અમદાવાદ, આણંદ અને વડોદરામાં 29 મુકાબલા રમાયા; અંડર-13માં ARA FCનો 26-0થી ઐતિહાસિક વિજય, અંડર-15માં અમદાવાદ યુનાઇટેડ 15-0થી જીત્યું
અમદાવાદ:
ગુજરાતમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા અને નવી પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાના હેતુથી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ તથા અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં રોમાંચક મુકાબલાઓનો દોર યથાવત્ રહ્યો છે. અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે વિવિધ કેટેગરીના કુલ 29 મુકાબલા રમાયા હતા. દિવસ દરમિયાન અનેક ટીમોએ એકતરફી વિજય નોંધાવ્યા હતા, જ્યારે કેટલાક મુકાબલામાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.
આ વર્ષની ચેમ્પિયનશિપમાં ગુજરાતની નામાંકિત ફૂટબોલ ક્લબોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ખાસ વાત એ છે કે ચારેય કેટેગરીમાં કુલ 73 ટીમો મેદાનમાં ઉતરી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી હોવાનું એસોસિએશન દ્વારા જણાવાયું છે. તેમાં સિનિયર મેન્સ કેટેગરીમાં 13 ટીમો, અંડર-13માં 23 ટીમો, અંડર-15માં 23 ટીમો અને અંડર-17માં 14 ટીમોનો સમાવેશ થાય છે. અંડર-13, અંડર-15 અને અંડર-17 કેટેગરીની ચેમ્પિયન ટીમોને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત યૂથ લીગમાં ભાગ લેવાની તક મળશે. આથી યુવા ખેલાડીઓ માટે રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાનો મહત્વપૂર્ણ માર્ગ ખુલશે.
સિનિયર મેન્સમાં વંડર્સ અને કીક જેકનો દમદાર દેખાવ
સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડમાં વંડર્સ એફસીએ એસએજી એફએને 2-1થી પરાજય આપ્યો હતો. વંડર્સ તરફથી મોહમ્મદ જલીવાલ્સ અને સર્વેશ પાંડેએ એક-એક ગોલ નોંધાવ્યો હતો, જ્યારે એસએજી એફએ તરફથી પ્રજાપતિ રુદ્રે એક ગોલ કર્યો હતો. અન્ય મુકાબલામાં કીક જેક એફસીએ ગુજરાત પોલીસની ટીમને 3-0થી હરાવી પ્રભાવશાળી વિજય મેળવ્યો હતો. કીક જેક તરફથી બિસ્વજિત રોય, રુદ્ર ક્ષેત્રી અને રોહિતે એક-એક ગોલ નોંધાવ્યો હતો.
અંડર-13માં ARA FCનો 26-0થી વિશાળ વિજય
અંડર-13 કેટેગરીમાં ARA એફસીએ અનસ્ટોપેબલ એફસી સામે 26-0થી એકતરફી વિજય મેળવી દિવસનો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો. એસએજી એફસીએ ફ્લોરી એસએને 5-0થી હરાવી હતી. કર્ણાવતી એફસી અને લીવે એફસી વચ્ચેનો મુકાબલો 2-2થી ડ્રો રહ્યો હતો.
અન્ય પરિણામોમાં બીએસપીએફ સુરતે નવરચના એસએને 4-1થી, બરોડા એફએએ સેવી સ્વરાજ એફસીને 4-2થી અને સીવીએમ એફસીએ રેન્જર્સ એફએને 4-2થી હરાવ્યું હતું. બીએફએ યુનાઇટેડે રાઇઝિંગ સ્ટાર એફએને 5-0થી, ઓએમએમ એફસીએ એસજીવીપી એફસીને 7-0થી, બ્લૂ ટાઇગર એફસીએ કહાની એફસીને 3-2થી, માસ્ટર એફસીએ એસજીવીપી એફએને 3-0થી અને શાર્પ શૂટર એફસીએ ગાંધીનગર એફસીને 2-1થી પરાજય આપ્યો હતો.
અંડર-15માં અમદાવાદ યુનાઇટેડનો 15-0થી દબદબો
અંડર-15 કેટેગરીમાં અમદાવાદ યુનાઇટેડ એફસીએ અનસ્ટોપેબલ એફસીને 15-0થી હરાવી પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. બરોડા એફએએ રેન્જર્સ એફએને 8-0થી અને એસએજી એફએએ બ્લૂ ટાઇગર એફસીને 3-1થી હરાવ્યું હતું. એસજીવીપી એફસીએ કહાની એફસીને 2-0થી, લીવે સ્પોર્ટ્સે ગાંધીનગર એફસીને 2-1થી તથા એનસીડી એફસી ગાંધીનગરએ સેવી સ્વરાજ એફસીને 5-0થી પરાજય આપ્યો હતો. સિગ્નસ એસએ અને એસકે યુનાઇટેડ એફસી વચ્ચેનો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો.
અંડર-17માં બરોડા એફએનો 10-1થી ભવ્ય વિજય
અંડર-17 કેટેગરીમાં બરોડા એફએએ એસજીવીપી એફએને 10-1થી હરાવી નોંધપાત્ર વિજય મેળવ્યો હતો. કાસા એફસીએ કર્ણાવતી એફસીને 4-1થી, સેવી સ્વરાજ એફસીએ એસકે યુનાઇટેડને 5-0થી અને સીવીએમ એફસીએ એસજીવીપી એફસીને 2-0થી હરાવી હતી.
કહાની એફસી અને ARA એફસી વચ્ચેનો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો. કહાની તરફથી નિનગથૌગજામ અને ARA તરફથી મોહમ્મદ રસીદે એક-એક ગોલ કર્યો હતો. જ્યારે દ્વિવેદી બ્રધર્સ અને એસએજી એફએ વચ્ચેનો મુકાબલો 2-2થી બરાબરી પર પૂર્ણ થયો હતો.
ગુજરાતમાં ફૂટબોલના વધતા વ્યાપ અને યુવા ખેલાડીઓની ભાગીદારીનું પ્રતિબિંબ આ ચેમ્પિયનશિપમાં જોવા મળી રહ્યું છે. 73 ટીમોની રેકોર્ડ ભાગીદારી સાથે યોજાતી આ સ્પર્ધા રાજ્યના ફૂટબોલને નવી ઊંચાઈએ લઈ જવા ઉપરાંત ભવિષ્યના રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
