ગુજરાતમાં પાણીની કટોકટી: ૨૦૬ જળાશયોમાં ૫,૧૮૧ MCM પાણી ઘટ્યું, ચોમાસું એળે જતાં સરદાર સરોવર જ એકમાત્ર આશા

Spread the love

ખેતી અને પીવાના પાણી પર સંકટ: નર્મદા ડેમમાં ૭૦.૮૬ MCM વધુ જળસંગ્રહ હોવાથી રાજ્યને મોટી રાહત.

અમદાવાદ

અલ નિનોની ગંભીર અસરને કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નબળું રહ્યું છે, જેના લીધે રાજ્યના મોટાભાગના જળાશયોમાં જળસ્તર ચિંતાજનક રીતે ઘટી ગયા છે. વરસાદની તંગીના કારણે રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં દુષ્કાળ જાહેર કરવાની નોબત આવી છે. આવા વિકટ સંજોગોમાં માત્ર સરદાર સરોવર ડેમમાં પૂરતો જળસંગ્રહ હોવો એ જ રાજ્ય માટે એકમાત્ર રાહતના સમાચાર છે, અન્યથા પીવાના પાણી અને ખેતી માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે.

વરસાદમાં મોટો ઘટાડો: આંકડાકીય સ્થિતિ સરકારી આંકડા મુજબ, વર્ષ ૨૦૨૬માં રાજ્યમાં સરેરાશ ૮૧૧.૯૬ મિ.મી. (૮૯.૩૪ ટકા) વરસાદ નોંધાયો છે, જે વર્ષ ૨૦૨૫ના નવેમ્બર સુધીના ૧,૦૬૧.૮૦ મિ.મી. (૧૧૯.૧૩ ટકા) વરસાદની સરખામણીએ ૨૪૯.૮૪ મિ.મી. જેટલો ઓછો છે. વરસાદની ટકાવારીમાં ૨૯.૭૯ ટકાનો સીધો ઘટાડો નોંધાયો છે.

જળાશયોમાં પાણીના જથ્થાની ઘટ વરસાદની અછતને કારણે રાજ્યના ૨૦૬ જળાશયોમાં પાણીનો કુલ જથ્થો નવેમ્બર ૨૦૨૫ના ૧૫,૨૮૪.૩૭ એમસીએમથી ઘટીને આ વર્ષે ૧૦,૧૦૩ એમસીએમ થયો છે. એટલે કે એક વર્ષમાં કુલ ૫,૧૮૧.૩૭ એમસીએમ પાણી ઘટી ગયું છે. રાજ્યના ૧૭ મુખ્ય જળાશયોની વાત કરીએ તો તેમાં પણ ૩,૯૪૩.૧૩ એમસીએમનો ઘટાડો થયો છે.

ગત વર્ષે ૯૦ ટકાથી વધુ ભરાયેલા જળાશયોની સંખ્યા ૧૫૧ હતી, જે ઘટીને આ વર્ષે માત્ર ૩૫ રહી ગઈ છે. જ્યારે ૭૦ ટકાથી ઓછું પાણી ધરાવતા જળાશયોની સંખ્યા ૩૦થી વધીને ૧૪૭ પર પહોંચી છે.

સરદાર સરોવર ડેમમાં રાહતજનક જળસંગ્રહ રાજ્યના અન્ય ડેમોમાં સ્થિતિ ચિંતાજનક હોવા છતાં સરદાર સરોવર (નર્મદા) ડેમમાં પાણીની સ્થિતિ સારી છે. નવેમ્બર ૨૦૨૫માં નર્મદા ડેમમાં ૯,૩૬૯.૮૨ એમસીએમ પાણી હતું, જે આ વર્ષે વધીને ૯,૪૪૦.૬૮ એમસીએમ થયું છે. આમ ગત વર્ષ કરતાં ૭૦.૮૬ એમસીએમ વધુ પાણીનો સંગ્રહ નોંધાયો છે.

જોકે, અન્ય મુખ્ય ડેમો જેવા કે ઉકાઈ (૫૩૭૬.૫૪ એમસીએમ), કડાણા (૭૯૩.૭૧ એમસીએમ), ધરોઈ (૪૦૬.૩૩ એમસીએમ) અને દાંતીવાડા (૮૯.૯૬ એમસીએમ)માં ગત વર્ષની તુલનાએ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

આજવા સરોવર અને સ્થાનિક અસર વડોદરા શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવરની સ્થિતિ પણ કફોડી બની છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ૨૧૨.૯૫ ફૂટે પહોંચેલું આજવા આ વર્ષે ક્યારેય ભયજનક સપાટીએ પહોંચ્યું નથી. હાલમાં સરોવરની સપાટી ૨૦૮.૫૭ ફૂટ નોંધાઈ છે, જેના કારણે નવેમ્બર મહિનામાં જ ફેબ્રુઆરી જેવી તંગીની સ્થિતિ ઊભી થઈ છે.

ઓછા વરસાદ અને તળિયાઝાટક થઈ રહેલા જળાશયોને કારણે આવનારા દિવસોમાં રવિ પાકની ખેતી અને પીવાના પાણીના વ્યવસ્થાપન સામે મોટા પડકારો ઊભા થવાની પૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *