આલીપોર PHCની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ લીધી ઓચિંતી મુલાકાત

Spread the love

સ્વચ્છતા, દવાઓ, સ્ટાફ અને પાયાની સુવિધાઓનું સ્થળ પર નિરીક્ષણ; કામગીરીથી પ્રભાવિત થઈ આરોગ્ય કર્મીઓ અને સફાઈ કર્મયોગીઓને સાલ ઓઢાડી સન્માન કર્યું

ચીખલી

રાજ્યના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત, સુલભ અને સંવેદનશીલ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના પ્રયાસોના ભાગરૂપે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન તેમણે આરોગ્ય કેન્દ્રની સમગ્ર વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ કરી દર્દીઓને મળતી આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી.

આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ

આરોગ્ય મંત્રીએ આલીપોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને મળતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા, તબીબી સાધનો, સ્ટાફની કામગીરી તેમજ ઓપીડી અને દવા વિતરણની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કેન્દ્રમાં સ્વચ્છતા, પીવાના પાણીની સુવિધા તથા દર્દીઓ માટે ઉપલબ્ધ અન્ય પાયાની સુવિધાઓનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું.

તેમણે તબીબો, નર્સિંગ સ્ટાફ, આરોગ્ય કર્મીઓ તથા અન્ય કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમની કામગીરી, દર્દીઓની સંખ્યા અને આરોગ્ય સેવાઓ અંગેની વ્યવસ્થાની માહિતી મેળવી હતી.

સ્વચ્છતા અને શિસ્તબદ્ધ કામગીરીની પ્રશંસા

મુલાકાત દરમિયાન આલીપોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળેલી સ્વચ્છતા, સુદૃઢ વ્યવસ્થા અને શિસ્તબદ્ધ કામગીરીથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા પ્રભાવિત થયા હતા. તેમણે ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ તેમજ સફાઈ કર્મયોગીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ આરોગ્ય કર્મીઓ અને સફાઈ કર્મયોગીઓને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા સારી રાખવામાં તબીબી સ્ટાફની સાથે સફાઈ કર્મચારીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે.

PHCમાં સ્વચ્છતા અને સંવેદનશીલતા જરૂરી

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય નાગરિક માટે આરોગ્ય વ્યવસ્થાનું પ્રથમ મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં સ્વચ્છતા, શિસ્ત, વ્યવસ્થા અને દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા જાળવવી ગુણવત્તાયુક્ત સારવાર જેટલી જ જરૂરી છે.

તેમણે આલીપોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળેલી કામગીરીને અન્ય આરોગ્ય કેન્દ્રો માટે પણ અનુસરવા જેવી ગણાવી હતી. રાજ્યના તમામ CHC અને PHC કેન્દ્રોમાં સ્વચ્છતા, સુદૃઢ વ્યવસ્થા અને શિસ્તબદ્ધ કામગીરી સાથે દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

દર્દીઓ સાથે સંવેદનશીલ વ્યવહારની સૂચના

આરોગ્ય મંત્રીએ અધિકારીઓ અને કર્મચારીઓને દર્દીઓ સાથે હંમેશા સંવેદનશીલ અને સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર જાળવવા સૂચના આપી હતી. આરોગ્ય સેવાઓમાં કોઈપણ પ્રકારની ક્ષતિ અથવા મુશ્કેલી જણાય તો તેનું સમયસર નિરાકરણ લાવવા પણ તેમણે જણાવ્યું હતું.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ઓચિંતી મુલાકાતોનો હેતુ માત્ર નિરીક્ષણ કરવાનો નથી, પરંતુ સારી કામગીરીને પ્રોત્સાહન આપવાનો અને જ્યાં સુધારાની જરૂરિયાત હોય ત્યાં તાત્કાલિક સુધારો સુનિશ્ચિત કરવાનો છે. રાજ્યના દરેક ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં નાગરિકોને સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળે તે દિશામાં સતત કામગીરી કરવા તેમણે ભાર મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *