ચૂંટણી પરિણામના 20 દિવસ બાદ ભાજપે કરી નવી ટીમની જાહેરાત; સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની વરણી
ગાંધીનગર:
ગાંધીનગર મહાનગરપાલિકા (મનપા)માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની શાનદાર જીત બાદ આજે મનપાના નવા હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરની ગાંધીનગરના નવા મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે અંજના મહેતાને ડેપ્યુટી મેયર અને મહેન્દ્ર પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. ચૂંટણીના પરિણામો જાહેર થયાના 20 દિવસ બાદ આ તમામ પદાધિકારીઓની સત્તાવાર વરણી કરવામાં આવી છે.
મેન્ડેટમાં વિલંબ થતાં કોંગ્રેસે ઉઠાવ્યો મુદ્દો
મંગળવારે, 3 નવેમ્બરના રોજ ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે, ભાજપના સભ્યો માટે સમયસર મેન્ડેટ ન આવતા આ નિર્ણય લેવામાં થોડો વિલંબ થયો હતો. મેન્ડેટમાં થઈ રહેલા વિલંબને લઈને કોંગ્રેસના સભ્યોએ મનપા કમિશનર સમક્ષ વિરોધ દર્શાવીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. આખરે બપોરે દોઢ વાગ્યે ભાજપના શહેર પ્રભારી મેન્ડેટ લઈને મનપા કચેરી પહોંચ્યા હતા, જે બાદ યોજાયેલી બેઠકમાં નવી ટીમ અંગે અંતિમ નિર્ણય લેવાયો હતો.
29 વર્ષીય રૂપસિંહ ઠાકોર બન્યા નવા મેયર
ગાંધીનગરના મેયર તરીકે પસંદગી પામેલા 29 વર્ષીય રૂપસિંહ ઠાકોર પ્રથમ વખત જ મનપાની ચૂંટણી લડીને કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. પ્રથમ ટર્મમાં જ પક્ષ દ્વારા તેમના પર વિશ્વાસ મૂકીને મેયરનો તાજ પહેરાવવામાં આવ્યો છે. તેમની સાથે ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, જ્યારે સત્તાપક્ષની મુખ્ય કમિટી ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલને કમાન સોંપવામાં આવી છે.
કોંગ્રેસે કર્મજીતસિંહ વાઘેલાને સોંપી વિપક્ષની જવાબદારી
એક તરફ ભાજપે પોતાના સત્તાધારી પદાધિકારીઓની જાહેરાત કરી, તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે પણ મનપામાં વિપક્ષના નેતા તરીકે કર્મજીતસિંહ વાઘેલાની પસંદગી કરી છે.
આ વખતે મનપામાં વિપક્ષ બનશે વધુ મજબૂત
ગત ટર્મની સરખામણીએ આ વખતે ગાંધીનગર મનપામાં વિપક્ષનો અવાજ વધુ બુલંદ અને મજબૂત જોવા મળશે. ગત ટર્મમાં કોંગ્રેસ અને વિપક્ષ પાસે સભ્યોનું બળ ખૂબ ઓછું હતું. પરંતુ આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે 5 બેઠકો પર જીત મેળવી છે. આ ઉપરાંત 1 અપક્ષ ઉમેદવાર પણ કોંગ્રેસ સાથે જોડાતા વિપક્ષી ખેમામાં કુલ 6 સભ્યોનું સંખ્યાબળ થયું છે, જેના કારણે મનપામાં વિપક્ષ પ્રજાના પ્રશ્નો ઉઠાવવા માટે વધુ તાકાત સાથે રજૂઆત કરી શકશે.
