ભારત અને પછી ચીનની મુલાકાત લેવાની વર્ષો જૂની પરંપરાને અવગણે એવી શક્યતા
માલે
ચીન સમર્થક ગણાતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ પહેલા ભારત અને પછી ચીનની મુલાકાત લેવાની વર્ષો જૂની પરંપરા તોડવાની તૈયારીમાં છે. એક અહેવાલોમાં દાવો કરાયો હતો કે તે ટૂંક સમયમાં જ ભારતને પડતું મૂકીને ચીનની મુલાકાતે જઈ શકે છે. જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત તો થઇ નથી પણ ખાસ વાત એ છે કે જો એવું થશે તો પ્રથમ વખત એવું બનશે કે જ્યારે માલદીવમાં લોકશાહી રીતે ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિ ભારતથી પહેલા ચીનની મુલાકાત લેશે.
છેલ્લે 2008થી માલદીવના તમામ રાષ્ટ્રપતિ સૌથી પહેલા ભારતની મુલાકાતે આવતા હતા અને પછી ચીન જતા હતા. તેમાં ભારતવિરોધી ગણાતા નેતાઓ મોહમ્મદ વાહિદ અને અબ્દુલ્લા યામીન પણ સામેલ હતા. એક અહેવાલ અનુસાર સૂત્રોએ દાવો કર્યો છે કે ચીન અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત મામલે વાતચીત ચાલી રહી છે. ખાસ વાત એ પણ છે કે ભારત અને ચીનથી પહેલા મુઈજ્જુ તૂર્કીએ પણ જઈ આવ્યા છે.
હવે મુઈજ્જુ પહેલા તૂર્કીએ જઈ આવતા એવા સંકેત મળી રહ્યા છે કે માલદીવના રાષ્ટ્રપતિ એવું બતાવવા માગે છે કે તેમનો દેશ ન તો ભારત ન તો ચીન પર નિર્ભર છે. એવા પણ અહેવાલ છે કે ચીને મુઈજ્જુને આમંત્રણ મોકલી દીધું છે. જોકે ભારત તરફથી કોઈ આમંત્રણ મોકલાયું છે કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઇ નથી. આ અહેવાલ પણ એવા સમયે આવ્યા છે જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુ ભારતીય સૈનિકોને તેમના દેશમાંથી બહાર કરવાના સતત પ્રયાસો કરી રહ્યા છે.