે આક્રમક રમતનું પ્રદર્શન કરીને 53-36થી જીત મેળવી હતી. સ્કોટલેન્ડ તરફથી કિર્સ્ટી માર્ટિને શાનદાર પ્રદર્શન કરતાં 25 પોઈન્ટ્સ મેળવ્યા હતા, જ્યારે મેકફર્સન અને સ્ટીલે 6-6 પોઈન્ટ્સનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી અક્ષય અંબેડાએ 19 પોઈન્ટ્સ મેળવ્યા હતા.
સ્કોટલેન્ડે રેઈડ પોઈન્ટ્સમાં 38-26ની સરસાઈ મેળવી હતી. મજબૂત ડિફેન્સના કારણે ઇંગ્લેન્ડને માત્ર ચાર ટેકલ પોઈન્ટ્સ સુધી મર્યાદિત રાખ્યું હતું. સ્કોટલેન્ડની મહિલા ટીમના આ પ્રભાવશાળી પ્રદર્શનથી સ્કોટિશ પ્રતિનિધિમંડળ પ્રભાવિત થયું હતું.
બાંગ્લાદેશે કેનેડાને 67-28થી કચડ્યું
બાંગ્લાદેશે આક્રમક રમતના જોરે કેનેડા સામે 67-28થી એકતરફી જીત મેળવી હતી. મિજાનુર રહેમાન અને જુલ્ફીકાર આકાશે 10-10 પોઈન્ટ્સ મેળવીને ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
બાંગ્લાદેશે રેઈડ પોઈન્ટ્સમાં કેનેડાને 45-19થી પાછળ રાખ્યું હતું અને સમગ્ર મેચ દરમિયાન પાંચ વખત ઓલઆઉટ કરીને પોતાની મજબૂત પકડ જાળવી રાખી હતી. કેનેડા તરફથી આનંદે 10 અને મનપ્રીત સિંહે 8 પોઈન્ટ્સ મેળવ્યા હતા, પરંતુ તેઓ ટીમને હારથી બચાવી શક્યા નહોતા.
શ્રીલંકાએ મલેશિયાને આક્રમણ અને ડિફેન્સમાં પછાડ્યું
શ્રીલંકાએ મલેશિયા સામે શાનદાર પ્રદર્શન કરતાં જીત મેળવી હતી. શ્રીલંકાના મિલિન્દા ચતુરંગાએ 16 પોઈન્ટ્સ મેળવ્યા હતા, જ્યારે વિદુરંગાએ 11 પોઈન્ટ્સનું યોગદાન આપ્યું હતું.
શ્રીલંકાએ રેઈડ પોઈન્ટ્સમાં 35-21 અને ટેકલ પોઈન્ટ્સમાં 9-5ની સરસાઈ મેળવી હતી. આક્રમક ચડાઈઓ અને મજબૂત બચાવના સંયુક્ત પ્રદર્શન સામે મલેશિયાની ટીમ ટકી શકી નહોતી.
સિંગાપોરે સ્કોટલેન્ડને 50-28થી હરાવ્યું
સિંગાપોરે સ્કોટલેન્ડની પુરુષ ટીમને 50-28થી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. મોહમ્મદ આદિલ મુતાલિબે 10 અને વિષ્ણુવર્ધન દેવાએ 7 પોઈન્ટ્સ મેળવીને ટીમને જીત અપાવવામાં મદદ કરી હતી.
સિંગાપોરે હાફ ટાઈમ સુધીમાં 31-11ની મજબૂત સરસાઈ મેળવી લીધી હતી. રેઈડ પોઈન્ટ્સમાં પણ સિંગાપોરે સ્કોટલેન્ડને 28-11થી પાછળ રાખ્યું હતું. સ્કોટલેન્ડે વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંગાપોરના મજબૂત ડિફેન્સે તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
કેન્યાની મહિલા ટીમે શ્રીલંકાને 23-20થી હરાવ્યું
દિવસની સૌથી રસાકસીભરી મેચોમાંની એકમાં કેન્યાની મહિલા ટીમે શ્રીલંકાને 23-20થી હરાવી હતી. બંને ટીમોના ડિફેન્સે જોરદાર પ્રદર્શન કરતાં કોઈપણ ટીમ ઓલઆઉટ થઈ નહોતી.
રેઈડ પોઈન્ટ્સમાં કેન્યાએ 15-11થી સરસાઈ મેળવી હતી, જ્યારે ટેકલ પોઈન્ટ્સમાં શ્રીલંકાએ 9-8થી આગળ રહીને લડત આપી હતી. અંતે કેન્યાની મહિલા ટીમે ત્રણ પોઈન્ટ્સના અંતરથી જીત મેળવીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
