ગુજરાતમાં બોગસ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ: ૧૫ દિવસમાં ૩૮ ઝડપાયા, ૩૫ સામે FIR

Spread the love

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ૨૯૮ ટીમોએ રાજ્યભરમાં હાથ ધરી તપાસ; રાજકોટમાં સૌથી વધુ ૧૭ બોગસ તબીબો ઝડપાયા, દિવાળી બાદ પણ ઝુંબેશ ચાલુ રહેશે

ગાંધીનગર:

ગુજરાતમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો અને ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવેલી ૧૫ દિવસની વિશેષ મેગા ડ્રાઈવમાં કુલ ૩૮ શંકાસ્પદ બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાંથી ૩૫ સામે પોલીસ દ્વારા FIR નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ કાર્યવાહી અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને યોગ્ય અને સુરક્ષિત આરોગ્ય સેવાઓ મળી રહે તથા ડિગ્રી વગરના લેભાગુ તબીબો દ્વારા લોકોના જીવન સાથે થતા જોખમી ચેડાં અટકાવી શકાય તે હેતુથી આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો અને આરોગ્ય કમિશનર રતનકંવર ગઢવી ચારણ સહિતના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના માટે રાજ્યભરમાં કુલ ૨૯૮ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ સતત ૧૫ દિવસ સુધી અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના તમામ જિલ્લાઓમાં સઘન તપાસ અને દરોડાની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે ભાગ લીધો હતો.

રાજકોટમાં સૌથી વધુ બોગસ તબીબો ઝડપાયા

મેગા ડ્રાઈવ દરમિયાન સામે આવેલા આંકડા મુજબ રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૧૭ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે સુરતમાં ૯, ગીર સોમનાથમાં ૩ અને સુરેન્દ્રનગરમાં ૨ બોગસ તબીબો ઝડપાયા છે. અન્ય વિસ્તારોમાં પણ એક-એક બોગસ તબીબ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આમ, કુલ ૩૫ અનધિકૃત તબીબો સામે FIR નોંધવામાં આવી છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, બોગસ ડોક્ટરોની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામવા માટે સરકારના અગાઉના દિશાનિર્દેશો અને ઠરાવ અનુસાર જિલ્લાવાર વિશેષ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ બાતમીદારો પાસેથી મળતી માહિતીના આધારે શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડે છે.

આ સમિતિમાં તાલુકા હેલ્થ ઓફિસર (THO), મેડિકલ હેલ્થ ઓફિસર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI), પોલીસ હેડ કોન્સ્ટેબલ, મલ્ટીપર્પસ હેલ્થ સુપરવાઇઝર, તાલુકા હેલ્થ કચેરીના સિનિયર ક્લાર્ક અને સંબંધિત ગામના તલાટી-કમ-મંત્રીનો સમાવેશ થાય છે.

ક્લિનિક બંધ કરી ફરાર થનારાઓ પર પણ નજર

આ મેગા ડ્રાઈવ દરમિયાન કેટલીક જગ્યાએ આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમો દરોડા પાડવા પહોંચી ત્યારે શંકાસ્પદ તબીબો અગાઉથી જ પોતાના ક્લિનિક અને દવાખાનાં બંધ કરીને ફરાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આવા તત્વોને શોધી કાઢવા માટે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ સર્વેલન્સ તથા શોધખોળની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

દિવાળી બાદ પણ ચાલુ રહેશે કડક કાર્યવાહી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે દિવાળી અને તહેવારો બાદ પણ બોગસ ડોક્ટરો વિરુદ્ધની ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે. રાજ્યના કોઈપણ ખૂણે ડિગ્રી વગરનો એક પણ વ્યક્તિ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન કરી શકે તેવો સરકારનો નિર્ધાર છે.

આ સાથે તેમણે નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનોને અપીલ કરી છે કે તેમના વિસ્તારમાં કોઈ વ્યક્તિ માન્ય ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો જણાય તો તાત્કાલિક નજીકના PHC, CHC, પોલીસ સ્ટેશન અથવા SOGને જાણ કરે.

મંત્રીએ નાગરિકોને વધુમાં જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિઃશુલ્ક સારવાર, ગુણવત્તાયુક્ત દવાઓ તથા લેબોરેટરી તપાસની સુવિધાઓ ઉપલબ્ધ છે. ખાનગી ક્ષેત્રમાં સારવાર લેતી વખતે પણ MBBS, આયુર્વેદ, હોમિયોપેથી અથવા અન્ય માન્ય મેડિકલ લાયકાત ધરાવતા અને સંબંધિત કાઉન્સિલમાં રજિસ્ટર્ડ તબીબ પાસે જ સારવાર લેવી જોઈએ.

ડિગ્રી વગરના વ્યક્તિઓ પાસે સારવાર કરાવવાથી શરીરને કાયમી નુકસાન થવાની સાથે દર્દીના જીવન સામે પણ ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. તેથી નાગરિકોએ જાગૃત રહીને બોગસ તબીબોથી દૂર રહેવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *